Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પ્રવીણ અને ઇશાન્તને શરમ આવવી જોઈએ : કપિલ દેવ

પ્રવીણ અને ઇશાન્તને શરમ આવવી જોઈએ : કપિલ દેવ

30 September, 2011 09:07 PM IST |

પ્રવીણ અને ઇશાન્તને શરમ આવવી જોઈએ : કપિલ દેવ

પ્રવીણ અને ઇશાન્તને શરમ આવવી જોઈએ : કપિલ દેવ


 

 



લૉર્ડ્સ ટેસ્ટમાં ધોનીએ બોલિંગ કરવી પડી એ બદલ કપિલ દેવે બન્ને પેસબોલરોની ટીકા કરી

સાંઇ મોહન


મુંબઈ, તા. ૩૦

ઇંગ્લૅન્ડના તાજેતરના નામોશીભર્યા પ્રવાસ દરમ્યાન લૉર્ડ્સની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે પેસબોલર પ્રવીણકુમાર અને ઇશાન્ત શર્માને થાકેલા જોઈને કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતે બોલિંગ કરવા આવવું પડ્યું એ ઘટના બદલ કપિલ દેવે ગઈ કાલે સીસીઆઈ (ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા)માં દિલીપ સરદેસાઈ મેમોરિયલ લેક્ચરમાં દુ:ખ વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે ‘પ્રવીણ-ઇશાન્તે કૅપ્ટનને બોલિંગ કરવાનો વખત દેખાડીને તેની કૅપ્ટન્સીને લાંછન લગાડ્યું કહેવાય. એ સ્થિતિમાં ધોનીએ ગ્લવ્ઝ ઉતારીને બોલિંગ કરવા આવવું પડ્યું એવું ખરાબ દૃશ્ય મેં મારી જિંદગીમાં ક્યારેય નહોતું જોયું. હું જો પ્રવીણ-ઇશાન્તની જગ્યાએ હોત તો મેં ૨૫ ઓવર બોલિંગ કરી હોત અને મારા કૅપ્ટનને બોલિંગ કરવી પડે એવો વખત જ ન આવવા દીધો હોત. પ્રવીણ-ઇશાન્તના આવા ઍટિટ્યુડથી જ ઇંગ્લિશમેનોએ ભારતીય ટીમ પર પકડ જમાવી હતી.’

જોકે કપિલ દેવે ક્રિકેટ બોર્ડની પણ ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે ‘તમે વલ્ર્ડ કપ જીતનાર પ્લેયરોને આરામ કરવાનો અને કપની જીત એન્જૉય કરવાનો મોકો જ નહોતો આપ્યો. ચાર દિવસમાં આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)માં રમવા બોલાવી લીધા હતા. તમે ફાસ્ટ બોલરો પર બોજ શા માટે નાખો છો? તેઓ કંઈ વર્ષના ૩૬૫ દિવસ ન રમી શકે. ફાસ્ટ બોલરોને પણ સલાહ છે કે જિમ્નેશ્યમમાં વધુ સમય આપવા કરતાં મેદાન પર દોડવામાં વધુ ટાઇમ આપીને તમારા પગના સ્નાયુઓ મજબૂત કરો.’

આઇપીએલ જેટલા જ પૈસા ઇન્ટરનૅશનલમાં આપો

કપિલ દેવે બોર્ડ માટેના કટાક્ષમાં જણાવ્યું હતું કે ‘તમે આઇપીએલમાં પ્લેયરોને જેટલા પૈસા આપો છો એટલા ઇન્ટરનૅશનલ મૅચમાં આપશો તો મને ખાતરી છે કે તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ ઘણા ભારતીય પ્લેયરોએ ટાળ્યો હતો એવું ક્યારેય નહીં જોવા મળે. મોટો દલ્લો મળશે તો ખેલાડીઓ પસંદગીની સિરીઝોમાં રમવાનું ટાળીને બધી સિરીઝોમાં રમશે.’

સચિનની કેટલી સદી મૅચવિનિંગ છે એ તો કહો!


ભારતીય ક્રિકેટને વ્યક્તિગત સિદ્ધિઓ અને વિક્રમોનું વળગણ થઈ ગયું છે અને આપણી ક્રિકેટ પર સવાર થઈ ગયેલા આ ભૂતથી તમે અસ્વસ્થ થયા છો? એવું ક્રિકેટ-નિષ્ણાત અયાઝ મેમણે પૂછતાં કપિલ દેવે સચિન તેન્ડુલકર વિશે કટાક્ષ કર્યો હતો.

કપિલે જણાવ્યું હતું કે ‘વ્યક્તિગત સિદ્ધિઓના વળગણની સમસ્યા હજી પણ છે. સચિનનો જ દાખલો લઈ લો. તેણે ૯૯ ઇન્ટરનૅશનલ સેન્ચુરી કરી છે અને આપણે બધા કોઈ સિરીઝ જીતવા પર ધ્યાન આપવા કરતાં તેની ૧૦૦મી સદીની વધુ રાહ જોઈ રહ્યા છીએ. સચિને સદી કરી હોય અને ભારત જીત્યું હોય એવી કેટલી મૅચ છે એનો આંકડો કોઈને ખબર છે ખરો? એક ટકો પણ ક્રિકેટપ્રેમીને આ આંકડાની ખબર નહીં હોય. દેશની પ્રતિષ્ઠાનું મહત્વ વધુ કહેવાય કે વ્યક્તિગત સિદ્ધિનું? તેની ૯૯ સદીવાળી મૅચોમાંથી આપણે ૬૦ મૅચ પણ જીત્યા છીએ કે કેમ એ વાતને મિડિયાએ ખાસ ધ્યાનમાં લેવાની જરૂર છે.’

દ્રવિડની સદીને કેમ મહત્વ નથી આપતા?

કપિલે રાહુલ દ્રવિડની પ્રશંસા કરીને કહ્યું હતું કે ‘રાહુલ દ્રવિડે સદી કરી હોય એવી કેટલી મૅચો ભારત જીત્યું છે એ જાણવાની તો આપણે તસ્દી જ નથી લેતા. આવું શા માટે? સુનીલ ગાવસકરે ૩૪ સદી કરી હતી એ બધા જાણે છે, પરંતુ તેમણે કેટલી ટેસ્ટમૅચોમાં પરાજયથી ટીમને બચાવી હતી એ આપણામાંથી કેટલા જાણે છે, બોલો.’


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2011 09:07 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK