સોમવારે પાંચ ટીમના માલિકો જિયો વર્લ્ડ સેન્ટરમાં થનારી હરાજીમાં ખર્ચશે ૬૦ કરોડ રૂપિયા, દેશ-વિદેશના કુલ ૯૦ ખેલાડીઓની થશે પસંદગી
સોફી ડિવાઇન, સોફી એકલ્સ્ટન, એશલે ગાર્ડનર
આવતી કાલે વિમેન્સ પ્રીમિયર લીગ માટેના ખેલાડીઓની પહેલી હરાજી થવાની છે. મુંબઈના બીકેસીમાં આવેલા જિયો વર્લ્ડ સેન્ટરમાં પાંચ ટીમના માલિકો કુલ ૪૦૯ ખેલાડીઓ પૈકી ૯૦ ખેલાડીઓની પસંદગી કરશે. દરેક ટીમ અંદાજે ૧૫થી ૧૮ ખેલાડીઓની પસંદગી કરશે, જેમાં ૬ વિદેશી ખેલાડીઓ હશે. આમ કુલ ૩૦ વિદેશી ખેલાડીઓ વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં પસંદ થશે. દરેક ટીમ ખેલાડીઓની પસંદગી માટે ઓછામાં ઓછો ૯ અને કુલ ૧૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરી શકશે.
ભારતની હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાના, તો ન્યુ ઝીલૅન્ડની સોફી ડિવાઇન, ઇંગ્લૅન્ડની સોફી એકલ્સ્ટન, ઑસ્ટ્રેલિયાની એશલે ગાર્ડનર, એલીસ પેરી અને વેસ્ટ ઇન્ડીઝની હેલી મૅથ્યુઝને ટીમમાં લેવા માટે ભારે પડાપડી થશે. આ ઉપરાંત બીજા તબક્કામાં મૅગ લેનિંગ, એલિસા હિલી, દીપ્તિ શર્મા માટે ટીમ જોર લગાવશે. શેફાલી વર્મા, રેણુકા સિંહ, જેમાઇમા રૉડ્રિગ્સ, પૂજા વસ્ત્રાકર, રિચા ઘોષ, સ્નેહ રાણા માટે પણ સ્પર્ધા થશે.
ADVERTISEMENT
મહિલા જ કરશે હરાજી
વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી દરમ્યાન ભલે તમામ અધિકારીઓ મહિલાઓ નહીં હોય, પણ ભારતીય ક્રિકેટ બોર્ડે હરાજી કરવા માટે એક મહિલાની નિમણૂક કરી છે. મુંબઈની આર્ટ કલેક્ટર કન્સલ્ટન્ટ મલિકા અડવાણી હરાજીનું સંચાલન કરશે. અગાઉ આઇપીએલની હરાજીનું સંચાલન હ્યુઘ એડમીડેસ, રિચર્ડ મેડલી અને ચારુ શર્માએ કર્યું હતું.

