ડેન્માર્ક ઓપન સુપર ૭૫૦ બૅડ્મિન્ટન ટુર્નામેન્ટમાં ચીન, વિયેટનામના ખેલાડી સામે ભારે સંઘર્ષ કર્યા બાદ હાર્યાં
લક્ષ્ય સેન અને માલવિકા બનસોડ
ડેન્માર્કના શહેર ઑડેન્સમાં ગઈ કાલે શરૂ થયેલી ડેન્માર્ક ઓપન સુપર ૭૫૦ બૅડ્મિન્ટનનો પ્રથમ દિવસ ભારત માટે નિરાશાજનક રહ્યો હતો. ભારતનાં સ્ટાર ખેલાડીઓ લક્ષ્ય સેન અને માલવિકા બનસોડ પહેલા જ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગયાં હતાં. ૨૦૨૧માં વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર લક્ષ્ય સેન ચીનના ખેલાડી લુ ગ્વાંગ ઝૂ સામે પ્રથમ સેટ જીત્યા બાદ ૨૧-૧૨, ૧૯-૨૧ અને ૧૪-૨૧થી હારી ગયો હતો, જ્યારે મહિલા સ્ટાર ખેલાડી માલવિકા વિયેતનામની ખેલાડી સામે ૧૩-૨૧, ૧૨-૨૧ એમ સીધા સેટમાં હારી ગઈ હતી. આ ઉપરાંત મહિલા ડબલ્સમાં પાન્ડા સિસ્ટર્સ રુતુપર્ણા અને સ્વેતાપર્ણા પણ પ્રથમ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગઈ હતી.

