મૅચ પહેલાંના ખાસ પ્રોગ્રામમાં અરિજિત સિંહ, સુખવિન્દર સિંહ, શંકર મહાદેવન, નેહા કક્કડ અને સુનિધિ ચૌહાણ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશે
અમદાવાદ ઍરપોર્ટ પર વર્લ્ડ કપની પ્રતિકૃતિ મુકાઈ હતી જેને હાથમાં લઈને આ યુવતી સહિત ઘણા પ્રવાસીઓએ ફોટો પડાવ્યા હતા (તસવીર : જનક પટેલ)
વર્લ્ડ કપમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા ભારત-પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલામાં પ્રેક્ષકોને ડબલ બોનાન્ઝા માણવા મળશે. પ્રેક્ષકો દિલધડક મૅચનો રોમાંચ માણશે એ પહેલાં બૉલીવુડના સિંગર્સના રોમાંચક એન્ટરટેઇનમેન્ટનો પ્રોગ્રામ પણ માણશે. બૉલીવુડના સિંગર-કમ્પોઝર શંકર મહાદેવને ગઈ કાલે સ્ટેડિયમ પર જઈને જોશભેર ગીત (ઘુમાકે દે, જિયો ખિલાડી...) લલકાર્યું હતું.
આજે એક લાખથી વધુ પ્રેક્ષકો આવવાના હોવાથી સ્ટેડિયમમાં પ્રેક્ષકોને સવારે ૧૦ વાગ્યાથી પ્રવેશ આપવામાં આવશે. જોકે મૅચ શરૂ થતાં દોઢેક વાગી જશે એટલે લાંબા સમય સુધી પ્રેક્ષકો સ્ટેડિયમમાં બેસીને કંટાળી ન જાય એ માટે સ્ટેડિયમમાં એન્ટરટેઇનમેન્ટના રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે; જેમાં બૉલીવુડના સ્ટાર સિંગર્સ અરિજિત સિંહ, સુખવિન્દર સિંહ, શંકર મહાદેવન, નેહા કક્કડ અને સુનિધિ ચૌહાણ ગીતોની ધૂમ મચાવશે. સ્ટેડિયમમાં આજે બપોરે ૧૨.૩૦ વાગ્યે મનોરંજક કાર્યક્રમ યોજાશે, જે લભગભ એકાદ કલાક ચાલશે.

