વિજય હઝારે ટ્રોફી છોડીને દિલ્હીમાં રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને મળ્યો બિહારનો વન્ડરબૉય, બિહારના ૧૪ વર્ષ ૨૭૪ દિવસના ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને પણ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે અવૉર્ડ સ્વીકારી રહેલો વૈભવ સૂર્યવંશી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અવૉર્ડ સમારોહ વખતે ક્રિકેટના મેદાનમાં રેકૉર્ડની વણઝાર કરનાર વૈભવ સૂર્યવંશીને નજીક બોલાવીને વાતચીત કરતા જોવા મળ્યા હતા.
વીર બાલ દિવસના અવસર પર ગઈ કાલે દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ૨૦ જેટલાં બાળકોને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. બિહારના ૧૪ વર્ષ ૨૭૪ દિવસના ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને પણ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર તે બાળકો માટે ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.
ગુરુ ગોવિંદ સિંહજીના નાના દીકરાઓ સાહિબઝાદા જોરાવર સિંહજી અને સાહિબઝાદા ફતેહ સિંહજીની શહાદતને માન આપવા માટે આ ખાસ દિવસની ઉજવણી થાય છે. આ દિવસે ભારતનાં બાળકોની બહાદુરી, બલિદાન અને શ્રેષ્ઠતાની ઉજવણી કરવા અને સાહિબઝાદાઓની હિંમતને આજના યુવાનોની સિદ્ધિઓ સાથે જોડવા માટે આ પુરસ્કાર આપવામાં આવે છે.
ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમમાં બાળકો સામે સંબોધન કર્યું હતું અને પછી પુરસ્કાર-વિજેતાઓ સાથે ગપસપ પણ કરી હતી. આ વાતચીતની ઝલક દેખાડતા એક વિડિયોમાં નરેન્દ્ર મોદી ક્રિકેટના મેદાનમાં રેકૉર્ડની વણઝાર કરનાર વૈભવ સૂર્યવંશીને નજીક બોલાવીને વાતચીત કરતા જોવા મળ્યા હતા. IPL, યુથ ક્રિકેટ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં ધમાકેદાર બૅટિંગ કરીને વૈભવ સૂર્યવંશી વિશ્વભરમાં ભારતીય ક્રિકેટનો ડંકો વગાડી રહ્યો છે.
વિજય હઝારે ટ્રોફીમાં હવે નહીં જોવા મળે સૂર્યવંશીની વૈભવી ઇનિંગ્સ?
વૈભવ સૂર્યવંશીના બાળપણના કોચ મનીષ ઓઝાએ કહ્યું હતું કે ‘વિજય હઝારે ટ્રોફીમાં વૈભવ બિહાર માટેની બાકીની મૅચ ચૂકી જશે, કારણ કે તેણે અન્ડ-19 વર્લ્ડ કપની તૈયારી કરવાની છે. તે બાકીના ભારતીય પ્લેયર્સ સાથે ટ્રેઇનિંગ કૅમ્પમાં જોડાશે.’
૨૦૨૬ની ૧૫ જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી દરમ્યાન ઝિમ્બાબ્વે અને નામિબિયામાં અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ રમાશે.


