ભારતના નવા ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલે કહ્યું...
ગઈ કાલે ગુજરાત ક્રિકેટ અસોસિએશને શુભમન ગિલને ટીમ ઇન્ડિયાના નવા ટેસ્ટ-કૅપ્ટન બનવા બદલ સન્માનિત કર્યો હતો.
ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે ભારતની ટેસ્ટ-ટીમના નવા કૅપ્ટન શુભમન ગિલનો એક વિડિયો શૅર કર્યો હતો એમાં તેણે કહ્યું કે ‘જ્યારે કોઈ યુવા પ્લેયર ક્રિકેટ રમવાનું શરૂ કરે છે ત્યારે તે ભારત માટે રમવા માગે છે અને ફક્ત ભારત માટે ક્રિકેટ રમવા જ નહીં, પરંતુ લાંબા સમય સુધી ભારત માટે ટેસ્ટ-ક્રિકેટ રમવા માગે છે. આ તક મળવી એ ખૂબ જ સન્માનની વાત છે અને એક મોટી જવાબદારી છે. હું આ રોમાંચક તકની રાહ જોઈ રહ્યો છું અને મને લાગે છે કે ઇંગ્લૅન્ડમાં આગામી સિરીઝ ખૂબ જ રોમાંચક બનવાની છે.’
પચીસ વર્ષના આ બૅટરે હાલમાં જ ટેસ્ટ-રિટાયરમેન્ટ લેનાર ભારતીય સ્ટાર ક્રિકેટર્સના યોગદાનને યાદ કર્યું હતું. ગિલે કહ્યું કે ‘રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિચન્દ્રન અશ્વિન જેવા પ્લેયર્સે અમને વિદેશ-ટૂર કેવી રીતે કરવી, મૅચ અને સિરીઝ કેવી રીતે જીતવી એ વિશે બ્લુપ્રિન્ટ આપી છે. હા, યોજનાઓનું પ્રદર્શન કરવું અને એનો અમલ કરવો એ બે અલગ-અલગ બાબત છે. અમારી પાસે એક બ્લુપ્રિન્ટ છે એથી અમે જાણીએ છીએ કે વિદેશપ્રવાસ કેવી રીતે કરવો અને મૅચો તથા સિરીઝમાં સફળ કેવી રીતે થવું. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને વિરાટભાઈ અને રોહિતભાઈ જેવા પ્લેયર્સ સાથે રમવાની તક મળી. બન્નેની આગેવાની કરવાની રીતમાં ઘણો તફાવત હતો. એ જોઈને ખૂબ પ્રેરણા મળી કે બન્નેનું લક્ષ્ય એક જ હતું.’


