Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજે વિરાટ પૅવિલિયન સામે કોહલીની કસોટી : દિલ્હીમાં ફરી રનનો વરસાદ?

આજે વિરાટ પૅવિલિયન સામે કોહલીની કસોટી : દિલ્હીમાં ફરી રનનો વરસાદ?

Published : 11 October, 2023 12:25 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોટલાની બૅટર-ફ્રેન્ડ‍્લી નવી પિચ પર ભારતનો અફઘાનિસ્તાન સાથે મુકાબલોઃ શનિવારે આફ્રિકાએ શ્રીલંકા સામે ૪૨૮ રન આ મેદાન પર ખડકી દીધા હતા : રાશિદ ખાન આ​ઇપીએલમાં મળેલા અનુભવનો આજે ફાયદો ઉઠાવી શકે

વિરાટ કોહલી

World Cup

વિરાટ કોહલી


ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ (ફિરોજશા કોટલા)માં આજે વર્લ્ડ કપનો મુકાબલો (બપોરે ૨.૦૦ વાગ્યાથી) થશે, જેમાં ત્રણ દિવસ બાદ ફરી એક વાર રનનો વરસાદ થતો જોવા મળી શકે. ભારતીયો રવિવારે ઑસ્ટ્રેલિયાને ૬ વિકેટે હરાવીને દિલ્હી આવ્યા છે, જ્યારે અફઘાનિસ્તાનની ટીમ શનિવારે બંગલાદેશ સામે ૬ વિકેટે હાર્યા બાદ દિલ્હી પહોંચી છે.

કાળી માટીથી બની નવી પિચ



આ મેદાનની મુખ્ય પિચ વર્લ્ડ કપ પહેલાં કાળી માટીના ઉપયોગથી નવેસરથી બનાવવામાં આવી હતી અને એના પર મોટા ભાગની મૅચોમાં રનનો ઢગલો થવાની સંભાવના છે. આ બૅટિંગ-ફ્રેન્ડ‍્લી પિચ પર આજે ૨૦૨૩નો સર્વશ્રેષ્ઠ વન-ડે બૅટર અને નંબર-ટૂ રૅન્કર શુભમન ગિલ ફરી નથી રમવાનો એટલે ભારતીય બૅટર્સે થોડો વધુ સંઘર્ષ કરવો પડશે.


કોહલીનું હોમ ગ્રાઉન્ડ

દિલ્હીનું મેદાન વિરાટ કોહલીનું હોમ ગ્રાઉન્ડ છે. અહીં તેના નામે જ આ સ્ટેડિયમમાં જે પૅવિલિયન બન્યું છે એની સામે ખુદ કોહલીએ હજારો પ્રેક્ષકોની હાજરીમાં મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમી બતાવવાની છે. ખાસ કરીને તેની અને કે. એલ. રાહુલ વચ્ચે રવિવાર જેવી મોટી ભાગીદારી થશે તો હશમતુલ્લા શાહિદીની કૅપ્ટન્સીમાં અફઘાનિસ્તાને સતત બીજો પરાજય જોવો પડશે. જોકે આજે તેમને દિલ્હીમાં અસંખ્ય પ્રેક્ષકોનો સપોર્ટ મળશે, કારણ કે દિલ્હીના લાજપત નગરમાં અફઘાનીઓની મોટી વસ્તી છે.


૨૦૧૯માં શમીની હૅટ-ટ્રિકે જિતાડ્યા હતા

અફઘાનિસ્તાન હજી થોડાં વર્ષોથી જ વન-ડે રમતું હોવાથી ભારત સામે વર્લ્ડ કપમાં એની હજી સુધી એક જ મૅચ થઈ છે. ૨૦૧૯માં સાઉધમ્પ્ટનમાં ભારતે ૮ વિકેટે ૨૨૮ રન બનાવ્યા પછી અફઘાનિસ્તાનની ટીમ ૨૧૩માં ઑલઆઉટ થઈ જતાં એનો ૧૧ રનથી પરાજય થયો હતો. મોહમ્મદ શમીએ એ મૅચમાં હૅટ-ટ્રિક લીધી હતી.

એકંદરે, વન-ડે ક્રિકેટમાં બન્ને દેશ વચ્ચે કુલ ત્રણ મૅચ રમાઈ છે જેમાંથી બે મૅચ ભારત જીત્યું છે અને ૨૦૧૮માં દુબઈની મૅચ ટાઇ થઈ હતી.

આજે દિલ્હીમાં કોની-કોની સેન્ચુરી?

શનિવારે શ્રીલંકા સામે સાઉથ આફ્રિકાએ પાંચ વિકેટે જે ૪૨૮ રન બનાવ્યા હતા એમાં ત્રણ બૅટર્સની સદી સામેલ હતી. ક્વિન્ટન ડિકૉકે ૮૪ બૉલમાં ૧૦૦ રન, રૅસી વૅન ડર ડુસાને ૧૧૦ બૉલમાં ૧૦૮ રન અને એઇડન માર્કરમે ૫૪ બૉલમાં ૧૦૬ રન ખડકી દીધા હતા. હવે આજે ભારતીય બૅટર્સની દિલ્હીની પિચ પર પરીક્ષા છે. ગિલ નથી રમવાનો, પણ કૅપ્ટન રોહિત શર્મા, ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે. એલ. રાહુલ, હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજામાં ઓછામાં ઓછા બે પ્લેયરની સદી થશે તો જ ભારતીય ટીમ પૉઇન્ટ‍્સ-ટેબલમાં ઉપલા ભાગમાં રહી શકશે.

હું દિલ્હીના આ સ્ટેડિયમમાં રમીને મોટો થયો છું અને સિલેક્ટર્સ મને પહેલી વાર અહીં રમતો જોઈને જ મારા પર્ફોર્મન્સથી ઇમ્પ્રેસ થયા હતા. જોકે મારા નામે બનેલા પૅવિલિયનની સામે રમવું મને થોડું વિચિત્ર લાગે છે. હું ગર્વ અનુભવું છું, પણ મારા જ પૅવિલિયન સામે રમવા વિશે હું વધુ કંઈ કહેવા નથી માગતો. : વિરાટ કોહલી

અશ્વિનને બદલે શમી?

રવિવારે ભારતે સ્પિનર-ફ્રેન્ડ‍્લી પિચ પર ઑસ્ટ્રેલિયન બૅટર્સની ખબર લઈ નાખી હતી, પરંતુ દિલ્હીની બૅટિંગ પિચ પર આજે આર. અશ્વિનને બદલે મોહમ્મદ શમીને કે શાર્દૂલ ઠાકુરને રમવાનો મોકો મળશે તો નવાઈ નહીં લાગે. અફઘાનિસ્તાનના બૅટર્સમાં માત્ર ઓપનર રહમનુલ્લા ગુરબાઝ જ ટૉપ ફૉર્મમાં છે. બોલિંગમાં સામાન્ય રીતે પેસ બોલર સાથે સ્પિનર મુજીબ ઝદરાન દાવની શરૂઆત કરે છે અને રાશિદ ખાન ટ્રમ્પ કાર્ડ બની રહેતો હોય છે.

754
શનિવારે દિલ્હીના ગ્રાઉન્ડ પર કુલ આટલા રન બન્યા હતા. સાઉથ આફ્રિકાના ૪૨૮/૫ના સ્કોર સામે શ્રીલંકાએ ૩૨૬ રન બનાવ્યા હતા.

31
શનિવારે સાઉથ આફ્રિકા અને શ્રીલંકાની મૅચમાં દિલ્હીના મેદાન પર કુલ આટલી સિક્સર ફટકારાઈ હતી.

કોની ટક્કર જોવા મળી શકે?

રોહિત - ફઝલહક ફારુકી
કોહલી - નવીન-ઉલ-હક
રાહુલ - મુજીબ ઉર રહમાન
બુમરાહ - ગુરબાઝ
જાડેજા - હશમતુલ્લા શાહિદી

Whatsapp-channel Whatsapp-channel

11 October, 2023 12:25 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK