Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગાબામાં ટીમ ઇન્ડિયા જીતી નથી,ઑસ્ટ્રેલિયા ૩૨ વર્ષથી ટેસ્ટ હારી નથી

ગાબામાં ટીમ ઇન્ડિયા જીતી નથી,ઑસ્ટ્રેલિયા ૩૨ વર્ષથી ટેસ્ટ હારી નથી

15 January, 2021 10:46 AM IST | Mumbai
Mumbai correspondent

ગાબામાં ટીમ ઇન્ડિયા જીતી નથી,ઑસ્ટ્રેલિયા ૩૨ વર્ષથી ટેસ્ટ હારી નથી

ગાબામાં ટીમ ઇન્ડિયા જીતી નથી,ઑસ્ટ્રેલિયા ૩૨ વર્ષથી ટેસ્ટ હારી નથી

ગાબામાં ટીમ ઇન્ડિયા જીતી નથી,ઑસ્ટ્રેલિયા ૩૨ વર્ષથી ટેસ્ટ હારી નથી


વર્ષ ૨૦૧૨ પછી આજે પહેલી વાર ઑસ્ટ્રેલિયન ધરતી પર ટેસ્ટ સિરીઝની છેલ્લી મૅચ સિરીઝનું પરિણામ નક્કી કરશે : ગાબામાં કાંગારૂઓ છેલ્લે ૧૯૮૮માં વેસ્ટ ઇન્ડીઝ સામે હાર્યા હતા, જ્યારે ભારતીયો ૬માંથી પાંચ હાર્યા છે અને એક ૨૦૦૩માં ડ્રૉ કરવામાં સફળ થયા હતા

આજથી બ્રિસ્બેનમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને છેલ્લી ટેસ્ટ શરૂ થઈ છે. પહેલી ઑસ્ટ્રેલિયા, બીજી ભારત જીત્યું હતું અને ત્રીજી ટેસ્ટ ડ્રૉ રહેતાં સિરીઝ ૧-૧થી બરોબરીમાં છે અને આ છેલ્લી મૅચ સિરીઝના પરિણામ માટે નિર્ણાયક બની છે. ઑસ્ટ્રેલિયામાં સમર સીઝનમાં આવું ભાગ્યે જ જોવા મળે છે કે છેલ્લી મૅચ સિરીઝ માટે નિર્ણાયક બની હોય.
૨૦૧૨ બાદ આજે નિર્ણાયક ટેસ્ટ
ઑસ્ટ્રેલિયનોને તેમના ઘરમાં આવીને કોઈ બરાબરની ફાઇટ આપતું હોય એવું ભાગ્યે જ જોવા મળતું હોય છે. કાંગારૂઓની ધરતી પર સિરીઝની છેલ્લી મૅચ નિર્ણાયક હોય એવું છેલ્લે ૨૦૧૨ બાદ આજે જોવા મળી રહ્યું છે. ૨૦૧૨માં પર્થ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા છેલ્લી ટેસ્ટમાં મેદાનમાં ઊતર્યા ત્યારે સિરીઝ ૦-૦થી બરોબરીમાં હતી. પહેલી બન્ને ટેસ્ટ ડ્રૉ રહી હતી, પણ એ નિર્ણાયક પર્થ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ કાંગારૂઓને ૩૦૯ રનથી કચડી નાખ્યા હતા.
કાંગારૂઓનો ગઢ છે ગાબા
ઑસ્ટ્રેલિયનો ગાબા તરીકે ઓળખાતા મેદાનમાં સિરીઝની નિર્ણાયક મૅચ રમવા મળતાં ઘણા ખુશ છે. તેમની ખુશીનું કારણ છે આ મેદાન પર તેમનો લાજવાબ રેકૉર્ડ.
ઑસ્ટ્રેલિયા ગાબામાં ૬૨ મૅચમાંથી સૌથી વધુ ૪૦ જીત્યું છે અને માત્ર ૮ જ હાર્યું છે. ૧૩ ટેસ્ટ ડ્રૉ અને એક ટાઈ થઈ હતી. ‘અમે ગાબામાં તમને રમતા જોવા માટે ઇંતઝાર નથી કરી શકતા’ એવું ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ટિમ પેઇને સિડની ટેસ્ટમાં અશ્વિનને સ્લેજિંગમાં કહેલું આ વાક્ય પણ તેમનો આ મેદાન પરનો આત્મવિશ્વાસ સ્પષ્ટ કરે છે.
ક્વૉરન્ટીનના નિયમને લીધે ભારતીય ટીમ જ્યારે આ ચોથી ટેસ્ટ બ્રિસ્બેનને બદલે બીજે કરાવવા પ્રયાસ કરી રહી હતી અને બીજી જગ્યા આરામથી શિફ્ટ પણ થઈ શકે એમ હતી, પણ ઑસ્ટ્રેલિયનો ગાબામાં જ રમવા ઉત્સુક હોવા પાછળનું કારણ પણ આ મેદાનમાંનો તેમનો રેકૉર્ડ જ હતો.
ઑસ્ટ્રેલિયાનાં બધાં જ ગ્રાઉન્ડ પરના કાંગારૂઓના પર્ફોર્મન્સની સરખામણી કરીએ તો બ્રિસ્બેનમાં તેઓ સૌથી વધુ ૬૪.૫૧ ટકા મૅચ જીત્યા છે. બ્રિસ્બેનમાં ઑસ્ટ્રેલિયા છેલ્લે ૧૯૮૮માં હાર્યું હતું, જ્યારે વિવિયન રિચર્ડ્સના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડીઝે યજમાન ઑસ્ટ્રેલિયાને ૯ વિકેટે પછાડી દીધું હતું. ત્યાર બાદ ૩૨ વર્ષમાં તેઓ આ મેદાનમાં ૨૮ મૅચ રમ્યા છે અને એકેય હાર્યા નથી.
રહાણેના નેતૃત્વમાં ચાર ટેસ્ટમાંથી ભારત ત્રણ જીત્યું છે અને એક ડ્રૉ રહી છે. ગાબામાં ભારતનો રેકૉર્ડ પણ ટીમને ટેન્શન અપાવે એવો છે. આ મેદાન પર ભારત અત્યાર સુધી ૬ મૅચ રમ્યું છે અને એમાંથી પાંચમાં હાર એણે જોવી પડી છે અને ૨૦૦૩માં એક ટેસ્ટ ડ્રૉ કરાવવામાં સફળ રહ્યા છે.
છૂટાંછવાયાં ઝાપટાંની આગાહી
ગાબાની પિચ પેસબોલરો માટે સ્વર્ગ સમાન છે, પણ આજે કેવી હશે એ વિશે નિશ્ચિતપણે કહી નથી શકાતું એનું કારણે છે ઘણા સમયથી અહીં કોઈ મૅચ નથી રમાઈ. બીજું, આ સમયે એટલે કે જાન્યુઆરીના બીજા ભાગમાં ભાગ્યે જ મૅચ રમાય છે. બીજું, હવામાન ખાતાની આગાહી પ્રમાણે પહેલા દિવસે સમસ્યા નથી, પણ ત્યાર બાદ ચારેય દિવસ છૂટાંછવાયાં ઝાપટાં પડી શકે છે.
પુકોવ્સ્કી આઉટ, હૅરિસ ઇન
આ ટેસ્ટ સિરીઝમાં પહેલી વાર ઑસ્ટ્રેલિયાએ તેની પ્લેઇંગ ઇલેવન એક દિવસ પહેલાં જાહેર કરી દીધી છે. અપેક્ષા પ્રમાણે ઑસ્ટ્રેલિયાએ તેમની પ્લેઇંગ ઇલેવનમાં એક ફરજિયાત બદલાવ કરવો પડ્યો છે. પુકોવ્સ્કી સમયસર ફિટ ન થઈ શકતાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ નથી થઈ શક્યો. સિડની ટેસ્ટમાં ફીલ્ડિંગ દરમ્યાન પુકોવ્સ્કીને ખભા પર ઇન્જરી થઈ હતી. ઇન્જરી બાદ તે મેદાન છોડીને ચાલ્યો ગયો હતો. પુકોવ્સ્કીની જગ્યાએ હૅરિસનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હૅરિસે અત્યાર સુધી રમેલી ૯ ટેસ્ટમાં બે હાફ સેન્ચુરી સાથે ૩૮૫ રન બનાવ્યા છે. ૭૯ રન તેનો હાઇએસ્ટ સ્કોર છે. શરૂઆતમાં ઑસ્ટ્રેલિયન ટેસ્ટ સ્ક્વૉડમાં હૅરિસનો સમાવેશ નહોતો કરવામાં આવ્યો, પણ પુકોવ્સ્કીને માથામાં ઇન્જરી અને વૉર્નર પણ ઇન્જર્ડ થતાં હૅરિસનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ઑસ્ટ્રેલિયન ટીમ
ટિમ પેઇન (કૅપ્ટન), પૅટ કમિન્સ (વાઇસ કૅપ્ટન), ડેવિડ વૉર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લબુશેન, મૅથ્યુ વેડ, માર્ક્સ હૅરિસ, કૅમરુન ગ્રીન, મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, નૅથન લાયન.



ગાવસકરે જે કહેવું હોય એ કહે, મને જરાય ફરક નથી પડતો : ટિમ પેઇન


સિડની ટેસ્ટ મૅચમાં ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ટિમ પેઇનનું રવિચંદ્રન અશ્વિનનું સ્લેજિંગ કરવા બદલ, અમ્પાયર સાથે ગેરવ્યવહાર કરવા બદલ જેવાં અનેક કારણસર ટીકા થઈ હતી. ત્યાર બાદ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસકરે પેઇનની ભારે ટીકા કરતાં કહ્યું હતું કે પેઇનના હવે ગણતરીના દિવસ બાકી છે અને એક કૅપ્ટન તરીકે તેને જે-તે પ્રકારનું કૃત્ય શોભા નથી આપતું. વળતો જવાબ આપતાં ટિમ પેઇને કહ્યું કે ગાવસકર પોતાના વિચાર વ્યક્ત કરવા માટે સ્વતંત્ર છે અને તેમની વાતની મારા પર કોઈ અસર નથી પડતી.
ગાવસકરની ટિપ્પણી પર વાત કરતાં ટિમ પેઇને કહ્યું કે ‘મેં તેમની વાત સાંભળી, પણ હું એમાં પડવા નથી માગતો. સુનીલ ગાવસકર સાથે વાક્‍યુદ્ધ કરવાનો મારો કોઈ વિચાર નથી. તેઓ પોતાનો મત મૂકવા માટે સ્વતંત્ર છે પણ મને એનો એક ટકો પણ ફરક નથી પડતો. તેમને જે કહેવું હોય તે કહેતા રહે, મારે એનાથી કોઈ લેવાદેવા નથી. હું મારા સમગ્ર કરીઅરમાં ૯૯ ટકા ઠંડું મગજ રાખીને રમ્યો છું અને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપતો રહ્યો છું. એ દિવસે હું આવેગમાં આવી ગયો હતો. મેં દર્શકો સામે જોયું અને મને ખબર પડી કે હું ટેસ્ટ મૅચમાં ટીમની કપ્તાની કરું છું. હું ઘણી સ્પર્ધાત્મક ક્રિકેટ રમ્યો છું અને જીતવાના લક્ષ્યથી જ રમું છું. આગામી મૅચમાં હું શાંતિથી રમીશ. એ દિવસે હું થોડો ભડકી ગયો હતો. મૅચમાં હસી-મજાક ચાલતાં હોય છે, પણ સ્ટમ્પ-માઇકથી સાવધ રહેવું પડશે. અમ્પાયર, અધિકારી અને ખેલાડીઓ પ્રત્યે માન-સન્માનની લાગણી દર્શાવવી જરૂરી છે.’

મુરલીધરન કહે છે કે અશ્વિનમાં છે મારો રેકૉર્ડ તોડવાની ક્ષમતા


શ્રીલંકાના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરને તાજેતરમાં રવિચંદ્રન અશ્વિન અને નૅથન લાયનની વાત કરતાં કહ્યું છે કે આ બન્ને પ્લેયરમાંથી ૭૦૦-૮૦૦ ટેસ્ટ-વિકેટ લેવાની ક્ષમતા માત્ર અશ્વિનની છે, જ્યારે નૅથને ઘણી મહેનત કરવી પડશે. એક ચૅનલમાં ઇંગ્લૅન્ડના કૅપ્ટન માઇકલ વૉન સાથે વાત કરતાં મુરલીધરને કહ્યું કે ‘અશ્વિન પાસે સારી તક છે, કેમ કે તે એક શ્રેષ્ઠ બોલર છે. તેના સિવાય મને નથી લાગતું કે કોઈ યુવા પ્લેયર ૮૦૦ વિકેટ સુધી પહોંચી શકે. નૅથન લાયનમાં સંભવતઃ એટલી ક્ષમતા નથી. તે ૪૦૦ વિકેટ લેવાની નજીક છે, પણ મારો રેકૉર્ડ તોડવા તેણે ઘણી-ઘણી મૅચ રમવી પડશે.’
ટેસ્ટ ક્રિકેટમાં મુરલીધરનના નામે સૌથી વધારે ૮૦૦ વિકેટ છે. બીજા ક્રમે શેન વૉર્ન ૭૦૮ વિકેટ અને ત્રીજા ક્રમે અનિલ કુંબલે ૬૧૯ વિકેટ ધરાવે છે.

વધુ ચાર વિકેટ સાથે ટેસ્ટમાં ૪૦૦ વિકેટનો આંકડો પાર કરનાર લાયન આટલામો સ્પિનર બનશે. આ પહેલાં મુથૈયા મુરલીધરન, શેન વવૉર્ન, અનિલ કુંબલે અને રંગાના હેરાથ આ કમાલ કરી ચૂક્યા છે. ટેસ્ટમાં ૪૦૦ વિકેટ લેનાર શેન વૉર્ન (૭૦૮) અને ગ્લૅન મૅક્ગ્રા (૫૬૩) બાદ ત્રીજો ઑસ્ટ્રેલિયન અને ઓવરઑલ ૧૬મો બોલર બનશે.

નૅથન લાયનની આજે સેન્ચુરી

ઑસ્ટ્રેલિયન ટીમનો સ્ટાર અને અનુભવી સ્પિનર નૅથન લાયન આજે બ્રિસ્બેનના મેદાનમાં ઊતરીને એક મોટો લૅન્ડમાર્ક હાંસલ કરશે. લાયનની ટેસ્ટ-કરીઅરની આ ૧૦૦મી મૅચ છે. આ સાથે ઑસ્ટ્રેલિયા વતી ૧૦૦ કે એથી વધુ ટેસ્ટ રમનાર ૧૩મો ખેલાડી બનશે. લાયન પહેલાં રિકી પૉન્ટિંગ (૧૬૮), સ્ટીવ વૉ (૧૬૮), એલન બોર્ડર (૧૫૬), શેન વૉર્ન (૧૪૫), માર્ક વૉ (૧૨૮), ગ્લેન મૅક્‍ગ્રા (૧૨૪), ઇયાન હિલી (૧૧૪), માઇકલ ક્લાર્ક (૧૧૫), ડેવિડ બૂન (૧૦૭), જસ્ટિન લૅન્ગર (૧૦૫), માર્ક ટેલર (૧૦૪) અને મૅથ્યુ હેડન (૧૦૩) આ કમાલ કરી ચૂક્યા છે.
ભારત સામે આ સિરીઝ લાયન માટે જોઈએ એટલી સફળ નથી રહી અને ત્રણ મૅચમાં તે માત્ર ૬ વિકેટ જ લઈ શક્યો છે. ભારત સામેની આગલી ત્રણ સિરીઝમાં ૨૦૧૪-’૧૫માં ૨૩, ૨૦૧૬-’૧૭માં ૧૯ અને ૨૦૧૮-’૧૯માં ૨૧ વિકેટ સાથે તેણે બરાબરના પરેશાન કર્યા હતા.
જોકે ગાબામાં તે ત્રણેય મૅચની કમી પૂરી કરવા તત્પર છે, કેમ કે અહીં તેણે ૯ મૅચમાં ૩૫ વિકેટ લીધી છે.

નૅથન લાયન ટેસ્ટમાં ૪૦૦ વિકેટના લૅન્ડમાર્કથી હવે માત્ર આટલી વિકેટ દૂર છે. તેણે અત્યાર સુધી ૯૯ ટેસ્ટમાં ૩૯૬ વિકેટ લીધી છે.

Whatsapp-channel Whatsapp-channel

15 January, 2021 10:46 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK