શુભમન ગિલ, સ્મૃતિ માન્ધના અને આયુષ મ્હાત્રે સહિત મુંબઈ ક્રિકેટ અસોસિએશનને પણ મળશે અવૉર્ડ
રાહુલ દ્રવિડ, મિતાલી રાજ, રૉજર બિન્ની
બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) આજે ૧૫ માર્ચે નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત નમન અવૉર્ડ્સ 2026માં ભારતીય ક્રિકેટની શ્રેષ્ઠતાની ઉજવણી કરશે. ઇન્ટરનૅશનલ, ડોમેસ્ટિક અને વયજૂથ ક્રિકેટમાં અસાધારણ પ્રદર્શન અને કાયમી યોગદાન આપતાં વ્યક્તિત્વોને આજે સન્માનિત કરવામાં આવશે. ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને કોચ રાહુલ દ્રવિડ, ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અને BCCIના પ્રેસિડન્ટ રૉજર બિન્નીને કર્નલ સી. કે. નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે. ભૂતપૂર્વ ભારતીય મહિલા કૅપ્ટન મિતાલી રાજને BCCI લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ ફૉર વિમેન પુરસ્કાર આપવામાં આવશે. ૨૦૨૪-’૨૫ની સીઝન માટે બેસ્ટ ઇન્ટરનૅશનલ ક્રિકેટરમાં પુરુષ અને મહિલા કૅટેગરી માટે અનુક્રમે શુભમન ગિલ અને સ્મૃતિ માન્ધનાને અવૉર્ડ મળશે. હરિયાણાની શફાલી વર્માને સિનિયર ડોમેસ્ટિક વન-ડે ટુર્નામેન્ટમાં અને વિદર્ભના હર્ષ દુબેને રણજી ટ્રોફીમાં શ્રેષ્ઠ ઑલરાઉન્ડ પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવશે. અલગ-અલગ ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન માટે મુંબઈ ક્રિકેટ અસોસિએશનને પણ અવૉર્ડ મળશે. મુંબઈની ઈરા જાધવને ડોમેસ્ટિક ક્રિકેટની બેસ્ટ મહિલા પ્લેયર અને મુંબઈકર આયુષ મ્હાત્રેને ડોમેસ્ટિક વાઇટ બૉલ ટુર્નામેન્ટમાં ઑલરાઉન્ડ પ્રદર્શન માટે સન્માન મળશે. નમન અવૉર્ડ્સ 2026ની એક મહત્ત્વપૂર્ણ વિશેષતા એ છે કે પાંચેય ICC ટ્રોફી વિજેતા ભારતીય ટીમોનું સન્માન કરવામાં આવશે. ભારતીય ક્રિકેટ માટે આ ઐતિહાસિક ક્ષણ હશે.
