ઇન્જર્ડ રિષભ પંતને મેદાનની અંદર આવતાં અને બહાર જતાં બે વાર મળ્યું સ્ટૅન્ડિંગ ઓવેશન, ટેસ્ટ-સિરીઝમાં ભારતે છઠ્ઠી વાર ૩૫૦+ રનનો સ્કોર કર્યો : ભારત પહેલી ઇનિંગ્સમાં ૩૫૮ રને આૅલઆઉટ, બીજા દિવસના અંતે ઇંગ્લૅન્ડનો સ્કોર બે વિકેટે ૨૨૫ રન
ઇંગ્લૅન્ડના ઓપનર્સ બેન ડકેર (૧૦૦ બૉલમાં ૯૪ રન) અને ઝૅક ક્રૉલી (૧૧૩ બૉલમાં ૮૪ રન)એ ૧૯૫ બૉલમાં ૧૬૬ રનની જબરદસ્ત ઓપનિંગ ભાગીદારી કરી હતી.
મૅન્ચેસ્ટર ટેસ્ટ-મૅચના બીજા દિવસે બન્ને ટીમ તરફથી શાનદાર રમત જોવા મળી હતી. ભારતે યશસ્વી જાયસવાલ, સાઈ સુદર્શન બાદ ઇન્જર્ડ રિષભ પંતની ફિફ્ટીના આધારે ૧૧૪.૧ ઓવરમાં ૧૦ વિકેટ ગુમાવીને ૩૫૮ રન કર્યા હતા. ઇંગ્લૅન્ડે ઓપનર્સની ૧૬૬ રનની ભાગીદારીના અંતે બીજા દિવસના અંતે ૪૬ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૨૨૫ રન કર્યા હતા. ભારતીય ટીમ પાસે હજી ૧૩૩ રનની લીડ બચી છે.
બીજા દિવસની રમતમાં ભારતે ૮૪મી ઓવરમાં ૨૬૪-૪ના સ્કોરથી પહેલી ઇનિંગ્સને આગળ વધારી હતી. ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરે (૮૮ બૉલમાં ૪૧ રન) છઠ્ઠી વિકેટ માટે રવીન્દ્ર જાડેજા (૪૦ બૉલમાં ૨૦ રન) સાથે ૩૧ રનની ભાગીદારી કર્યા બાદ વૉશિંગ્ટન સુંદર (૯૦ બૉલમાં ૨૭ રન) સાથે સાતમી વિકેટની ૧૦૧ બૉલમાં ૪૮ રનની પાર્ટનરશિપ કરીને ટીમનો સ્કોર ૩૦૦ રનને પાર પહોંચાડ્યો હતો. ઇન્જરી છતાં ૩ ફોર અને બે સિક્સ ફટકારનાર રિષભ પંત (૭૪ બૉલમાં ૫૪ રન)ની ફિફ્ટીના આધારે ભારત ૩૫૦ રનના સ્કોર સુધી પહોંચી શક્યું હતું.
ADVERTISEMENT
ભારતે છેલ્લી ચાર વિકેટ ૨૧ રનની અંદર ગુમાવી દીધી હતી. ઇંગ્લૅન્ડની ટીમ તરફથી કૅપ્ટન અને ફાસ્ટ બોલર બેન સ્ટોક્સ (૭૨ રનમાં પાંચ વિકેટ) સૌથી સફળ રહ્યો હતો. ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર (૭૩ રનમાં ૩ વિકેટ)એ રિષભ પંતને બોલ્ડ કરવા સહિત ઘણી મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. મૅન્ચેસ્ટરમાં પડેલા વરસાદને કારણે લંચનો સમય પહેલાં લેવાની ફરજ પડી હતી, પણ બાકીનાં બન્ને સેશન કોઈ પણ વિઘ્ન વગર રમાયાં હતાં.
ઇંગ્લૅન્ડના ઓપનર્સ બેન ડટેક (૧૦૦ બૉલમાં ૯૪ રન) અને ઝૅક ક્રૉલી (૧૧૩ બૉલમાં ૮૪ રન)એ ૧૯૫ બૉલમાં ૧૬૬ રનની ધમાકેદાર ઓપનિંગ ભાગીદારી કરી હતી. ભારતના અનુભવી સ્પિનર રવીન્દ્ર જાડેજા (૩૭ રનમાં એક વિકેટ) અને યંગ ફાસ્ટ બોલર અંશુલ કમ્બોજ (૪૮ રનમાં એક વિકેટ) આ બન્ને ઓપનર્સને પૅવિલિયન પહોંચાડ્યા હતા. આજે ત્રીજા દિવસે ઑલી પોપ (૪૨ બૉલમાં ૨૦ રન) અને જો રૂટ (૨૭ બૉલમાં ૧૧ રન) ઇંગ્લૅન્ડની ઇનિંગ્સને આગળ વધારશે.
રોહિત શર્માને પછાડીને રિષભ પંત નંબર વન બન્યો
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિનશિપ (WTC)માં રોહિત શર્માએ ભારત તરફથી સૌથી વધુ ૬૯ ઇનિંગ્સમાં ૨૭૧૬ રન કર્યા હતા. રિષભ પંતે ૬૭ ઇનિંગ્સમાં ૨૭૩૧ રન કરીને ભારત માટે WTCમાં હાઇએસ્ટ રન-સ્કોરર બની ગયો છે. તે ભારતની બહાર સૌથી વધુ નવ વખત ૫૦ પ્લસ રનનો સ્કોર કરનાર વિકેટકીપર-બૅટર પણ બન્યો હતો. તે એક ટેસ્ટ-સિરીઝમાં પાંચ વખત ૫૦ પ્લસ રન ફટકારનાર પણ પહેલો ભારતીય વિકેટકીપર-બૅટર બન્યો હતો. ટેસ્ટમાં ભારત તરફથી ૯૦ સિક્સ ફટકારવાના વીરેન્દર સેહવાગના રેકૉર્ડની પણ તેણે બરાબરી કરી હતી.
20
આટલા હાઇએસ્ટ કૅચ ઇંગ્લૅન્ડની ટેસ્ટમાં પકડીને કે. એલ. રાહુલે ૧૯ કૅચનો રાહુલ દ્રવિડનો ભારતીય રેકૉર્ડ તોડ્યો.


