ભારત, સાઉથ કોરિયા, મલેશિયા અને ચીન વચ્ચે થશે રસાકસીનો જંગ
પ્રતીકાત્મક તસવીર
બિહારમાં આયોજિત મેન્સ હૉકી એશિયા કપ 2024માં આજથી ત્રણ દિવસનો સુપર-ફોર રાઉન્ડ શરૂ થશે. ટૉપ-ટૂ ટીમ બનીને ગ્રુપ-Aમાંથી ભારત અને ચીન, જ્યારે ગ્રુપ-Bમાંથી મલેશિયા અને સાઉથ કોરિયા આ રાઉન્ડમાં પહોંચ્યાં છે. ભારતીય ટીમ ચીનને ૪-૩, જપાનને ૩-૨ અને કઝાખસ્તાનને ૧૫-૦થી હરાવીને અજેય રહીને આ તબક્કા સુધી પહોંચી છે. સુપર-ફોર રાઉન્ડની ટૉપ-ટૂ ટીમ સાત સપ્ટેમ્બરથી ફાઇનલ મૅચ માટે ક્વૉલિફાય થશે.
આગામી ત્રણ દિવસમાં જપાન, ચાઇનીઝ તાઇપે, બંગલાદેશ અને કઝાખસ્તાનનો પણ જંગ થશે જે પૉઇન્ટ ટેબલમાં ઓવરઑલ ક્રમ નક્કી કરવા માટે થશે. એશિયા કપ ત્રણ વખત જીતનાર ભારતની ટક્કર આજે પાંચ વખતના ચૅમ્પિયન સાઉથ કોરિયા સામે છે. આંકડાઓ અનુસાર બન્ને વચ્ચે ૬૨ ટક્કર થઈ છે જેમાંથી ભારત ૩૯ અને સાઉથ કોરિયા અગિયાર મૅચ જીત્યું છે, જ્યારે ૧૨ મૅચ ડ્રૉ રહી છે.


