Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ICC Men`s T20 World Cup 2026: આજની ત્રણ મૅચો કઈ?

ICC Men`s T20 World Cup 2026: આજની ત્રણ મૅચો કઈ?

Published : 11 February, 2026 09:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજની ત્રણ મૅચ - સાઉથ આફ્રિકા vs અફઘાનિસ્તાન, આૅસ્ટ્રેલિયા vs આયરલૅન્ડ, ઇંગ્લૅન્ડ vs વેસ્ટ ઇન્ડીઝ

સાઉથ આફ્રિકાનો કૅપ્ટન એઇડન માર્કરમ, અફઘાનિસ્તાનનો કૅપ્ટન રાશિદ ખાન

સાઉથ આફ્રિકાનો કૅપ્ટન એઇડન માર્કરમ, અફઘાનિસ્તાનનો કૅપ્ટન રાશિદ ખાન


સાઉથ આફ્રિકા vs અફઘાનિસ્તાન : સવારે ૧૧ વાગ્યે, અમદાવાદ

મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના પાંચમા દિવસની પહેલી મૅચ સવારે ૧૧ વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમા રમાશે. આ વર્લ્ડ કપના સૌથી રોમાંચક ગ્રુપ Dની આ ટક્કરમાં ટેસ્ટ-ચૅમ્પિયન અને છેલ્લી T20 વર્લ્ડ કપમાં જરાક માટે ચૅમ્પિયન બનતાં રહી ગયેલા સાઉથ આફિકાની ટક્કર અફઘાનિસ્તાન સામે થશે. સાઉથ આફ્રિકાએ સોમવારે રાતે કૅનેડાને હરાવીને વિજયી શરૂઆત કરી હતી, પણ અફઘાનિસ્તાને તેમની પહેલી ટક્કરમાં ન્યુ ઝીલૅન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હોવાથી તેમને માટે આજની ટક્કર ડૂ ઑર ડાય બની રહેશે. અફઘાનિસ્તાનનો કૅપ્ટન રાશિદ ખાન ન્યુ ઝીલૅન્ડ સામે પહેલી મૅચમાં ચેન્નઈની સ્પિનર-ફ્રેન્ડ્લી પિચ પર ખાસ અસરકારક સાબિત નહોતો થયો અને ટીમે હાર જોવી પડી હતી. જોકે આજે તેના IPLના હોમગ્રાઉન્ડ અમદાવાદમાં રમવાનો અનુભવી કામ લાગી શકે છે. સાઉથ આફ્રિકા સામે ૨૦૧૦માં ૫૯ રનથી, ૨૦૧૬માં ૩૭ રનથી અને છેલ્લે ૨૦૨૪માં ૯ વિકેટે અફઘાનિસ્તાનીઓએ હારનો સામનો કરવો પડ્યો હતો. જો આજે અફઘાનિસ્તાન આ હારનો સિલસિલો અટકાવીને જીતનું ખાતું ખોલાવશે તો ગ્રુપ Dમાં સાઉથ આફ્રિકા, ન્યુ ઝીલૅન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે સુપર-એઇટની રેસ રોમાંચક બની રહેશે, પણ જો આજે અફઘાનિસ્તાન હારી ગયું તો સાઉથ આફ્રિકા અને ન્યુ ઝીલૅન્ડ ઑલમોસ્ટ નેક્સ્ટ રાઉન્ડમાં પ્રવેશ કરી લેશે.



આૅસ્ટ્રેલિયા vs આયરલૅન્ડ : બપોરે ૩.૦૦ વાગ્યે, કોલંબો


આૅસ્ટ્રેલિયાનો કૅપ્ટન મિચલ માર્શ, આયરલૅન્ડનો કૅપ્ટન પૉલ સ્ટર્લિંગ


કોલંબોમાં આજે બપોરે ૩ વાગ્યે ગ્રુપ Bની ટક્કરમાં આયરલૅન્ડ સામે ભૂતપૂર્વ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા એના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. આયરલૅન્ડને રવિવારે એની પ્રથમ મૅચમાં સહયજમાન શ્રીલંકા સામે ૨૦ રને હાર જોવી પડી હતી. હવે સતત બીજી હારને ટાળવા આજે એણે મજબૂત ઑસ્ટ્રેલિયન ટીમને નમાવવી પડશે. જોકે પાકિસ્તાન સામેની સિરીઝમાં થયેલા વાઇટવૉશ અને પૅટ કમિન્સ તથા જોશ હેઝલવુડ જેવા અનુભવી બોલરોની ગેરહાજરીને લીધે કાંગારૂઓને નમાવીને અપસેટ સર્જવાનો આયરલૅન્ડ સામે ગોલ્ડન ચાન્સ છે. ઑસ્ટ્રેલિયા છેલ્લી રમાયેલી પાંચેપાંચ મૅચમાં જીત નથી મેળવી શક્યું. પાકિસ્તાન સામેના વાઇટવૉશ પહેલાં ઘરઆંગણે ભારત સામેની સિરીઝની પણ છેલ્લી બન્ને મૅચમાં એણે પરાજય જોવો પડ્યો હતો. કોલંબોની સ્પિન-ફ્રેન્ડ્લી પિચ પર શ્રીલંકાના વનિન્દુ હસરંગા અને મહેશ થીક્સાના સામે ફસડાઈ પડેલા આયરલૅન્ડના બૅટરોએ આજે કાંગારૂ સ્પિનરો ઍડમ ઝમ્પા, કૂપર કૉનોલી અને મેટ કૂહનેમનથી સાવચેત રહેવું પડશે. 

ઇંગ્લૅન્ડ vs વેસ્ટ ઇન્ડીઝ : સાંજે ૭.૦૦ વાગ્યે, વાનખેડે

ઇંગ્લૅન્ડનો કૅપ્ટન હૅરી બ્રૂક, વેસ્ટ ઇન્ડીઝનો કૅપ્ટન શાઇ હૉપ

વાનખેડેમાં પાંચમા દિવસની સૌથી રોમાંચક ટક્કરની અપેક્ષા છે. બે વખતની ચૅમ્પિયન ટીમ ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની આ ટક્કર ચાહકો માટે પૈસાવસૂલ બની રહેવાની આશા સાથે આજે વાનખેડેમાં ચાહકો ઊમટી આવશે. બન્ને ટીમોએ એમની પ્રથમ મૅચમાં જીત સાથે શરૂઆત કરી છે અને આજે વધુ એક કમાલ સાથે સુપર-એઇટમાં સ્થાન પાક્કું કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે. વેસ્ટ ઇન્ડીઝે સ્કૉટલૅન્ડ સામે પ્રથમ મૅચમાં ૩૫ રનથી પ્રમાણમાં સહેલો વિજય મેળવ્યો હતો, પણ ઇંગ્લૅન્ડ નેપાલ જેવી ટીમ સામે હારના મુખમાંથી બચીને માત્ર ચાર રનથી જીત મેળવીને લાજ બચાવી શક્યું હતું. ઇંગ્લૅન્ડે આજે એ મૅચને ભૂલીને મેદાનમાં ઊતરવું પડશે. ઇંગ્લૅન્ડને આજે તેમના બૅટર્સ કરતાં મુખ્ય બોલરોના ફૉર્મની ખાસ ચિંતા હશે. આજે હૅરી બ્રૂક ઍન્ડ કંપનીએ ધુરંધર કૅરિબિયન બૅટર્સ સામે નવી સ્ટ્રૅટેજી સાથે મેદાનમાં ઊતરવું પડશે. 

Whatsapp-channel Whatsapp-channel

11 February, 2026 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK