પહેલા દિવસે ૮ વિકેટ ગુમાવીને ૩૧૯ રન કર્યા ન્યુ ઝીલૅન્ડે
ઇન્જરીમાંથી ફિટ થઈને મેદાન પર ઊતરેલા કેન વિલિયમસને ૧૯૭ બૉલમાં ૧૦ ચોગ્ગાની મદદથી શાનદાર ૯૩ રન ફટકાર્યા હતા
ક્રાઇસ્ટચર્ચમાં ગઈ કાલે શરૂ થયેલી ક્રો-થૉર્પ ટ્રોફી માટેની ટેસ્ટ-સિરીઝની પહેલી મૅચમાં બરાબરીનો જંગ જામ્યો છે. યજમાન ટીમ ન્યુ ઝીલૅન્ડ ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરી હતી પણ પહેલા દિવસની રમતના અંત સુધીમાં એણે ૮૩ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૩૧૯ રનનો સન્માનજનક સ્કોર ઊભો કરી દીધો છે.
ઇનિંગ્સની બીજી જ ઓવરમાં ન્યુ ઝીલૅન્ડે ઓપનર ડેવોન કૉન્વે (બે રન)ની વિકેટ ગુમાવી હતી. લગભગ બે મહિના બાદ ન્યુ ઝીલૅન્ડની ટીમમાં વાપસી કરનાર ભૂતપૂર્વ કૅપ્ટન કેન વિલિયમસને (૯૩ રન) વર્તમાન કૅપ્ટન ટૉમ લૅધમ (૪૭ રન) સાથે ૫૮ રનની, રાચિન રવીન્દ્ર (૩૪ રન) સાથે ૬૮ રનની અને ડૅરિલ મિચલ (૧૯ રન) સાથે ૬૯ રનની પાર્ટનરશિપ કરીને સ્કોર ૩૦૦ને પાર પહોંચાડ્યો હતો.
ADVERTISEMENT
ઇન્જરીમાંથી ફિટ થઈને મેદાન પર ઊતરેલા વિલિયમસને ૧૯૭ બૉલમાં ૧૦ ચોગ્ગાની મદદથી ૯૩ રન ફટકાર્યા હતા. ઇંગ્લૅન્ડ તરફથી ૨૧ વર્ષના સ્પિનર શોએબ બશીરે ૨૦ ઓવરમાં ૬૯ રન આપીને સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી.
વિલિયમસને બનાવ્યો આ રેકૉર્ડ
ટેસ્ટ-ક્રિકેટમાં પાંચ વાર નર્વસ નાઇન્ટીનો શિકાર બનીને વિલિયમસને ન્યુ ઝીલૅન્ડ માટે આ ફૉર્મેટમાં સૌથી વધુ વાર નર્વસ નાઇન્ટીનો શિકાર બનેલા સ્ટીફન ફ્લેમિંગની બરાબરી કરી હતી. ૨૦૧૮ બાદ પહેલી વાર તે નર્વસ નાઇન્ટીનો શિકાર બન્યો છે. કેન વિલિયમસન ચાર અથવા વધુ ટીમો સામે ૧૦૦૦થી વધુ ટેસ્ટ-રન ફટકારનાર ન્યુ ઝીલૅન્ડનો પ્રથમ બૅટ્સમૅન બન્યો છે. વિલિયમસને ઇંગ્લૅન્ડ સામે ૧૦૦૦ ટેસ્ટ-રન પૂરા કરતાં પહેલાં પાકિસ્તાન સામે ૧૫૧૯ રન, શ્રીલંકા વિરુદ્ધ ૧૪૬૭ રન, સાઉથ આફ્રિકા વિરુદ્ધ ૧૦૬૮ રન બનાવ્યા છે.