સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહ પણ રેસમાં, વાઇસ-કૅપ્ટન તરીકે તિલક વર્માનું નામ
રોહિત શર્મા
પાંચ વખતની ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ (MI) આજે સાંજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027ની સીઝન માટે એના નવા કૅપ્ટનની જાહેરાત કરશે. આ મહિનાની શરૂઆતમાં ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પંજાબ કિંગ્સ (PBKS)માં ટ્રેડ કરવામાં આવ્યા બાદ મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટનનું પદ ખાલી પડ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભૂતપૂર્વ કૅપ્ટન રોહિત શર્મા ફરી એક વાર ટીમની કમાન સંભાળે એવી પ્રબળ શક્યતા છે. ઇન્ડિયાની મેન્સ T20 ઇન્ટરનૅશનલ ટીમનો કૅપ્ટન તિલક વર્મા વાઇસ-કૅપ્ટન બને એવી અપેક્ષા છે, જોકે કૅપ્ટન સાથે ડેપ્યુટીની જાહેરાત થશે કે નહીં એ વિશે હજી કોઈ સ્પષ્ટતા થઈ નથી.
ADVERTISEMENT
નેતૃત્વની ભૂમિકા માટે દાવેદાર ગણાતા અન્ય ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવ અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે. સૂર્યકુમાર યાદવે આ વર્ષે ઇન્ડિયાને T20 વર્લ્ડ કપમાં વિજેતા બનાવ્યું હતું, જ્યારે જસપ્રીત બુમરાહે IPL 2026માં ધરમશાલા ખાતે પંજાબ કિંગ્સ સામેની મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સની કૅપ્ટન્સી કરી હતી.
જો રોહિત શર્માના નામ પર મહોર લાગશે તો એ ટોચના પદ પર રોહિત શર્માનું પુનરાગમન હશે. રોહિત શર્માએ એક દાયકા કરતાં વધુ સમય સુધી મુંબઈ ઇન્ડિયન્સનું નેતૃત્વ કર્યું હતું અને ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૭, ૨૦૧૯ તથા ૨૦૨૦માં એમ પાંચ IPL ટાઇટલ જિતાડ્યાં હતાં. એ રેકૉર્ડ સાથે રોહિત શર્મા IPL ઇતિહાસમાં કૅપ્ટન તરીકે સૌથી વધુ ટ્રોફી જીતવાના મામલે મહેન્દ્ર સિંહ ધોનીની બરાબરી પર છે.
હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં IPL 2026ની નિરાશાજનક સીઝન બાદ નેતૃત્વમાં આ ફેરફાર થઈ રહ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સ ૧૪ લીગ મૅચમાંથી માત્ર ૪ જીતી શકી હતી અને ૧૦ ટીમોના પૉઇન્ટ્સ-ટેબલમાં નવમા સ્થાને રહી હતી, જેના કારણે છઠ્ઠા ટાઇટલ માટેની રાહ વધુ લંબાઈ હતી.
મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન તરીકે હાર્દિક પંડ્યાનો વિવાદાસ્પદ કાર્યકાળ
મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન તરીકે હાર્દિક પંડ્યાનો કાર્યકાળ શરૂઆતથી જ વિવાદાસ્પદ રહ્યો હતો. હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સ (GT)ને IPL 2022નું ટાઇટલ જિતાડ્યા બાદ મુંબઈ ઇન્ડિયન્સે ૨૦૨૪ની સીઝન પહેલાં ઑલ-કૅશ ટ્રેડ દ્વારા હાર્દિક પંડ્યાને પાછો મેળવીને કૅપ્ટન બનાવ્યો હતો. રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાને કૅપ્ટન બનાવવાના મુંબઈ ઇન્ડિયન્સના નિર્ણયની ભારે ટીકા થઈ હતી અને શરૂઆતની હોમ મૅચોમાં વાનખેડે સ્ટેડિયમના પ્રેક્ષકોના એક વર્ગે હાર્દિક પંડ્યાનો હુરિયો પણ બોલાવ્યો હતો. હવે હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં જોડાયા બાદ આજની જાહેરાતથી મુંબઈ ઇન્ડિયન્સ માટે એક નવા અધ્યાયની ઔપચારિક શરૂઆત થશે, જેમાં ટીમ ૨૦૨૭માં ટ્રોફીનો દુકાળ ખતમ કરવાના લક્ષ્ય સાથે ઊતરશે.
