ઇન્ડિયન વેટરન પ્રીમિયર લીગમાં ઉત્તર પ્રદેશ ટીમનું નેતૃત્વ કરશે
સુરેશ રૈના
ભારતીય ટીમના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર સુરેશ રૈના ફરી એક વાર યલો જર્સીમાં જોવા મળશે. ૨૩ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ઇન્ડિયન વેટરન પ્રીમિયર લીગ (આઇવીપીએલ)માં ઉત્તર પ્રદેશ ટીમનું નેતૃત્વ કરશે. ભારતના સર્વશ્રેષ્ઠ ટી૨૦ ખેલાડીઓમાંનો એક સુરેશ રૈના ઇન્ડિયન વેટરન પ્રીમિયર લીગનો ભાગ બનવા માટે ઉત્સાહી છે. સુરેશ રૈના સાથે ભૂતપૂર્વ આઇપીએલ ખેલાડી રજત ભાટિયા અને ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ડૉન ક્રિશ્ચિયન પણ યુપીની ટીમમાં જોવા મળશે. તેના અનુભવ અને શૈલીના આધારે યુપીની ટીમ આઇવીપીએલમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.
સુરેશ રૈનાએ ૨૦૨૦ની ૧૫ ઑગસ્ટે ધોની પછી ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કર્યું હતું. ૨૦૨૦માં તેણે આઇપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. સુરેશ રૈના હાલમાં કૉમેન્ટેટર તરીકે ફરજ બજાવી રહ્યો છે.
ADVERTISEMENT
આ લીગમાં કુલ ૬ ટીમ ભાગ લેવાની છે
આઇવીપીએલમાં વીરેન્દર સેહવાગ, મુનાફ પટેલ, રજત ભાટિયા, ક્રિસ ગેઇલ, પ્રવીણ કુમાર અને યુસુફ પઠાણ જેવા ખેલાડીઓ પણ ધમાલ મચાવતા જોવા મળશે. ઇન્ડિયન વેટરન પ્રીમિયર લીગમાં કુલ ૬ ટીમ મેદાનમાં ઊતરશે. ૨૩ ફેબ્રુઆરીથી ૩ માર્ચ દરમ્યાન દેહરાદૂનના રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં તમામ મૅચ રમાશે. વીવીઆઇપી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન લેજન્ડ્સ, રેડ કાર્પેટ દિલ્હી, છત્તીસગઢ વૉરિયર્સ, તેલંગણ ટાઇગર્સ અને મુંબઈ ચૅમ્પિયન્સ જેવી ટીમ વચ્ચે ટ્રોફી જીતવા માટે ટક્કર થશે.