પાર્ટનરે ચાર મિત્રોને ફાઇનલ મૅચની ટિકિટ ગિફ્ટ કરી એનો આનંદ થયો, પણ ટ્રેનની ટિકિટ કન્ફર્મ ન થતાં જીવ ઊંચો થઈ ગયો હતો કે અમદાવાદ પહોંચાશે કે નહીં

અમદાવાદના સ્ટેડિયમમાં બેસીને મૅચ જોતા વરુણ, સિદ્ધાર્થ, દેવર્ષિ અને નિહાર
ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની અમદાવાદની ફાઇનલ જોવા ટિકિટ મેળવવા માટે કરોડો ક્રિકેટ ફૅન્સે તેમનાથી બનતા પ્રયત્ન કર્યા અને ટિકિટ મેળવવા માટે ગમે તે કરી છૂટવા તૈયાર હતા એવા સંજોગો વચ્ચે મુંબઈના જુહુમાં રહેતા ચાર ફ્રેન્ડ્સ એવા ભાગ્યશાળી રહ્યા કે તેમના પાર્ટનરે ચાર મિત્રોને ફાઇનલ મૅચ જોવાની ટિકિટ ગિફ્ટ કરતાં તેમને તો લૉટરી લાગ્યા જેવું થયું હતું.
જુહુમાં રહેતા વરુણ મોટાસાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું અને મારા મિત્રો નિહાર પારેખ, સિદ્ધાર્થ દેસાઈ અને દેવર્ષિ જસાણી, અમે ૩૦ વર્ષ જૂના સ્કૂલ-ફ્રેન્ડસ છીએ. જમનાબાઈ નરસી સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા અને ક્રિકેટના ફૅન્સ છીએ. ભારતમાં જ્યારે ભારતની ટીમ ફાઇનલ મૅચમાં પહોંચે ત્યારે સ્ટેડિયમમાં બેસીને ફાઇનલ મૅચ જોવી એ લહાવો છે, પણ ટિકિટ ન મળતી હોય તો શું થાય? મને યાદ છે કે આપણી સેમી ફાઇનલ મૅચ જોઈને હું ઘરે જતો હતો ત્યારે મને મારા ફ્રેન્ડ સિદ્ધાર્થનો ફોન આવ્યો કે ફાઇનલ જોવા જવું છે તો મેં કહ્યું હા પાક્કું જવું છે પણ ટિકિટનું શું એવું પૂછતાં તેણે મને ગુડ ન્યુઝ આપતાં કહ્યું કે ટિકિટ ગિફ્ટ મળી છે. અમારા પાર્ટનરે અમને ચાર મિત્રોને ફાઇનલ મૅચની ટિકિટ ગિફ્ટ આપી ત્યારે અમને લૉટરી લાગ્યા જેવું લાગ્યું. પહેલી વાર તો આ સપના જેવું જ લાગ્યું, પણ આ હકીકત હતી. અમને ટિકિટ મળતાં અમારી ખુશીનો પાર નહોતો રહ્યો.’
ADVERTISEMENT
વરુણે વધુમાં કહ્યું કે ‘પાર્ટનરે ચાર મિત્રોને ફાઇનલ મૅચની ટિકિટ ગિફ્ટ કરી એનો આનંદ થયો, પણ ટ્રેનની ટિકિટ કન્ફર્મ ન થતાં જીવ ઊંચો થઈ ગયો હતો કે અમદાવાદ પહોંચાશે કે નહીં, પણ આખરે બે જણની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ હતી અને અમે ગઈ કાલે મૅચ પહેલાં અમદાવાદ પહોંચી ગયા હતા અને સ્ટેડિયમ પહોંચ્યા ત્યારે અમને રાહત થઈ.’

