૧૦મી મૅચ ભારત અને નેધરલૅન્ડ્સ વચ્ચે રમાશે
ભારતની કૅપ્ટન હરમનપ્રીત કૌર, નેધરલૅન્ડ્સની કૅપ્ટન બબેટ દ લીડે
આૅસ્ટ્રેલિયા VS બંગલાદેશ : બપોરે ૩ વાગ્યે, હેડિંગ્લી
વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની નવમી મૅચ ઑસ્ટ્રેલિયા અને બંગલાદેશ વચ્ચે રમાશે. આ બન્ને ટીમોએ પોતાના વર્લ્ડ કપ અભિયાનની વિજયી શરૂઆત કરી હતી. કાંગારૂ ટીમે સાઉથ આફ્રિકા સામે ૬૫ રન અને બંગલાદેશે નેધરલૅન્ડ્સ સામે ૬ વિકેટે જીત નોંધાવી હતી.
ADVERTISEMENT
બન્ને ટીમ વચ્ચે વર્ષ ૨૦૨૦, ૨૦૨૩માં એક-એક અને વર્ષ ૨૦૨૪માં ત્રણ T20 મૅચ રમાઈ હતી. પાંચેય T20 મૅચમાં ઑસ્ટ્રેલિયાએ જીત નોંધાવી હતી. વર્લ્ડ કપની બન્નેની ટક્કર બે વખત થઈ છે.
ભારત VS નેધરલૅન્ડ્સ : સાંજે સાત વાગ્યે, હેડિંગ્લી
વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ૧૦મી મૅચ ભારત અને નેધરલૅન્ડ્સ વચ્ચે રમાશે. ભારતે પાકિસ્તાન સામે ૬૪ રનની જીત સાથે ટુર્નામેન્ટની ધમાકેદાર શરૂઆત કરી હતી. પહેલી વખત વર્લ્ડ કપ રમનાર નેધરલૅન્ડ્સ પોતાની પહેલી જીતની શોધમાં છે.
આ બન્ને ટીમ વચ્ચે પહેલી વખત T20 મૅચ રમાશે. ભારતીય ટીમે નેધરલૅન્ડ્સ સામે વર્ષ ૧૯૯૩, ૧૯૯૭ અને ૨૦૦૦માં વન-ડે મૅચ રમી છે. આ ત્રણેય મૅચમાં ભારતે બાજી મારી હતી.
નેધરલૅન્ડ્સ માટે ડૉક્ટરની નોકરી છોડીને T20 વર્લ્ડ કપ રમી રહી છે કૅરોલિન દ લૅન્ગે
પહેલી વખત T20 વર્લ્ડ કપ રમી રહેલી નેધરલૅન્ડ્સ ટીમની સ્પિનર કૅરોલિન દ લૅન્ગેએ મોટી મિશાલ કાયમ કરી છે. આ ક્રિકેટર ૨૦૧૯થી ૧૨ વન-ડે અને ૮૮ T20 મૅચ રમી છે. જોકે નેધરલૅન્ડ્સ ટીમ સાથે વર્લ્ડ કપ રમવા માટે ૨૭ વર્ષની આ ક્રિકેટરે ઑલમોસ્ટ એક મહિનાની રજાની જરૂર હતી. માર્ચ ૨૦૨૫માં ડૉક્ટર બનેલી કૅરોલિન દ લૅન્ગે ન્યુરોલૉજી પદ પરથી રાજીનામું આપીને આવી છે. વર્લ્ડ કપના ક્વૉલિફાયર્સ દરમ્યાન તેને મળવા પાત્ર તમામ રજાઓ સમાપ્ત થઈ ચૂકી હતી. વર્લ્ડ કપ માટે તેની પાસે પૂરતી રજા ઉપલબ્ધ ન હોવાથી તેણે નોકરી છોડવાનો નિર્ણય લીધો હતો. જોકે વર્લ્ડ કપ બાદ મેડિકલ કરીઅર ચાલુ રાખવા તેણે નર્સિંગ હોમમાં નવી નોકરી મેળવવાની આશા વ્યક્ત કરી છે.
સાઉથ આફ્રિકા VS પાકિસ્તાન : રાતે ૧૧ વાગ્યે, એજબૅસ્ટન
વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ૧૧મી મૅચ આજે મોડી રાતે સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે રમાશે. બન્ને ટીમ પહેલી જીત મેળવવા તત્પર છે. સાઉથ આફ્રિકાને ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાનને ભારત સામે પહેલી મૅચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
બન્ને ટીમ વચ્ચે ૨૭ T20 મૅચ રમાઈ છે એમાંથી સાઉથ આફ્રિકા ૧૫ મૅચ અને પાકિસ્તાન ૧૨ મૅચ જીત્યું છે. વર્લ્ડ કપમાં રમાયેલી ત્રણેય મૅચમાં સાઉથ આફ્રિકાએ આ હરીફ સામે જીત નોંધાવી હતી.
