શુભમન ગિલ નવો કૅપ્ટન, ઇંગ્લૅન્ડની ટૂર પર જસપ્રીત બુમરાહ બધી ટેસ્ટ નથી રમી શકવાનો એટલે તેની બાદબાકી : રિષભ પંત વાઇસ-કૅપ્ટન : ૧૮ જણની ટીમ જાહેર થઈ એમાં કરુણ નાયરનું ૮ વર્ષે કમબૅક, સાઈ સુદર્શન અને અર્શદીપ સિંહનું પહેલી વાર સિલેક્શન, મોહમ્મદ શમી ડ્રૉપ
શુભમન ગિલ, કરુણ નાયર, અર્શદીપ સિંહ, સાઈ સુદર્શન
૨૫ વર્ષના શુભમન ગિલને ભારતના ૩૭મા ટેસ્ટ-કૅપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ૨૦ જૂનથી ઇંગ્લૅન્ડમાં શરૂ થતી પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ માટે ચીફ સિલેક્ટર અજિત આગરકરે ગઈ કાલે નવા કૅપ્ટનની અને ૧૮ પ્લેયર્સની ટીમની જાહેરાત કરી હતી. વિકેટકીપર-બૅટર રિષભ પંતને વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. ઇંગ્લૅન્ડની આ ટૂરથી ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ૨૦૨૫-૨૦૨૭ની નવી સાઇકલની શરૂઆત કરશે.
છેલ્લા થોડા દિવસોમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી અને હવે શુભમન ગિલને કૅપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો એને પગલે ભારતીય રેડ બૉલ ક્રિકેટમાં એક નવા યુગનાં મંડાણ થવા જઈ રહ્યાં છે. ગિલની સાથે રિષભ પંત, કે. એલ. રાહુલ અને જસપ્રીત બુમરાહનાં નામ પણ કૅપ્ટન બનવાની રેસમાં ચર્ચાઈ રહ્યાં હતાં; પણ આખરે પસંદગીનો કળશ ગિલના શિરે ઢોળાયો છે. જસપ્રીત બુમરાહ વર્ક-લોડ મૅનેજમેન્ટના ભાગરૂપે બધી ટેસ્ટ નથી રમી શકવાનો એટલે તેને કૅપ્ટન બનાવવાનો મતલબ નહોતો તથા પંત અને રાહુલમાં સિલેક્ટરોને કૅપ્ટન તરીકેનો સ્પાર્ક નથી દેખાયો.
ADVERTISEMENT
૧૮ સભ્યોની જે ટીમ સિલેક્ટ કરવામાં આવી છે એમાં કરુણ નાયરે ૮ વર્ષ પછી પુનરાગમન કર્યું છે તથા પેસ બોલર અર્શદીપ સિંહ અને લેફ્ટી બૅટર સાઈ સુદર્શને પહેલી વાર ટેસ્ટ-ટીમમાં સ્થાન મેળવ્યું છે. મોહમ્મદ શમીને ફિટનેસના કારણસર ડ્રૉપ કરવામાં આવ્યો છે. કરુણ નાયર છેલ્લે ૨૦૧૭માં ટેસ્ટ-ક્રિકેટ રમ્યો હતો. રણજી ટ્રોફીમાં વિદર્ભ વતી રમતી વખતે ધમાકેદાર પર્ફોર્મન્સ દાખવીને અને કેરલાને ફાઇનલમાં હરાવીને તેણે ટેસ્ટ-ક્રિકેટમાં પુનરાગમનનો જોરદાર દાવો રજૂ કર્યો હતો. સાઈ સુદર્શન પણ ડોમેસ્ટિક ક્રિકેટમાં અને IPLમાં ધૂમ મચાવી રહ્યો છે.
શુભમન ગિલ ભારતનો પાંચમો યંગેસ્ટ કૅપ્ટન
ગઈ કાલે શુભમન ગિલને ૨૫ વર્ષ ૨૫૮ દિવસની ઉંમરે કૅપ્ટન જાહેર કરવામાં આવ્યો હતો. ભારતના યંગેસ્ટ કૅપ્ટનોમાં તે પાંચમા નંબરે છે. આ પહેલાં મન્સૂર અલી ખાન પટૌડી ૨૧ વર્ષ ૭૭ દિવસની ઉંમરે, સચિન તેન્ડુલકર ૨૩ વર્ષ ૧૬૯ દિવસની ઉંમરે, કપિલ દેવ ૨૪ વર્ષ ૪૮ દિવસની ઉંમરે અને રવિ શાસ્ત્રી ૨૫ વર્ષ ૨૨૯ દિવસની ઉંમરે કૅપ્ટન બન્યા હતા.
|
ઇંગ્લૅન્ડમાં ભારતીય ટેસ્ટ-ટીમનું શેડ્યુલ |
||
|
ટેસ્ટ |
તારીખ |
સ્થળ |
|
પહેલી |
૨૦-૨૪ જૂન |
લૉર્ડ્સ |
|
બીજી |
૨-૬ જુલાઈ |
બર્મિંગહૅમ |
|
ત્રીજી |
૧૦-૧૪ જુલાઈ |
લૉર્ડ્સ |
|
ચોથી |
૨૩-૨૭ જુલાઈ |
મૅન્ચેસ્ટર |
|
પાંચમી |
૩૧ જુલાઈ-પાંચમી ઑગસ્ટ |
ધ ઓવલ |
ગિલનો ટેસ્ટ-રેકૉર્ડ અને કૅપ્ટન્સીનો અનુભવ શું છે?
ટેસ્ટ-ક્રિકેટમાં શુભમન ગિલ ઓપનર અને વનડાઉન બૅટર તરીકે રમ્યો છે. ૩૨ ટેસ્ટમાં તેણે ૩૫.૧ની ઍવરેજથી ૧૮૯૩ રન કર્યા છે જેમાં પાંચ સેન્ચુરી અને સાત હાફ સેન્ચુરીનો સમાવેશ છે.
ગયા વર્ષે ઝિમ્બાબ્વેમાં શુભમન ગિલ T20 ટીમનો કૅપ્ટન હતો અને ભારતે સિરીઝ ૪-૧થી જીતી લીધી હતી. તે વન-ડે ટીમનો વાઇસ-કૅપ્ટન છે. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં શુભમન ગિલ ગુજરાત ટાઇટન્સનો કૅપ્ટન છે.
ઇંગ્લૅન્ડ ટૂર માટેની ભારતીય ટીમ

શુભમન ગિલ (કૅપ્ટન), રિષભ પંત (વાઇસ-કૅપ્ટન, વિકેટકીપર), યશસ્વી જાયસવાલ, કે. એલ. રાહુલ, બી. સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતીશકુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વૉશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.
પહેલી વાર દરેક ફૉર્મેટ માટે ભારતનો કૅપ્ટન અલગ
શુભમન ગિલને ભારતીય ટેસ્ટ-ટીમનો કૅપ્ટન જાહેર કરવામાં આવ્યો છે એને પગલે પહેલી વાર એવું થયું છે કે દરેક ફૉર્મેટમાં હવે ભારતનો કૅપ્ટન અલગ છે. સૂર્યકુમાર યાદવ ભારતીય T20 ટીમનો કૅપ્ટન છે, જ્યારે રોહિત શર્મા વન-ડે ક્રિકેટમાં કૅપ્ટન્સી કરવાનો છે.


