૮ જણનાં મોત જેમાં એક પ્રેગ્નન્ટ મહિલા. ઇન્દોરની અરેરાટીભરી ઘટનાઃ બધા નીદ્રાધીન હતા ત્યારે સવારે સાડાત્રણથી ૪ વાગ્યા દરમ્યાન બન્યો આ બનાવ
આખા પરિવારના ૭ સભ્યોના એકસાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યારે નાના બાળકના શબને દફનાવવામાં આવ્યું હતું.
ઇન્દોરમાં એક ઇલેક્ટ્રિક કારમાં ચાર્જિંગ દરમ્યાન શૉર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. આ આગની જ્વાળાઓને કારણે પાસેના ૩ માળના બંગલામાં પણ આગ લાગી હતી. આ ઘટનામાં રબરના બિઝનેસમૅન મનોજ પુગલિયા અને તેની ગર્ભવતી પત્ની સિમરન સહિત કુલ ૮ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ચાર જણ ઘાયલ થયા હતા. મૃત્યુ પામેલા ૬ જણ મનોજનાં સગાંસંબંધી હતાં જેઓ મંગળવારે બિહારના કિશનગંજથી મળવા આવ્યાં હતાં. આગની ઘટના બુધવારે રાતે સાડાત્રણથી ૪ વાગ્યાની વચ્ચે થઈ હતી. કારમાં લાગેલી આગ બંગલામાં રાખવામાં આવેલાં ગૅસ-સિલિન્ડરો સુધી પહોંચતાં એક પછી એક સિલિન્ડર ફાટતાં ઘરની અંદર આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું. ધડાકો એટલો જોરદાર હતો કે ઘરનો એક ભાગ ધસી પડ્યો હતો. આગને કારણે ઘરમાં લગાવેલાં ડિજિટલ લૉક ખોલી શકાયાં ન હોવાથી અંદર સૂઈ રહેલા લોકોને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો.
આસપાસના રહેવાસીઓનું કહેવું છે કે આગ લાગ્યાની સૂચના ફાયર-બ્રિગેડને આપી એના એક કલાક પછી ફાયર-બ્રિગેડના જવાનો પહોંચ્યા હતા. આખા પરિવારના ૭ સભ્યોના એકસાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યારે નાના બાળકના શબને દફનાવવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પ્રત્યે દુખ જતાવ્યું હતું અને મૃત્યુ પામનારા લોકોના પરિજનોને બે-બે લાખ રૂપિયાનું અને ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.
અમદાવાદની રેવડીબજારમાં ૩૦થી વધુ દુકાનો બળીને ખાખ
અમદાવાદના કાળુપુર વિસ્તારમાં આવેલી રેવડીબજારમાં સિંધી માર્કેટમાં ગઈ કાલે આગ લાગી હતી. એમાં ૩૦થી વધુ લાઇનબંધ દુકાનો સળગી ઊઠી હતી. ફાયર વિભાગની ૨૦થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. સિંધી માર્કેટમાં સૌથી વધુ કપડાં અને કૉસ્મેટિક્સની દુકાનો આવેલી છે. વેપારીઓને લગભગ દોઢ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. રોડ તરફની દુકાનોમાં આગ જલદી કાબૂમાં આવી ગઈ હતી, પરંતુ અંદરની તરફની દુકાનોની આગ બુઝાવતાં ફાયર-ફાઇટર્સને નાકે દમ આવી ગયો હતો.
ઇથેનૉલ ભરેલું ટૅન્કર ફાટતાં ૨૦૦ મીટર સુધી આગ ફેલાઈ, ડ્રાઇવર જીવતો સળગ્યો
રાજસ્થાનના જેસલમેર-જામનગર નૅશનલ હાઇવે પર ઇથેનૉલથી ભરેલું ટૅન્કર પલટી ખાઈ જતાં એમાં આગ લાગી હતી. આ આગ રોડ પર ૨૦૦ મીટર સુધી ફેલાઈ હતી. ટૅન્કરનો ડ્રાઇવર એમાં જીવતો સળગી ગયો હતો, જ્યારે તેની બાજુમાં બેઠેલો ડ્રાઇવરનો ભાઈ સમય રહેતાં કૂદી જતાં બચી ગયો હતો. આ ઘટના ગઈ કાલે બપોરે બે વાગ્યાની આસપાસ થઈ હતી અને ફાયર-બ્રિગેડે એક કલાક પછી આગ પર કાબૂ મેળવ્યો હતો. ટૅન્કરમાં લાગેલી આગમાં ડ્રાઇવરનું શરીર સંપૂર્ણપણે સળગી ગયું હતું અને માત્ર અસ્થિઓ વીણી શકાયાં હતાં. ટૅન્કર પંજાબના ભટિન્ડાથી ગુજરાત તરફ જઈ રહ્યું હતું એ વખતે સિંવાડા ઓવર બ્રિજ પર પલટી ખાઈ ગયું હતું.
