T20 વર્લ્ડ કપની ભારતીય સ્ક્વૉડમાંથી બહાર થયેલા શુભમન ગિલે IPL 2026 પહેલાં કહ્યું...શુભમન ગિલે જૅકી ભગનાણીની કંપની પાસેથી મુંબઈમાં ૨૦ કરોડ રૂપિયાનો અપાર્ટમેન્ટ ખરીદ્યો
મારે કોઈને મારી યોગ્યતા સાબિત કરવાની જરૂર નથી
ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન શુભમન ગિલે IPL 2026 પહેલાં રસપ્રદ નિવેદન આપ્યું છે. ભારતીય ટેસ્ટ અને વન-ડે કૅપ્ટન હોવાની સાથે T20 ટીમનો વાઇસ-કૅપ્ટન હોવા છતાં તેને T20 વર્લ્ડ કપ 2026ની ભારતીય સ્ક્વૉડમાંથી ડ્રૉપ કરવામાં આવ્યો હતો. શુભમન ગિલે સ્પષ્ટતા કરી છે કે એ નવી IPL સીઝનમાં પોતાની યોગ્યતાનો દેખાડો કરવાની ભાવનાથી નથી રમવાનો.
શુભમન ગિલે કહ્યું હતું કે ‘છેલ્લાં ૪ વર્ષમાં જે હું આ ટીમ માટે રમ્યો છું મને લાગે છે કે અમે એક ટીમ તરીકે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. મને નથી લાગતું કે મારે કોઈને મારી યોગ્યતા સાબિત કરવાની જરૂર છે. જો ગુજરાતની ટીમ સતત સારું પ્રદર્શન કરશે તો વહેલા કે મોડા મને લાગે છે કે અમે IPL ટ્રોફી ફરીથી જીતીશું.’
૨૬ વર્ષનો શુભમન ગિલ ૨૦૧૮થી ૮ IPL સીઝન રમ્યો છે. પહેલી ૪ સીઝન કલકત્તા સાથે રમ્યા બાદ છેલ્લી ૪ સીઝનથી તે ગુજરાતની ટીમનો ભાગ છે. ૧૧૮ મૅચમાં ૪ સદી અને ૨૬ ફિફ્ટી સાથે તે ૩૮૬૬ રન ફટકારી ચૂક્યો છે. ગુજરાત માટે તેણે ૨૦૨૨માં ૪૮૩ રન, ૨૦૨૩માં ૮૯૦, ૨૦૨૪માં ૪૨૬ અને ૨૦૨૫માં ૬૫૦ રન કર્યા હતા. ગુજરાત સાથે શુભમન ગિલ નવી સીઝનની શરૂઆત ૩૧ માર્ચે એના શહેરની ટીમ પંજાબ કિંગ્સ સામે મુલ્લાનપુરમાં કરશે.
શુભમન ગિલે જૅકી ભગનાણીની કંપની પાસેથી મુંબઈમાં ૨૦ કરોડ રૂપિયાનો અપાર્ટમેન્ટ ખરીદ્યો
ક્રિકેટર શુભમન ગિલે મુંબઈના જુહુમાં ૨૦.૭ કરોડ રૂપિયાનો અપાર્ટમેન્ટ ખરીદ્યો છે. મિલકતની નોંધણીના દસ્તાવેજો અનુસાર શુભમન ગિલે આ અપાર્ટમેન્ટ પૂજા લીઝર ઍન્ડ લાઇફસ્ટાઇલ કંપની પાસેથી ખરીદ્યો હતો. એ કંપનીમાં અભિનેતા-નિર્માતા જૅકી ભગનાણી ભાગીદારી ધરાવે છે. એવું જાણવા મળ્યું છે કે તેણે બિલ્ડિંગનો આખો બારમો માળ ખરીદ્યો છે, એનો કાર્પેટ એરિયા ૩૩૬૯ ચોરસ ફુટ છે.
