Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > ગાડીમાં ઍક્સેલરેટર હોય અને ગાડીમાં બ્રેક પણ હોય, આ બન્ને ધર્મ છે

ગાડીમાં ઍક્સેલરેટર હોય અને ગાડીમાં બ્રેક પણ હોય, આ બન્ને ધર્મ છે

Published : 27 November, 2026 09:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિધિરૂપ ધર્મ અને નિષેધરૂપ ધર્મ, ધર્મનાં આ બે સ્વરૂપ છે. વિધિરૂપ ધર્મ એટલે જે કરવા યોગ્ય છે એ કરવું. દાન, જપ, તીર્થયાત્રા કરવાં એ વિધિરૂપ ધર્મ છે.

 ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

સત્સંગ

ભાઈશ્રી રમેશભાઈ ઓઝા


શ્રીમદ્ ભાગવતમાં ભગવાન વેદવ્યાસજી ધર્મની વ્યાખ્યા આપે છે. મનુષ્યનો શ્રેષ્ઠ ધર્મ કયો? પહેલી વાત, ધર્મ વગર મનુષ્ય મનુષ્ય ન રહે. ધર્મરહિત મનુષ્ય પશુસમાન થઈ જાય. ધર્મનો એક અર્થ છે, મર્યાદા. એક અર્થ છે, કર્તવ્ય. 
વિધિરૂપ ધર્મ અને નિષેધરૂપ ધર્મ, ધર્મનાં આ બે સ્વરૂપ છે. વિધિરૂપ ધર્મ એટલે જે કરવા યોગ્ય છે એ કરવું. દાન, જપ, તીર્થયાત્રા કરવાં એ વિધિરૂપ ધર્મ છે. નિષેધરૂપ ધર્મ એટલે ચોરી ન કરવી, ખોટું ન બોલવું, હરામનું ન ખાવું આદિ. દરેક ધર્મમાં આ ‘ડૂઝ ઍન્ડ ડોન્ટ્સ’ હોય છે, આ નિષેધરૂપ ધર્મ.
કારમાં જે ઍક્સેલરેટર હોય એ એનું કામ કરે છે. એ લીવર દબાવો તો ગાડી આગળ ગતિ કરે. ધર્મની આ ગાડી આપણને ક્યાં લઈ જાય છે? કલ્યાણ તરફ, ભગવાન તરફ, મુક્તિ તરફ. એટલે વિધિરૂપ ધર્મનું આચરણ કરો. પૂજાપાઠ, દાન-પુણ્ય, તીર્થયાત્રા આ બધું કરો. પણ કારમાં બ્રેક પણ હોય છે. બ્રેક ન હોય તો અકસ્માત થઈ શકે. કંઈક કરવાથી આપણે આપણી જાતને રોકીએ એ બ્રેક. એ છે નિષેધરૂપ ધર્મ. 
મારી સામે એવી લાલચ આવે જેનાથી મને ફાયદો થવાનો હોય, પણ એ અધર્મરૂપ હોય તો એ હું ન કરું. મારી પાસે સંયમની બ્રેક હોય. એને કહેવાય નિષેધરૂપ ધર્મ. ભાગવતના આધારે ચોરીની વ્યાખ્યા કરતાં કહે છે કે જિતને સે હમારા પેટ ભર જાએ ઉતને પર હી હમારા અધિકાર હૈ; આવશ્યકતા સે અધિક જો હમારે પાસ હૈ, વહ હમારે પાસ હૈ પર હમારા નહીં હૈ.
ભગવાને આવશ્યકતા કરતાં અધિક આપણને એટલે આપ્યું કે આપણે એનો સદુપયોગ કરીએ. આવશ્યક્તા કરતાં જે અધિક આપણી પાસે છે એને જે પોતાનું સમજી બેસે છે, ભાગવત કહે છે કે એ ચોર છે. માત્ર ચોર છે કહીને વાત નથી પૂરી થતી. એ દંડનીય છે અને એ દંડ એક યા બીજા સ્વરૂપે મળે છે. કુદરતનો દંડો દેખાતો નથી, પણ વાગે બહુ. માટે બધા જ ધર્મમાં પ્રતિગ્રહને પાપની શ્રેણીમાં મૂકવામાં આવ્યો. પ્રતિગ્રહ એટલે જરૂરિયાત વિનાની ચીજ દાનમાં લેવી કે ગ્રહણ કરવી. એ પાપ છે. એટલે જે ધન ભેગું થયું હોય એનો સદુપયોગ કરીએ.
પાની બાઢે નાવ મેં, ઘર મેં બાઢે દામ, 
દોનોં હાથ ઉલેચીએ, યહી સજ્જન કા કામ.
દાનથી ધનની શુદ્ધિ થાય છે. ભગવદ્ગીતામાં પણ ભગવાન કહે છે કે તમે પુરુષાર્થ કરો, પછી તમને જે પ્રાપ્ત થાય એ પ્રભુનો પ્રસાદ છે. એને વહેંચીને અવશિષ્ટ મતલબ વધેલું પ્રભુના પ્રસાદરૂપ છે અને એ ખાઓ. આ વહેંચીને ખાવાનું નામ યજ્ઞ. યજ્ઞ કર્યા પછી પ્રસાદથી જે પોતાના જીવનનું યાપન કરે છે એ બધાં જ પાપોથી મુક્ત થાય છે. એનાથી વિરુદ્ધ હોય તો?

- ભાઈશ્રી રમેશભાઈ ઓઝા


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2026 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK