ટેસ્ટ-સિરીઝના ત્રણ મહિના પહેલાં રિકી પૉન્ટિંગનો ભારતને પડકાર
રિકી પૉન્ટિંગ
ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન રિકી પૉન્ટિંગે આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં રમાનારી બૉર્ડર-ગાવસકર ટ્રોફીની ટેસ્ટ-સિરીઝ માટે ઑસ્ટ્રેલિયન ટીમને જીતની દાવેદાર ગણાવી છે. બાવીસ નવેમ્બરથી ઑસ્ટ્રેલિયામાં શરૂ થનારી આ સિરીઝમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટમૅચ રમાશે. આ બન્ને દેશો વચ્ચે છેલ્લે ૧૯૯૧-૯૨માં પાંચ ટેસ્ટમૅચની સિરીઝ રમાઈ હતી.
રિકી પૉન્ટિંગે ‘ધ ICC રિવ્યુ’માં કહ્યું હતું કે ‘આ એક રસાકસીવાળી સિરીઝ બનવા જઈ રહી છે. આ વખતે પાંચ ટેસ્ટમૅચની સિરીઝને લઈને લોકો ઉત્સાહિત છે. કેટલીક મૅચ ડ્રૉ થઈ શકે છે અને કેટલીક ખરાબ હવામાનથી પ્રભાવિત થઈ શકે છે એથી હું કહીશ કે ઑસ્ટ્રેલિયા ૩-૧થી સિરીઝ જીતશે.’
ADVERTISEMENT
૨૦૧૬થી ઑસ્ટ્રેલિયા સામે સતત ચાર બૉર્ડર-ગાવસકર ટ્રોફી જીતનાર ભારતીય ટીમને રિકી પૉન્ટિંગના આ નિવેદનથી ફરી એક વાર ઑસ્ટ્રેલિયામાં સિરીઝ જીતવાનો પડકાર મળ્યો છે.