મારા જીવન વિશે ઘણી અટકળો ચાલી રહી છે અને મને લાગે છે કે મારું આ તબક્કે બોલવું જરૂરી છે એમ જણાવીને સ્મૃતિ માન્ધનાએ આખરે જાહેર કરી જ દીધું કે...
સ્મૃતિ માન્ધના અને પલાશ મુચ્છલની ફાઇલ તસવીર
ભારતની સ્ટાર ક્રિકેટર સ્મૃતિ માન્ધના અને સંગીતકાર પલાશ મુચ્છલના ઑલમોસ્ટ ૬ વર્ષની રિલેશનશિપનો આખરે સત્તાવાર રીતે અંત આવ્યો છે. ૨૩ નવેમ્બરે થનારાં બન્નેનાં લગ્ન પલાશની કથિત ચીટિંગને કારણે પોસ્ટપૉન થયાં હતાં. ગઈ કાલે બપોરે બન્નેએ ઇન્સ્ટાગ્રામ-સ્ટોરી શૅર કરીને આ ચૅપ્ટરનો અંત કરવાની જાહેરાત કરી હતી.
૨૦૧૯થી એકબીજાને ડેટ કરનાર આ સ્ટાર કપલે હવે સોશ્યલ મીડિયા પર એકબીજાને અનફૉલો કરી દીધાં છે. ૨૯ વર્ષની સ્મૃતિએ પલાશ સાથેની ઑલમોસ્ટ તમામ ભૂતકાળની પોસ્ટ પણ ડિલીટ કરી છે. જોકે પલાશના ઇન્સ્ટાગ્રામ પર હજી પણ સ્મૃતિ સાથેની ફોટો-પોસ્ટ જોવા મળી રહી છે. લગ્ન પહેલાં ભારતીય વિમેન્સ ટીમના ‘સમજો હો હી ગયા’ સૉન્ગ પરનો જોરદાર ડાન્સ, પલાશે સસ્ટેડિયમમાં કરેલું પ્રપોઝ અને પ્રી-વેડિંગ સેરેમનીના શાનદાર વિડિયોને કારણે આ સ્ટાર કપલ ભારે ચર્ચામાં હતું.
ADVERTISEMENT
સૌથી પહેલાં સ્મૃતિ માન્ધનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શૅર કરી હતી જેમાં લખ્યું હતું કે ‘છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી મારા જીવન વિશે ઘણી અટકળો ચાલી રહી છે અને મને લાગે છે કે આ સમયે મારું બોલવું મહત્ત્વપૂર્ણ છે. હું ખૂબ જ પ્રાઇવેટ વ્યક્તિ છું અને હું એને આ રીતે જ રાખવા માગું છું, પરંતુ હું સ્પષ્ટ કરવા માગું છું કે લગ્ન રદ કરવામાં આવ્યાં છે. હું આ મૅટરને અહીં જ શાંત રાખવા માગું છું અને હું તમને બધાને પણ એવું જ કરવા વિનંતી કરું છું. હું તમને વિનંતી કરું છું કે આ સમયે બન્ને પરિવારોની પ્રાઇવસીનો આદર કરો અને અમને અમારી ગતિએ આગળ વધવા દો.’
ભારતની વાઇસ કૅપ્ટને આગળ લખ્યું હતું કે ‘હું માનું છું કે આપણા બધા પાછળ એક મોટો હેતુ છે અને મારા માટે એ હેતુ હંમેશાં ઉચ્ચ સ્તરે મારા દેશનું પ્રતિનિધિત્વ કરવાનો રહ્યો છે. હું આશા રાખું છું કે હું ભારત માટે રમીશ અને શક્ય હોય ત્યાં સુધી ટ્રોફી જીતીશ અને એના પર હંમેશાં મારું ફોક્સ રહેશે. તમારા બધાના સમર્થન બદલ આભાર. આગળ વધવાનો સમય આવી ગયો છે.’
પલાશે પોતાને બદનામ કરનારાઓને કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી
૩૦ વર્ષના પલાશ મુચ્છલે પણ ઇન્સ્ટાગ્રામ-સ્ટોરી શૅર કરીને લગ્ન રદ થવા વિશે કન્ફર્મેશન આપ્યું હતું. તેણે લખ્યું હતું કે ‘મેં મારા જીવનમાં આગળ વધવાનો અને પોતાના અંગત સંબંધથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. મારા માટે જે વસ્તુ (ચરિત્ર) સૌથી પવિત્ર રહી છે એના વિશે પાયાવિહોણી અફવાઓ પર લોકો આટલી સરળતાથી પ્રતિક્રિયા આપે છે એ જોવું મારા માટે ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે.’
સ્મૃતિ માટે હાથ પર SM18 નામનું ટૅટૂ પડાવનાર પલાશે આગળ લખ્યું કે ‘આ મારા જીવનનો સૌથી મુશ્કેલ સમય છે અને હું મારી માન્યતાઓ પર અડગ રહીને એને સારી રીતે સંભાળીશ. મને ખરેખર આશા છે કે આપણે એક સમાજ તરીકે અજ્ઞાત સૂત્રો પાસેથી મળેલી સાચી ન હોય એવી ગપસપના આધારે કોઈ વ્યક્તિને જજ કરતાં પહેલાં વિચાર કરીશું. આપણા શબ્દો આપણને એવી રીતે ઘા પહોંચાડી શકે છે કે આપણે ક્યારેય સમજી શકીશું નહીં. વિશ્વભરમાં ઘણા લોકો આવી બાબતથી ગંભીર પરિણામોનો સામનો કરી રહ્યા હશે.’
તેણે અંતે લખ્યું કે ‘મારી ટીમ ખોટી અને બદનક્ષીભરી સામગ્રી ફેલાવનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરશે. આ મુશ્કેલ સમયમાં મારી સાથે ઊભા રહેલા દરેકનો આભાર.’


