હેડ કોચ ગૌતમ ગંભીરે ટીમમાં પહેલી વાર સામેલ થનાર પ્લેયર્સ, કૅપ્ટન અને વાઇસ-કૅપ્ટન સહિત સાત વર્ષ બાદ ટીમમાં વાપસી કરનાર બૅટર કરુણ નાયરને શુભેચ્છા પાઠવી હતી
પ્રૅક્ટિસ દરમ્યાન ગૌતમ ગંભીરની વાત સાંભળતા ભારતીય પ્લેયર્સ
ઇંગ્લૅન્ડ લાયન્સ સામે ઇન્ડિયા-A માટે બે ડ્રૉ ટેસ્ટ-મૅચ રમ્યા બાદ સિનિયર સ્ક્વૉડના બાકીના પ્લેયર્સ પણ પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝની તૈયારીમાં જોડાયા હતા. ગઈ કાલે ભારતીય ક્રિકેટ બોર્ડે એક વિડિયો શૅર કર્યો હતો જેમાં હેડ કોચ ગૌતમ ગંભીરે ટીમમાં પહેલી વાર સામેલ થનાર પ્લેયર્સ, કૅપ્ટન અને વાઇસ-કૅપ્ટન સહિત સાત વર્ષ બાદ ટીમમાં વાપસી કરનાર બૅટર કરુણ નાયરને શુભેચ્છા પાઠવી હતી.
ગૌતમ ગંભીરે ટ્રેઇનિંગ ગ્રાઉન્ડ પર આખી ટીમ સાથે મીટિંગ દરમ્યાન કહ્યું કે ‘આ ટૂરને જોવાની બે રીત છે. એક એ છે કે આપણે આપણા ત્રણ સૌથી અનુભવી પ્લેયર્સ (વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિચન્દ્રન અશ્વિન) વિના છીએ અથવા આપણને દેશ માટે કંઈક ખાસ કરવાની આ તક મળી છે. જ્યારે હું આ જૂથને જોઉં છું ત્યારે મને કંઈક ખાસ કરવાની ભૂખ, જુસ્સો અને પ્રતિબદ્ધતા દેખાય છે. જો આપણે બલિદાન આપીએ, જો આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીએ, જો આપણે ટેસ્ટ-મૅચમાં દરરોજ નહીં પરંતુ દરેક સેશન, દરેક કલાક અને દરેક બૉલને પડકારવાનું શરૂ કરીએ તો મને લાગે છે કે આપણે એને યાદગાર ટૂર બનાવી શકીએ છીએ.’


