બૅન્ગલોરના ૧૯૦ સામે પંજાબે કર્યા ૧૮૪ : બૅન્ગલોર માટે સ્પિનર કૃણાલ પંડ્યા અને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે મૅચ-વિનિંગ બોલિંગ કરી, ૪૩ રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમનાર કોહલી જીતની નજીક પહોંચતાં જ રડી પડ્યો
બૅન્ગલોરમાં સેલિબ્રેશન
અમદાવાદમાં ગઈ કાલે રમાયેલી IPL 2025ની ફાઇનલમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ પંજાબ કિંગ્સને ૬ રને હરાવીને પહેલવહેલી વાર ટાઇટલ જીત્યું હતું. બૅન્ગલોરે વિરાટ કોહલીની ૪૩ રનની ઇનિંગ્સની મદદથી નવ વિકેટ ગુમાવીને ૧૯૦ રન બનાવ્યા હતા. પંજાબની ટીમ શશાંક સિંહની ૬૧ રનની ઇનિંગ્સના આધારે સાત વિકેટે ૧૮૪ રન ફટકારીને નાના અંતરથી ફાઇનલ મૅચ હારી હતી. ૧૮ સીઝનથી બૅન્ગલોર માટે રમનાર વિરાટ કોહલી પણ જીતની નજીક પહોંચતાં જ રડી પડ્યો હતો.
ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરતાં બૅન્ગલોરે બીજી જ ઓવરમાં ઓપનર ફિલ સૉલ્ટ (નવ બૉલમાં ૧૬ રન)ની વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી ૧૫ ઓવર સુધી વિરાટ કોહલીએ ૩ ફોરની મદદથી ૩૫ બૉલમાં ૪૩ રનની ધીરજપૂર્વકની ઇનિંગ્સ રમી હતી. તેણે મયંક અગ્રવાલ (૧૮ બૉલમાં ૨૪ રન) સાથે બીજી વિકેટની ૩૮ રન, કૅપ્ટન રજત પાટીદાર (૧૬ બૉલમાં ૨૬ રન) સાથે ત્રીજી વિકેટની ૪૦ રનની અને લિયામ લિવિંગસ્ટન (૧૫ બૉલમાં પચીસ રન) સાથે ચોથી વિકેટની ૩૫ રનની ભાગીદારી કરી હતી. વિકેટકીપર-બૅટર જિતેશ શર્માએ ૨૪૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને માત્ર ૧૦ બૉલમાં બે ફોર અને બે સિક્સની મદદથી ૨૪ રન ફટકારી દીધા હતા.
ADVERTISEMENT
બૅન્ગલોરે અંતિમ ૨૩ રનની અંદર પાંચ વિકેટ ગુમાવી દેતાં અમદાવાદની આ સીઝનની પહેલી ઇનિંગ્સમાં લોએસ્ટ ૧૯૦ રનનો સ્કોર નોંધાવ્યો હતો. પંજાબના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે (૪૦ રનમાં ત્રણ વિકેટ) ૨૦મી ઓવરમાં માત્ર ૩ રન આપીને રોમારિયો શેફર્ડ (નવ બૉલમાં ૧૭ રન), કૃણાલ પંડ્યા (પાંચ બૉલમાં ચાર રન) અને ભુવનેશ્વર કુમાર (બે બૉલમાં એક રન)ને પૅવિલિયન ભેગા કર્યા હતા. ફાસ્ટ બોલર કાઇલ જેકિસને (૪૮ બૉલમાં ૩ વિકેટ) પણ મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી.

અનુષ્કાનું સેલિબ્રેશન
પંજાબના ઓપનર્સ પ્રિયાંશ આર્ય (૧૯ બૉલમાં ૨૪ રન) અને પ્રભસિમરન સિંહે (બાવીસ બૉલમાં ૨૬ રન) પાંચ ઓવર્સમાં ૪૩ રનની પાર્ટનરશિપ કરીને ટીમને સારી શરૂઆત અપાવી હતી. એક ફોર અને ચાર સિક્સ ફટકારનાર વિકેટકીપર-બૅટર જોશ ઇંગ્લિસ (૨૩ બૉલમાં ૩૯ રન) અને કૅપ્ટન શ્રેયસ ઐયર (બે બૉલમાં એક રન)ની અનુક્રમે નવમી અને ૧૦મી ઓવરમાં વિકેટ પડતાં જ બૅન્ગલોરની મૅચમાં વાપસી થઈ હતી. પાંચમી વિકેટ માટે ૩૮ રનની પાર્ટનરશિપ કરીને શશાંક સિંહ (૩૦ બૉલમાં ૬૧ રન અણનમ) અને નેહલ વઢેરાએ (૧૮ બૉલમાં ૧૫ રન) મૅચનો રોમાંચ વધાર્યો હતો. આ ભાગીદારી તૂટ્યા બાદ પંજાબના ફિનિશર માર્કસ સ્ટોઇનિસ (બે બૉલમાં ૬ રન) અને અઝમતુલ્લાહ ઓમરઝાઈ (બે બૉલમાં એક રન) પણ ફ્લૉપ રહ્યા હતા.
બૅન્ગલોરના સ્પિનર કૃણાલ પંડ્યા (૧૭ રનમાં બે વિકેટ) મહત્ત્વપૂર્ણ વિકેટ લઈને પંજાબની રનની ગતિ પર એક સમયે બ્રેક લગાવી હતી. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે (૩૮ રનમાં બે વિકેટ) ૧૭મી ઓવરમાં બે વિકેટ લઈને જીત ઑલમોસ્ટ સુનિશ્ચિત કરી દીધી હતી. ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે (૫૪ રનમાં એક વિકેટ) પણ અંતિમ ઓવરમાં જીત માટે જરૂરી ૨૯ રન સામે બાવીસ રન આપ્યા હતા.
771
IPL ઇતિહાસમાં આટલા ફોર ફટકારીને શિખર ધવન (૭૬૮ ફોર)નો હાઇએસ્ટ રેકૉર્ડ તોડ્યો કોહલીએ.
1159
એક IPL ટીમ (પંજાબ) સામે હાઇએસ્ટ આટલા રન કરવાનો રેકૉર્ડ કર્યો વિરાટ કોહલીએ.
700
આટલી પ્લસ ઓવર્સ IPLમાં ફેંકનાર પહેલો બોલર બન્યો ભુવનેશ્વર કુમાર.


