મેદાન પર તેને મળેલી તાળીઓ અને તેના પાછા ફરવા પર ઇંગ્લૅન્ડની ટીમમાં દરેક તરફથી મળેલી તાળીઓ જુઓ. તમે એના માટે જ જીવો છો, તમે એના માટે જ રમો છો
પગમાં ઇન્જરીને કારણે અન્ય વ્યક્તિના સહારો લઈને સ્ટેડિયમની બહાર આવ્યો હતો રિષભ પંત.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને હેડ કોચ રવિ શાસ્ત્રીએ ઇન્જર્ડ રિષભ પંત વિશે રસપ્રદ ખુલાસો કર્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ ગઈ કાલે જાહેર કરેલા વિડિયોમાં કૉમેન્ટેટર રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘રમત પહેલાં મેં તેને પૂછયું કે ઉંગલી કૈસા હૈ. ઉંગલી ટૂટા તો નહીં હૈ, મૅચ ખેલ પાએગા? ત્યારે તેણે જવાબ આપ્યો કે ઝરુર ખેલૂંગા, ટૂટા ભી હોતા તો ભી ખેલતા હી.’
રવિ શાસ્ત્રીએ તેની પ્રશંસા કરતાં વધુમાં કહ્યું હતું કે ‘પાછા આવવું અને તેણે જે કર્યું એ કરવું એ કંઈક ખાસ હતું, કારણ કે ક્યારેક તમારી પ્રેરણા બીજા સ્તર પર જાય છે. તેણે ટીમ માટે જે કર્યું જો એ ટીમને પ્રેરણા નહીં આપે તો કંઈ નહીં મળે. મેદાન પર તેને મળેલી તાળીઓ અને તેના પાછા ફરવા પર ઇંગ્લૅન્ડની ટીમમાં દરેક તરફથી મળેલી તાળીઓ જુઓ. તમે એના માટે જ જીવો છો, તમે એના માટે જ રમો છો, એ જ તેને એક હીરો બનાવે છે. એથી આ બતાવે છે કે તે શું ઇચ્છે છે, તે શેના માટે રમવા માગે છે, તે દેશ માટે ટેસ્ટ-ક્રિકેટ રમવાનું પસંદ કરે છે. જો કોઈને શંકા હોય કે તે ટીમ-મૅન છે કે નહીં તો આજે તેણે પહેલી વાર તે જોયું હશે. આના માટે વધુ મજબૂતીની જરૂર છે.’


