ભારતીય ટીમ આ મેદાન પર વીસમાંથી ૧૧ મૅચ જીતી છે, ૨૦૧૧ બાદ પહેલી વાર અંગ્રેજો સામે વન-ડે સિરીઝમાં ક્લીન સ્વીપ કરવાનો ચાન્સ છે ટીમ ઇન્ડિયા પાસે
જોસ બટલર, રોહિત શર્મા
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝની અંતિમ મૅચ રમાશે. ૨-૦થી સિરીઝમાં અજેય લીડ મેળવનાર ભારતીય ટીમ આજે ક્લીન સ્વીપ કરવાની ઇચ્છા સાથે મેદાન પર ઊતરશે. ભારત અને ઇંગ્લૅન્ડ એકબીજા સામે છેલ્લી છ વન-ડે સિરીઝથી ક્લીન સ્વીપ કરી શક્યા નથી. છેલ્લે ઑક્ટોબર ૨૦૧૧માં ભારતીય ટીમે પોતાની ધરતી પર ઇંગ્લૅન્ડ સામે પાંચ મૅચની સિરીઝમાં ૫-૦થી સિરીઝ ક્લીન સ્વીપ કરી હતી.
અમદાવાદના આ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લૅન્ડની ટીમ પહેલી વાર વન-ડે ફૉર્મેટની મૅચમાં ટકરાશે. ભારતીય ટીમે આ મેદાન પર ૨૦માંથી ૧૧ વન-ડે મૅચ જીતી છે, જ્યારે ઇંગ્લૅન્ડની ટીમે ચારમાંથી માત્ર એક વન-ડે મૅચ વેસ્ટ ઇન્ડીઝ સામે ૨૦૦૬માં ચૅમ્પિયન્સ ટ્રોફી દરમ્યાન જીતી હતી.
ADVERTISEMENT
ભારત અને ઇંગ્લૅન્ડ આ મેદાન પર સામસામે પાંચ T20 મૅચ રમ્યા છે, જેમાં ભારત ત્રણ અને ઇંગ્લૅન્ડ બે મૅચ જીત્યું છે, જ્યારે આ મેદાન આ બન્ને ટીમ વચ્ચેની ચાર ટેસ્ટ-મૅચનું સાક્ષી પણ રહ્યું છે જેમાં અંગ્રેજ ટીમ ક્યારેય જીતી નથી શકી. ત્રણ ટેસ્ટ-મૅચ ભારતે જીતી હતી અને એક મૅચ ડ્રૉ રહી છે. માર્ચ ૨૦૨૧ બાદ પહેલી વાર બન્ને ટીમ વચ્ચે આ મેદાન પર ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ રહી છે.

