સાઉથ આફ્રિકાના બોલર્સ કરતાં બે ગણાથી વધારે ટેસ્ટ-મૅચ રમવાનો અનુભવ ધરાવે છે ઑસ્ટ્રેલિયાના બોલર્સ, ઇંગ્લૅન્ડમાં પણ રમવાનો બહોળો અનુભવ છે કાંગારૂ બોલર્સને
IPLમાં ચૅમ્પિયન બન્યા બાદ લંડનમાં કાંગારૂ ટીમ સાથે જોડાયો હેઝલવુડ.
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ત્રીજી સીઝનની ફાઇનલ મૅચ ૧૧થી ૧૫ જૂન વચ્ચે ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. લંડનમાં આયોજિત આ પાંચ દિવસના ફાઇનલ જંગ માટે બન્ને ટીમના બોલર્સ તનતોડ મહેનત કરી રહ્યા છે, પણ ટેસ્ટ-મૅચ રમવામાં, એકબીજાની હરીફ ટીમ સામે રમવામાં અને ઇંગ્લૅન્ડમાં રમવા માટે કાંગારૂ ટીમના બોલર્સ સાઉથ આફ્રિકાના બોલર્સ કરતાં વધુ અનુભવી છે. ચાલો જાણીએ બન્ને ટીમના બોલિંગ-યુનિટના રસપ્રદ આંકડા.
ઑસ્ટ્રેલિયન ટીમ સાથે એક ટ્રાવેલ રિઝર્વ પ્લેયર બ્રેન્ડન ડોગેટ સાથે નવ બોલર્સના વિકલ્પ છે. ઑસ્ટ્રેલિયાની આ બોલિંગ લાઇનઅપને કુલ ૪૨૦ ટેસ્ટ રમવાનો અનુભવ છે. તેમના આ બોલર્સ સાઉથ આફ્રિકા સામે ૫૮ અને ઇંગ્લૅન્ડમાં ૬૦ મૅચ રમવાનો અનુભવ ધરાવે છે.
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સ.
ઑસ્ટ્રેલિયાની ફાસ્ટ બોલર્સની ત્રિપુટી મિચલ સ્ટાર્ક (૯૬ ટેસ્ટમાં ૩૮૨ વિકેટ), કૅપ્ટન પૅટ કમિન્સ (૬૭ ટેસ્ટમાં ૨૯૪ વિકેટ) અને જોશ હેઝલવુડ (૭૨ ટેસ્ટમાં ૨૭૯ વિકેટ) એકલા હાથે હરીફ ટીમને ઑલઆઉટ કરવાની ક્ષમતા ધરાવે છે. સ્પિનર્સ નૅથન લાયન (૧૩૬ ટેસ્ટમાં ૫૫૩ વિકેટ) અને મૅથ્યુ કુહનેમૅન (પાંચ ટેસ્ટમાં પચીસ વિકેટ)ની જોડી ફેલ જાય તો તેમની ટીમમાં પાર્ટ-ટાઇમ સ્પિનર્સ પણ હાજર છે.
સાઉથ આફ્રિકન ટીમ પાસે બે સ્પિનર્સ સહિત ૮ બોલર્સના વિકલ્પ છે. આ બોલિંગ લાઇનઅપને ૧૯૩ ટેસ્ટ-મૅચમાં રમવાનો અનુભવ છે. આ બોલર્સ ઑસ્ટ્રેલિયા સામે પચીસ ટેસ્ટ રમ્યા છે, જ્યારે ઇંગ્લૅન્ડમાં માત્ર ૧૮ ટેસ્ટ-મૅચ રમવાનો અનુભવ ધરાવે છે. આ બોલિંગ-યુનિટમાં ચાર પ્લેયર્સને ઑસ્ટ્રેલિયા સામે અને ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ-મૅચ રમવાનો અનુભવ નથી. સાઉથ આફ્રિકા તરફથી ફાસ્ટ બોલર્સ કૅગિસો રબાડા (૭૦ ટેસ્ટમાં ૩૨૭ વિકેટ), લુન્ગી ઍન્ગિડી (૧૯ ટેસ્ટમાં ૫૫ વિકેટ), માર્કો યાન્સેન (૧૭ ટેસ્ટમાં ૭૩ વિકેટ) અને સ્પિનર કેશવ મહારાજ (૫૭ ટેસ્ટમાં ૧૯૮ વિકેટ) મુખ્ય બોલર્સ છે.

