પૅટ કમિન્સના કેર સામે સાઉથ આફ્રિકાએ ૧૨ રનમાં છેલ્લી પાંચ વિકેટ ગુમાવીને WTC ફાઇનલની એક ઇનિંગ્સનો લોએસ્ટ સ્કોર કર્યો, કૅગિસો રબાડા અને લુંગી ઍન્ગિડીએ ઑસ્ટ્રેલિયા સામે શાનદાર કમબૅક કરાવ્યું
સ્ટાર બૅટર સ્ટીવ સ્મિથને LBW આઉટ કર્યા બાદ ફાસ્ટ બોલર લુંગી ઍન્ગિડી સાથે જબરદસ્ત સેલિબ્રેશન કર્યું સાઉથ આફ્રિકન ટીમે.
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) 2023-25ની ફાઇનલ મૅચના બીજા દિવસે ઑસ્ટ્રેલિયા સામે સાઉથ આફ્રિકાએ શાનદાર કમબૅક કર્યું હતું. પહેલી ઇનિંગ્સના ઑસ્ટ્રેલિયાના ૨૧૨ રન સામે ડેવિડ બેડિંગહૅમ ૪૫ રન અને કૅપ્ટન ટેમ્બા બવુમાની ૩૬ રનની ઇનિંગ્સના આધારે સાઉથ આફ્રિકાએ ૫૭.૧ ઓવરમાં ૧૩૮ રન કર્યા હતા. કૅગિસો રબાડા અને લુંગી ઍન્ગિડીના તરખાટને કારણે ઑસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઇનિંગ્સમાં ૪૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૪ રન બનાવ્યા હતા. સતત બીજા દિવસે ૧૪ વિકેટ પડતાં આજે ત્રીજા દિવસે ફાઇનલ મૅચનું રિઝલ્ટ આવી જાય એવી સ્થિતિ ઊભી થઈ છે.
ઑસ્ટ્રેલિયાએ ૨૧૨ રન કરીને WTC ફાઇનલ મૅચની પહેલી ઇનિંગ્સનો લોએસ્ટ સ્કોર કર્યો હતો. બીજા દિવસે ચાર વિકેટે ૪૩ રનના સ્કોરથી શરૂઆત કરતાં સાઉથ આફ્રિકાના કૅપ્ટન ટેમ્બા બવુમા (૮૪ બૉલમાં ૩૬ રન) અને ડેવિડ બેડિંગહૅમે (૧૧૧ બૉલમાં ૪૫ રન) ચોથી વિકેટ માટે ૬૪ રનની ભાગીદારી કરીને સ્કોર ૯૪ રન સુધી પહોંચાડ્યો હતો. ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સે (૨૮ રનમાં ૬ વિકેટ) બૉલથી તરખાટ મચાવતાં સાઉથ આફ્રિકાએ ૧૨ રનની અંદર છેલ્લી પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. કમિન્સ સિવાય મિચલ સ્ટાર્ક (૪૧ રનમાં બે વિકેટ) અને જોશ હેઝલવુડ (૨૭ રનમાં એક વિકેટ)ને જ સફળતા મળી હતી. સાઉથ આફ્રિકાએ ૧૩૮ રનનો સ્કોર WTC ફાઇનલની કોઈ પણ ઇનિંગ્સનો લોએસ્ટ સ્કોર હતો.
ADVERTISEMENT
૭૪ રનની લીડ સાથે બીજી ઇનિંગ્સની શરૂઆત કરતાં ઑસ્ટ્રેલિયાએ ૬૪ રનમાં જ પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ઑસ્ટ્રેલિયાના ટૉપ ઑર્ડર બૅટર ઉસ્માન ખ્વાજા (ઝીરો અને ૬ રન) અને કૅમરન ગ્રીન (૪ રન અને ઝીરો) બન્ને ઇનિંગ્સમાં ફ્લૉપ રહ્યા હતા. ફાસ્ટ બોલર લુંગી ઍન્ગિડી (૩૫ રનમાં ૩ વિકેટ) અને કૅગિસો રબાડા (૪૪ રનમાં ૩ વિકેટ)ની ધારદાર બોલિંગને કારણે ઑસ્ટ્રેલિયન પ્લેયર્સ હેરાન થયા હતા. ઑસ્ટ્રેલિયાની ખતરનાક બૅટિંગ લાઇનઅપમાંથી માર્નસ લબુશેન (૬૪ બૉલમાં બાવીસ રન), સ્ટીવ સ્મિથ (પચીસ બૉલમાં ૧૩ રન), ઍલેક્સ કૅરી (૫૦ બૉલમાં ૪૩ રન) અને મિચલ સ્ટાર્ક (૪૭ બૉલમાં ૧૬ રન અણનમ) જ ડબલ ડિજિટનો આંકડો પાર કરી શક્યા હતા.
ઍલેક્સ કૅરી અને મિચલ સ્ટાર્કની આઠમી વિકેટની ૬૧ રનની પાર્ટનરશિપે ટીમની ઇનિંગ્સને સ્થિરતા આપી હતી. સાઉથ આફ્રિકન ફીલ્ડર્સે બે સરળ કૅચ છોડ્યા હતા અને એઇડન માર્કરમની સેકન્ડ સ્લીપની પોઝિશનની આગળ ઑલમોસ્ટ ચાર વાર બૉલ પડવાને કારણે ઑસ્ટ્રેલિયન ટીમ ઑલઆઉટ થતા બચી ગઈ હતી.
600
આટલા ટેસ્ટ-રન લૉર્ડ્સના મેદાનમાં ફટકારનાર પહેલો વિદેશી પ્લેયર બન્યો સ્ટીવ સ્મિથ.
પૅટ કમિન્સે લૉર્ડ્સમાં ૪૩ વર્ષ જૂનો આ રેકૉર્ડ તોડ્યો
WTC ફાઇનલમાં બોલર તરીકે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પૅટ કમિન્સે ૨૮ રન આપી ૬ વિકેટ લઈને લૉર્ડ્સમાં કૅપ્ટન તરીકે બેસ્ટ ટેસ્ટ-પર્ફોર્મન્સ કરવાનો ૪૩ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો. તેણે ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન બૉબ વિલિસનો રેકૉર્ડ તોડ્યો હતો જેણે આ મેદાન પર ૧૯૮૨માં ભારત સામે ૧૦૧ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી. પૅટ કમિન્સ વર્તમાન WTC સીઝનમાં ભારતના જસપ્રીત બુમરાહ (૭૭ વિકેટ)ને પછાડીને સૌથી વધુ ૭૮ વિકેટ લેનાર બોલર બની ગયો છે.


