૨૦૧૮ની ફાઇનલમાં ભારતને ૩ વિકેટે હરાવીને બંગલાદેશે તોડ્યો હતો ભારતીય ટીમનો ઘમંડ
એશિયા કપ
આજે શ્રીલંકાના રંગીરી દામ્બુલા ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં T20 વિમેન્સ એશિયા કપ 2024ની બૅક-ટુ-બૅક સેમી ફાઇનલ મૅચ રમાશે. બપોરે બે વાગ્યે ભારત-બંગલાદેશ વચ્ચે અને સાંજે સાત વાગ્યે પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચે રસાકસીનો જંગ જામશે. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં સાત વાર ચૅમ્પિયન બની છે, જ્યારે ૨૦૧૮ની એશિયા કપ ફાઇનલ મૅચમાં ભારતને ત્રણ વિકેટે હરાવીને બંગલાદેશે પહેલી વાર આ ટુર્નામેન્ટ જીતી હતી. પાકિસ્તાન અને શ્રીલંકા આ ટુર્નામેન્ટમાં પહેલી વાર ટ્રોફી જીતવાની પ્રબળ ઇચ્છા સાથે મેદાનમાં ઊતરશે.
ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ બંગલાદેશ સામે વિજય માટે પ્રબળ દાવેદાર તરીકે મેદાનમાં ઊતરશે, જેમાં શફાલી વર્મા અને સ્મૃતિ માન્ધના ટીમને આક્રમક શરૂઆત અપાવવા બેતાબ હશે. હરમનપ્રીત કૌર, રિચા ઘોષ અને જેમિમા રૉડ્રિગ્સ મિડલ ઑર્ડરમાં છે, જ્યારે ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા અને પૂજા વસ્ત્રાકર તેમને સારો સપોર્ટ કરશે. ભારતીય બોલિંગ યુનિટ પણ શાનદાર ફૉર્મમાં જોવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
ભારતની જેમ જીતની હૅટ-ટ્રિક કરનાર યજમાન ટીમ શ્રીલંકા બીજી સેમી ફાઇનલમાં પાકિસ્તાન સામે જીતવા માટે પ્રબળ દાવેદાર છે. જોકે વિમેન્સ એશિયા કપના ઇતિહાસમાં પહેલી વાર ૧૦ વિકેટે મૅચ જીતનાર પાકિસ્તાનની ટીમને હલકામાં લઈ શકાય નહીં. આ ટુર્નામેન્ટમાં તે માત્ર ભારત સામે જ મૅચ હારી હતી. શ્રીલંકન કૅપ્ટન ચમરી અટાપટ્ટુ પોતાના શાનદાર ફૉર્મનો ફાયદો ઉઠાવી ટીમને પહેલો એશિયા કપ જિતાડવા પ્રયત્ન કરશે.
ભારત-બંગલાદેશ
હેડ-ટુ-હેડ રેકૉર્ડ
કુલ મૅચ - ૧૩
ભારતની જીત - ૧૧
બંગલાદેશની જીત - ૦૨
શ્રીલંકા-પાકિસ્તાન
હેડ-ટુ-હેડ રેકૉર્ડ
કુલ મૅચ - ૧૮
પાકિસ્તાનની જીત - ૧૦
શ્રીલંકાની જીત - ૦૭
નો રિઝલ્ટ -૦૧
180- આટલા રન સાથે ટુર્નામેન્ટની ટૉપ બૅટર છે ચમરી અટાપટ્ટુ
8- આટલી વિકેટ સાથે ટુર્નામેન્ટની ટૉપ વિકેટ-ટેકર છે દીપ્તિ શર્મા


