બીજી વન-ડે મૅચમાં ભારતે આપેલો આપેલો ૨૩૪ રનનો ટાર્ગેટ ઇંગ્લૅન્ડે ૩૫ બૉલ પહેલાં ૨૩૫/૬નો સ્કોર કરીને ચેઝ કર્યો
વન-ડેમાં ૯૯ રને નૉટઆઉટ રહેનાર પહેલો અંગ્રેજ ખેલાડી બન્યો જો રૂટ
કાર્ડિફમાં રમાયેલી બીજી વન-ડે મૅચમાં ભારતને ઇંગ્લૅન્ડ સામે ૪ વિકેટે હાર મળી હતી. આ હાર સાથે ત્રણ વન-ડે મૅચની સિરીઝ ૧-૧થી લેવલ થઈ છે. ભારતીય ટીમે ૪૪ ઓવરમાં ૨૩૩ રને ઑલઆઉટ થઈને ૨૩૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇંગ્લૅન્ડે ૨૫. ૪ ઓવરમાં ૧૨૫ રને પાંચ વિકેટ ગુમાવ્યા બાદ ૪૪.૧ ઓવરમાં ૬ વિકેટે ૨૩૫ રન કરીને ટાર્ગેટને સરળતાથી ચેઝ કરી લીધો હતો.
ભારત માટે વિરાટ કોહલીએ ૬૬ બૉલમાં ૬૫ રન અને વાઇસ કૅપ્ટન શ્રેયસ ઐયરે ૭૧ બૉલમાં ૬૬ રન કર્યા હતા. ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને ગસ ઍટકિન્સનને ત્રણ-ત્રણ વિકેટ મળી હતી.
રન-ચેઝ દરમ્યાન ઇંગ્લૅન્ડ માટે જો રૂટે ત્રીજા ક્રમે રમીને ૧૩૩ બૉલમાં ૯ ફોરની મદદથી અણનમ ૯૯ રન કર્યા હતા. આઠમા ક્રમે રમવા ઊતરેલા ગસ ઍટકિન્સને ૧૬ બૉલમાં ત્રણ ફોર અને એક સિક્સના આધારે અણનમ ૨૩ રન કર્યા હતા.
ADVERTISEMENT
ઇંગ્લૅન્ડની ધરતી પર સૌથી વધુ આટલી ઇન્ટરનૅશનલ ફિફ્ટી નોંધાવનાર વિદેશી બૅટર બન્યો વિરાટ કોહલી. સ્ટીવ સ્મિથનો ૧૮ ફિફ્ટીનો રેકૉર્ડ તોડ્યો.
વૉશિંગ્ટન સુંદર ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી વન-ડેમાંથી આઉટ
યંગ સ્પિન ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર રવિવારે લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી અને અંતિમ વન-ડેમાંથી બહાર થઈ ગયો છે. બીજી વન-ડે મૅચમાં પાંચ બૉલમાં બે રનની ઇનિંગ્સ રમવા દરમ્યાન તેના પગના સ્થાયુઓમાં દુખાવો ઊપડ્યો હતો. તે બોલિંગ કરી શક્યો નહોતો. વૉશિંગ્ટન સુંદરની ગેરહાજરીમાં કુલદીપ યાદવ ત્રીજી વન-ડે મૅચ રમવા ઊતરી શકે છે. કુલદીપ યાદવ વન-ડેમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારા ૧૦ બોલરોમાંનો એક છે. તેણે ૧૨૧ મૅચોમાં ૧૯૪ વિકેટ લીધી છે.
ઇંગ્લૅન્ડ સામે સૌથી વધુ રન બનાવનાર ભારતીય બન્યો વિરાટ
વિરાટ કોહલી ઇંગ્લૅન્ડ સામે તમામ ફૉર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બૅટ્સમૅન બની ગયો છે. આ મામલે વિરાટે રાહુલ દ્રવિડને પાછળ છોડ્યો છે. વિરાટ કોહલીએ ૨૬૪૬ રનનો આંકડો વટાવીને રાહુલ દ્રવિડનો ૨૬૪૫ રનનો ઐતિહાસિક રેકૉર્ડ તોડયો હતો.
