Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતીય ટેસ્ટ-ક્રિકેટના નવા ચૅપ્ટરની થઈ શુભ શરૂઆત

ભારતીય ટેસ્ટ-ક્રિકેટના નવા ચૅપ્ટરની થઈ શુભ શરૂઆત

Published : 21 June, 2025 09:36 AM | Modified : 22 June, 2025 07:07 AM | IST | Leeds
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લીડ્સના હેડિંગ્લીમાં પહેલી ટેસ્ટના પહેલા દિવસે ભારતે ૮૫ ઓવરમાં ત્રણ વિકેટે ૩૫૯ રન ખડકી દીધા

યશસ્વી જાયસવાલ હેડિંગ્લીમાં ટેસ્ટ-સેન્ચુરી કરનાર પહેલો ભારતીય ઓપનર બન્યો

યશસ્વી જાયસવાલ હેડિંગ્લીમાં ટેસ્ટ-સેન્ચુરી કરનાર પહેલો ભારતીય ઓપનર બન્યો


૨૧મી સદીના ભારતના યંગેસ્ટ ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝની ધમાકેદાર શરૂઆત કરી હતી. ઓપનર યશસ્વી જાયસવાલ અને કૅપ્ટન શુભમન ગિલની સદીની સાથે વાઇસ કૅપ્ટન રિષભ પંતની ફિફ્ટીના આધારે ભારતે હેડિંગ્લીમાં પહેલી ટેસ્ટના પહેલા દિવસે ૮૫ ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન સાથે ૩૫૯ રન ખડકી દીધા હતા.


યશસ્વી જાયસવાલે પહેલા દિવસના પહેલાં બે સેશન સુધી ભારતની ઇનિંગ્સ સંભાળી રાખી હતી. ૧૬ ફોર અને એક સિક્સની મદદથી ૧૫૯ બૉલમાં ૧૦૧ રનની શાનદાર ઇનિંગ્સ રમનાર યશસ્વીએ સાથી ઓપનર કે. એલ. રાહુલ (૭૮ બૉલમાં ૪૨ રન) સાથે ૧૫૧ બૉલમાં ૯૧ રનની ભાગીદારી કરી હતી. હેડિંગ્લી સ્ટેડિયમમાં તેમણે ભારતીય ઓપનિંગ જોડી તરીકે હાઇએસ્ટ પાર્ટનરશિપ કરવાનો ૩૯ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો. વર્ષ ૧૯૮૬માં સુનીલ ગાવસકર અને ક્રિષ્નમાચારી શ્રીકાંતે અહીં ૬૪ રનની ભાગીદારી કરી હતી.



પહેલાં સેશનના અંતમાં ભારતે બૅક-ટુ-બૅક ઓવરમાં કે. એલ. રાહુલ અને સાઈ સુદર્શન (ચાર બૉલમાં ઝીરો)ની વિકેટ ગુમાવ્યા બાદ બીજા સેશનમાં યશસ્વીએ કૅપ્ટન શુભમન ગિલ સાથે સ્કોર વધારવાનું ચાલુ રાખ્યું હતું. યશસ્વી અને શુભમને ત્રીજી વિકેટ માટે ૧૬૪ બૉલમાં ૧૨૯ રનની ભાગીદારી કરી હતી.


યશસ્વીનું પ્રદર્શન 

રન

૧૦૧

બૉલ

૧૫૯

ફોર

૧૬

સિક્સ

સ્ટ્રાઇક રેટ

૬૩.૫૨

૫૬ બૉલમાં પોતાની ફાસ્ટેસ્ટ ટેસ્ટ-ફિફ્ટી ફટકારનાર કૅપ્ટન શુભમન ગિલે (૧૭૫ બૉલમાં ૧૨૭ રન)  વાઇસ-કૅપ્ટન રિષભ પંત (૧૦૨ બૉલમાં ૬૫ રન અણનમ) સાથે ચોથી વિકેટ માટે ૧૯૯  બૉલમાં ૧૩૮ રનની અણનમ ભાગીદારી કરીને ટીમનો સ્કોર ૩૫૦ રને પાર પહોંચાડ્યો હતો. ઇંગ્લૅન્ડ માટે ફાસ્ટ બોલર્સ કૅપ્ટન બેન સ્ટોક્સ (૪૩ રનમાં બે વિકેટ) અને બ્રાયડન કાર્સ (૭૦ રનમાં એક વિકેટ) ત્રણ જ વિકેટ લઈ શક્યા હતા. 


શુભમનનું પ્રદર્શન 

રન

૧૨૭

બૉલ

૧૭૫

ફોર

૧૬

સિક્સ

સ્ટ્રાઇક રેટ

૭૨.૫૭

3000

આટલા ટેસ્ટ-રન ૭૬ ​ઇનિંગ્સમાં કરનાર એશિયાનો ફાસ્ટેસ્ટ વિકેટકીપર બન્યો રિષભ પંત.

90.33

આટલી હાઇએસ્ટ ઍવરેજથી ઇંગ્લૅન્ડ સામે બૅટિંગ કરીને યશસ્વી જાયસવાલે આૅસ્ટ્રેલિયાના લેજન્ડ બૅટર ડૉન બ્રૅડમૅન (૮૯.૭૮)નો ટેસ્ટ-રેકૉર્ડ તોડ્યો. 

૨૫ વર્ષ ૨૮૫ દિવસ

૨૫ વર્ષ ૨૮૫ દિવસની ઉંમરે ઇંગ્લૅન્ડમાં ભારતનું નેતૃત્વ કરનાર અને ૫૦ પ્લસ રન કરનાર યંગેસ્ટ ભારતીય કૅપ્ટન બન્યો શુભમન ગિલ. મન્સૂર અલી ખાન પટૌડીનો વર્ષ ૧૯૬૭નો ૨૬ વર્ષ ૧૭૪ દિવસની ઉંમરનો રેકૉર્ડ તોડ્યો.

હેડિંગ્લીમાં ભારતીય ઓપનરે પહેલી વાર સેન્ચુરી ફટકારી

યશસ્વી જાયસવાલ હવે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડની ધરતી પર પહેલી ટેસ્ટમાં સેન્ચુરી ફટકારનાર પહેલો બૅટર બની ગયો છે. તે હેડિંગ્લીમાં ટેસ્ટ-સેન્ચુરી કરનાર પહેલો ભારતીય ઓપનર બન્યો છે. જ્યારે ઇંગ્લૅન્ડની ધરતી પર સદી કરનાર તે પહેલા ડાબા હાથનો ભારતીય ઓપનર બન્યો છે. તેણે પહેલી ૨૦ ટેસ્ટ-મૅચ અલગ-અલગ સ્થળોએ રમવાની સિદ્ધિ પણ મેળવી છે.

ભારતીય ટૉપ આૅર્ડર બૅટર સાઈ સુદર્શને ડેબ્યુ ટેસ્ટ મૅચમાં ઝીરો પર આઉટ થઈને અનિચ્છનીય રેકૉર્ડ બનાવ્યો

ભારતીય ટૉપ ઑર્ડર બૅટર સાઈ સુદર્શને ગઈ કાલે અનુભવી બૅટર અને કૉમેન્ટેટર ચેતેશ્વર પુજારા તરફથી ભારતની ૩૧૭ નંબરની ટેસ્ટ-કૅપ મળી હતી. તે ભારત તરફથી ત્રીજા ક્રમે ટેસ્ટ-ડેબ્યુ કરનાર ૧૮મો બૅટર બન્યો હતો, પણ આ ક્રમે પહેલી ટેસ્ટમાં જ ડક થનાર તે પહેલો બૅટર બન્યો હતો. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં તે પહેલી વાર ઝીરો પર આઉટ થયો હતો. ૨૩ વર્ષનો આ પ્લેયર ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ હજી સુધી ડકઆઉટ થયો નથી. તેના નામે ડક થયા વિના સૌથી વધુ ૧૭૯૩ IPL રન બનાવવાનો રેકૉર્ડ પણ છે. 

ઇંગ્લૅન્ડમાં ક્રિકેટ-મૅચ દરમ્યાન પ્લેયર્સ અને ફૅન્સ કાનમાં શું પહેરે છે?

ઇંગ્લૅન્ડ અને ભારતની પહેલી ટેસ્ટ-મૅચ દરમ્યાન હેડિંગ્લી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્લેયર્સ અને ફૅન્સ  ઇઅરપીસ પહેરેલા જોવા મળ્યા હતા. થોડા સમય પહેલાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિનશિપની ફાઇનલ મૅચ સમયે લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પણ આવાં જ દૃશ્યો જોવા મળ્યાં હતાં. આ ઇઅરપીસની મદદથી ડ્રેસિંગ રૂમમાં હાજર પ્લેયર્સ, સપોર્ટ સ્ટાફ અને સ્ટેડિયમમાં હાજર ફૅન્સ લાઇવ કૉમેન્ટરી સાંભળે છે જેમાંથી તેમને સ્ટાર કૉમેન્ટેટર્સના અવાજમાં કોચિંગ અને ક્રિકેટનાં સલાહ-સૂચન સહિત બૉલ-બાય-બૉલ વિશ્લેષણ જાણવા મળે છે. ઇંગ્લૅન્ડમાં ક્રિકેટ મૅચ દરમ્યાન આવાં દૃશ્યો સામાન્ય છે. 

Whatsapp-channel Whatsapp-channel

22 June, 2025 07:07 AM IST | Leeds | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK