કાંગારૂઓએ ટી૨૦ સિરીઝમાં ૩-૦થી ક્લીન સ્વીપ કર્યા પછી હવે રમાશે પાંચ વન-ડે
ઑસ્ટ્રેલિયાએ રવિવારે સાઉથ આફ્રિકાનો ટી૨૦ સિરીઝમાં ૩-૦થી વાઇટવૉશ કર્યો હતો.
સાઉથ આફ્રિકા સામેની ત્રણ મૅચની ટી૨૦ સિરીઝ ઑસ્ટ્રેલિયાએ રવિવારે ૩-૦થી જીતી લીધી ત્યાર પછી હવે આવતી કાલે બન્ને દેશ વચ્ચે પાંચ મૅચની વન-ડે શ્રેણી શરૂ થશે. ૭થી ૧૭ સપ્ટેમ્બર સુધીની આ સિરીઝમાં પહેલી ત્રણ વન-ડે બ્લોમફોન્ટેનમાં અને ચોથી સેન્ચુરિયનમાં તથા પાંચમી જોહનિસબર્ગમાં રમાશે. બન્ને ટીમની વન-ડે સિરીઝ પાંચમી ઑક્ટોબરે ભારતમાં શરૂ થનારાવન-ડે વર્લ્ડ કપનું રિહર્સલ ગણાશે.
સાઉથ આફ્રિકાએ ૪ કૅચ છોડ્યા
ADVERTISEMENT
રવિવારે ડર્બનમાં સાઉથ આફ્રિકાએ બૅટિંગ લીધા પછી ૮ વિકેટે ૧૯૦ રન બનાવ્યા હતા. ૧૪મી ઓવરમાં એનો સ્કોર ૬ વિકેટે ૧૨૨ રન હતો, પરંતુ પછી તેમણે ઑસ્ટ્રેલિયાને ૧૯૧ રનનો પડકારરૂપ આપવામાં સફળતા મેળવી હતી. જોકે ઑસ્ટ્રેલિયાને એ લક્ષ્યાંક મેળવવામાં સરળતા રહી હતી, કારણ કે સાઉથ આફ્રિકાના ફીલ્ડર્સે ચાર કૅચ છોડ્યા હતા.
અબૉટની ૪ વિકેટ, હેડના ૯૧ રન
રવિવારે સાઉથ આફ્રિકાને ૨૦૦ રનના મૅજિક ફિગર સુધી પહોંચવામાં ખાસ કરીને ઑસ્ટ્રેલિયાનો શૉન અબૉટ નડ્યો હતો. તેણે ૩૧ રનમાં ૪ વિકેટ અને માર્કસ સ્ટૉઇનિસે ૩૯ રનમાં બે વિકેટ લીધી હતી. પહેલી ત્રણમાંથી બે વિકેટ સ્ટૉઇનિસે લીધી હતી. ઓપનર રીઝ હેન્ડ્રિક્સ (૪૨)ની વિકેટ સ્પિનર તનવીર સાંઘાએ લીધી હતી. ઑસ્ટ્રેલિયાએ ૧૭.૫ ઓવરમાં પાંચ વિકેટે ૧૯૧ રન બનાવી લીધા હતા જેમાં ટ્રેવિસ હેડ (૯૧ રન, ૪૮ બૉલ, છ સિક્સર, આઠ ફોર) ટૉપ-સ્કોરર અને મૅન ઑફ મૅચ બન્યો હતો. મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર મિચલ માર્શને અપાયો હતો. તેણે સિરીઝમાં સૌથી વધુ ૧૮૬ રન બનાવ્યા હતા. અબૉટની કુલ ૮ વિકેટ શ્રેણીમાં હાઇએસ્ટ હતી.


