ભારતે ૬ વિકેટે ૧૫૫ રન બનાવ્યા પછી આયરલૅન્ડનો સ્કોર ૮.૨ ઓવરમાં બે વિકેટે ૫૪ રન હતો ત્યારે વરસાદ શરૂ થયો હતો અને એ તબક્કે ભારતીય ટીમ ઍટ-પાર સ્કોર મુજબ પાંચ રનથી આગળ હતી
સ્મૃતિ મંધાના
સાઉથ આફ્રિકાના વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ગઈ કાલે આયરલૅન્ડ સામે બૅટિંગ લીધા પછી સારી શરૂઆત કર્યા પછી મિડલ-ઑર્ડરમાં વિકેટ ગુમાવી હોવા છતાં ૧૫૫/૬નો પડકારરૂપ સ્કોર નોંધાવવામાં સફળ રહી હતી અને સ્મૃતિ મંધાના (૮૭ રન, ૫૬ બૉલ, ૮૪ મિનિટ, ત્રણ સિક્સર, નવ ફોર) ટીમની સુપરસ્ટાર બૅટર નીવડી હતી. તેની આ ઇનિંગ્સની ખાસિયત એ હતી કે કેબેરા શહેરના સ્ટેડિયમની પિચ બૅટિંગ માટે મુશ્કેલ હતી છતાં એના પર મંધાના ૧૯મી ઓવર સુધી ક્રીઝ પર રહી હતી અને ૬ આયરિશ બોલર્સનો બહાદુરીપૂર્વક સામનો કર્યો હતો.
ભારતે મંધાનાની લાજવાબ ઇનિંગ્સ ઉપરાંત શેફાલી વર્મા (૨૯ બૉલમાં ૨૪ રન), જેમાઇમા રૉડ્રિગ્સ (૧૨ બૉલમાં ૧૯ રન) અને કૅપ્ટન હરમનપ્રીત કૌર (૨૦ બૉલમાં ૧૩ રન)ની સાધારણ ઇનિંગ્સની મદદથી ૬ વિકેટે ૧૫૫ રન બનાવ્યા હતા. લૉરા ડેલનીએ સૌથી વધુ ત્રણ અને ઓર્લા પ્રેન્ડરગ્રાસ્ટે વિકેટ લીધી હતી.
ભારતે ગઈ કાલે વરસાદના વિઘ્ન વચ્ચે આયરલૅન્ડની છેલ્લા નંબરની ટીમને જોરદાર લડત આપવી પડી હતી. ભારતે ૬ વિકેટે ૧૫૫ રન બનાવ્યા પછી આયરલૅન્ડનો સ્કોર ૮.૨ ઓવરમાં બે વિકેટે ૫૪ રન હતો ત્યારે વરસાદ શરૂ થયો હતો અને એ તબક્કે ભારતીય ટીમ ઍટ-પાર સ્કોર મુજબ પાંચ રનથી આગળ હતી. ડકવર્થ/લુઇસ મેથડ મુજબ ભારત ત્યારે વિજય મેળવીને સેમી ફાઇનલમાં પ્રવેશ માટે દાવેદાર બની રહ્યું હતું. આયરલૅન્ડની ગૅબી લુઇસ ત્યારે ૩૨ રને અને ડેલની ૧૭ રને નૉટઆઉટ હતી. રેણુકા સિંહે એક વિકેટ લીધી હતી અને એક બૅટર રનઆઉટ થઈ હતી.
ADVERTISEMENT
ગ્રુપ ‘૨’માં પહેલાં ઇંગ્લૅન્ડની ટીમ સેમીમાં પહોંચી હતી. ગ્રુપ ‘૧’માં ઑસ્ટ્રેલિયા સેમીમાં પહોંચી ગયું છે અને સાઉથ આફ્રિકા તથા ન્યુ ઝીલૅન્ડ વચ્ચે હરીફાઈ છે.


