Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 ચૅમ્પિયન ટીમ ઇન્ડિયાને પહેલી વખત ૧૦૦+ રને હાર મળી

T20 ચૅમ્પિયન ટીમ ઇન્ડિયાને પહેલી વખત ૧૦૦+ રને હાર મળી

Published : 09 July, 2026 11:48 AM | Modified : 09 July, 2026 11:50 AM | IST | Nottingham
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ત્રીજી T20 મૅચમાં ઇંગ્લૅન્ડના ૨૦૧/૭ના સ્કોર સામે ૧૧.૪ ઓવરમાં માત્ર ૭૬ રન કરીને ભારત ૧૨૫ રને હાર્યું, એક પણ બૅટર ૨૦ રન સુધી પહોંચી ન શક્યો : ભારત સામે સતત બીજી જીત સાથે ઇંગ્લૅન્ડે પાંચ મૅચની સિરીઝમાં ૨-૦થી લીડ મેળવી લીધી

જોફ્રા આર્ચરે ૩ ઓવરમાં ૨૯ રન આપીને ૩ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો

જોફ્રા આર્ચરે ૩ ઓવરમાં ૨૯ રન આપીને ૩ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો


ટ્રેન્ટ બ્રિજમાં મંગળવારનો દિવસ ભારતીય ક્રિકેટ માટે સૌથી શરમજનક હતો. ત્રણ વખતના T20 વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમ ઇન્ડિયાને આ ફૉર્મેટમાં પહેલી વખત ૧૦૦ રનની હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલી મૅચ રદ્દ થયા બાદ બૅક-ટુ-બૅક મૅચ જીતીને યજમાન ઇંગ્લૅન્ડે પાંચ મૅચની T20 સિરીઝમાં ૨-૦થી લીડ મેળવી લીધી છે.

ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ઇંગ્લૅન્ડે ઓપનર ફિલ સૉલ્ટની તોફાની ફિફ્ટીની મદદથી ૭ વિકેટે ૨૦૧ રન કર્યા હતા. જવાબમાં ભારતના તમામ બૅટર્સે અંગ્રેજ બોલિંગ-યુનિટ સામે ૧૧.૪ ઓવરમાં ૭૬ રને શરણાગતિ સ્વીકારી લીધી હતી. ભારતને ૧૨૫ રને પોતાની સૌથી મોટી T20 હાર મળી હતી.



ઇંગ્લૅન્ડ માટે ફિલ સૉલ્ટે ૪૪ બૉલમાં ૭ ફોર અને ત્રણ સિક્સના આધારે ૭૦ રન કર્યા હતા. જૉસ બટલરે ૨૧ બૉલમાં ૪ ફોર અને બે સિક્સની મદદથી ૩૬ રનનું યોગદાન આપ્યું હતું. સૅમ કરૅન ૨૪ બૉલમાં ૪૧ રન કરીને અણનમ રહ્યો હતો. ભારત તરફથી ફાસ્ટ બોલર્સ હર્ષિત રાણાએ ૪૦ રન અને પ્રિન્સ યાદવે ૩૦ રન આપીને ૨-૨ વિકેટ લીધી હતી. સ્પિનર અક્ષર પટેલે ૪ ઓવરમાં ૪૯ રન આપીને એક વિકેટ લીધી હતી.


રન-ચેઝ દરમ્યાન ૪.૬ ઓવરમાં બાવન રનના સ્કોર પર અડધી ભારતીય ટીમ તંબુભેગી થઈ ગઈ હતી. બાકીની ટીમ ૧૧.૪ ઓવરમાં આઉટ થઈ હતી. ભારત માટે વૈભવ સૂર્યવંશીએ પાંચ બૉલમાં અને ઈશાન કિશને ૯ બૉલમાં ૧૩-૧૩ રન કર્યા હતા. અભિષેક શર્માએ ૭ અને અક્ષર પટેલે ૪ બૉલમાં ૧૦-૧૦ રન નોંધાવ્યા હતા.

અંગ્રેજ બોલિંગ-યુનિટમાંથી માત્ર બીજી T20 મૅચ રમી રહેલા જૉશ ટન્ગે ૪ ઓવરમાં ૨૮ રન આપીને ૪ વિકેટ લીધી હતી. જોફ્રા આર્ચરે ૩ ઓવરમાં ૨૯ રન આપીને ત્રણ વિકેટ લીધી હોવાથી તે પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. સ્પિનર્સ આદિલ રશીદને બે વિકેટ અને વિલ જૅક્સને એક વિકેટ મળી હતી. 


૪ મૅચ હારવાથી તમે ખરાબ ટીમ નથી બની જતા. ક્યારેક વિરોધી ટીમો પણ સારું રમે છે. અમે આયરલૅન્ડ સિરીઝથી જ પરિસ્થિતિ અને રમતનું મૂલ્યાંકન બરાબર કરી શક્યા નથી. - ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીર

અમે ખૂબ વાહિયાત પ્રદર્શન કર્યું. આટલા મોટા અંતરની હાર બિલકુલ સ્વીકાર્ય નથી. હાર સ્વીકારીને ફરી પ્લાનિંગ પર કામ કરવું પડશે. - ભારતીય કૅપ્ટન શ્રેયસ ઐયર

5

સતત આટલી ઇન્ટરનૅશનલ મૅચમાં જીત મેળવી ન શકનાર ભારતનો આઠમો કૅપ્ટન બન્યો શ્રેયસ ઐયર.

104

પહેલી ૧૫ T20 ઇન્ટરનૅશનલ ઇનિંગ્સમાં સૌથી વધુ આટલા સિક્સ મારવાને મામલે સૂર્યકુમાર યાદવના રેકૉર્ડની બરાબરી કરી અભિષેક શર્માએ.

ભારત પહેલી વખત સતત પાંચ T20 મૅચમાં જીત ન મેળવી શકી

૭૬ રન એ ભારતનો બીજો લોએસ્ટ ટીમ ટોટલ બન્યો, ૨૦૦૮માં ભારત ઑસ્ટ્રેલિયા સામે ૭૪ રને ઑલઆઉટ થયું હતું.

T20માં ભારતે પહેલી વખત પાવરપ્લે એટલે કે પહેલી ૬ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી. અગાઉ ૨૦૦૮માં ઑસ્ટ્રેલિયા સામે ૪૦ બૉલમાં પાંચ વિકેટ ગુમાવી હતી.

પહેલી વખત T20 ઇન્ટરનૅશનલ મૅચની ઇનિંગ્સમાં ભારતનો કોઈ બૅટર ૨૦ રનના આંકડા સુધી ન પહોંચી શક્યો.

૪૫મી વર્ષગાંઠે ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા પહોંચ્યો હતો ધોની

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ત્રીજી T20 મૅચ દરમ્યાન મહેન્દ્ર સિંહ ધોનીએ હાજરી આપીને સૌને ચોંકાવી દીધા હતા. પોતાની ૪૫મી વર્ષગાંઠે ધોની ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમના સ્ટૅન્ડ્સમાં પોતાના નજીકના મિત્રો સાથે જોવા મળ્યો હતો.

ચાહકો તરફથી ભૂતપૂર્વ વર્લ્ડ કપ ચૅમ્પિયન કૅપ્ટન ધોનીને આવતા અને જતા સમયે જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. સ્ટેડિયમમાંથી તેના ફોટો અને વિડિયો ઝડપથી સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા. બ્રૉડકાસ્ટિંગ ટીમે જ્યારે ધોનીને બિગ સ્ક્રીન પર દેખાડ્યો ત્યારે સ્ટેડિયમમાં હાજર દર્શકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. 

ભારત પહેલી વખત સતત પાંચ T20 મૅચમાં જીતનો સ્વાદ ન ચાખી શક્યું. છેલ્લી પાંચ મૅચમાં ૪માં હાર મળી અને વચ્ચે એક મૅચ રદ રહી. જૂન ૨૦૦૯ અને જુલાઈ ૨૦૨૧માં ભારતને સતત ૪ મૅચમાં હાર મળી હતી.

T20 મૅચમાં ભારત સૌથી ઓછી ૧૧.૪ ઓવર રમીને ઑલઆઉટ થયું. તેઓ અગાઉ ૨૦૧૫માં સાઉથ આફ્રિકા સામે ૧૭.૨ ઓવર રમીને તંબુભેગા થયા હતા.

ભારતને સૌથી મોટી પાંચ હારમાંથી ૪ હાર ડિસેમ્બર ૨૦૨૫થી મળી છે

ઇંગ્લૅન્ડ સામે ૨૦૨૬માં ૧૨૫ રને

ન્યુ ઝીલૅન્ડ સામે ૨૦૧૯માં ૮૦ રને

સાઉથ આફ્રિકા સામે ૨૦૨૬માં ૭૬ રને

સાઉથ આફ્રિકા સામે ૨૦૨૫માં ૫૧ રને

ન્યુ ઝીલૅન્ડ સામે ૨૦૨૬માં ૫૦ રને 

Whatsapp-channel Whatsapp-channel

09 July, 2026 11:50 AM IST | Nottingham | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK