બુમરાહનો બચાવ કરતાં વેન્ગસરકરે કહ્યું હતું કે ‘મારી ઇચ્છા હતી કે બુમરાહ બધી ટેસ્ટ માટે ઉપલબ્ધ રહે. જો એવું થયું હોત તો આપણે સિરીઝ જીતી શક્યા હોત
જસપ્રીત બુમરાહ, દિલીપ વેન્ગસરક
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના વર્કલોડ મૅનેજમેન્ટ વિશેની ચર્ચામાં ભૂતપૂર્વ કૅપ્ટન દિલીપ વેન્ગસરકરે પણ એન્ટ્રી મારી છે. તેઓ કહે છે કે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝના મહત્ત્વને અને બુમરાહની નાજુક પીઠને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI), સિલેક્ટર્સ અને ભારતીય ટીમ મૅનેજમેન્ટ દ્વારા તેને IPL 2025 રમવાનું ટાળવા માટે કહેવું જોઈતું હતું.
આ પ્રતિષ્ઠિત સિરીઝ માટે આપણી પાસે સંપૂર્ણપણે ફિટ અને ફ્રેશ બુમરાહ હોવો એ મહત્ત્વનું હતું એમ જણાવતાં દિલીપ વેન્ગસરકરે કહ્યું હતું કે ‘જો ભારતનો ચીફ સિલેક્ટર હોત તો હું મુકેશ અંબાણી (મુંબઈ ઇન્ડિયન્સના માલિક) અને બુમરાહને સમજાવી શક્યો હોત કે ઇંગ્લૅન્ડ સિરીઝ માટે IPL ચૂકી જવું અથવા IPLમાં ઓછી સંખ્યામાં મૅચ રમવી મહત્ત્વનું છે. મને ખાતરી છે કે તેઓ આમ કરવા માટે સંમત થયા હોત. IPLમાં બનાવેલા રન અને વિકેટ કોને યાદ છે? જ્યારે ટેસ્ટ-સિરીઝમાં મોહમ્મદ સિરાજ અને શુભમન ગિલ જેવા પ્લેયર્સનાં શાનદાર પ્રદર્શનને લોકો ચોક્કસ
યાદ રાખશે.’
ADVERTISEMENT
બુમરાહનો બચાવ કરતાં વેન્ગસરકરે કહ્યું હતું કે ‘મારી ઇચ્છા હતી કે બુમરાહ બધી ટેસ્ટ માટે ઉપલબ્ધ રહે. જો એવું થયું હોત તો આપણે સિરીઝ જીતી શક્યા હોત. તમે ક્યારેક મૅચ ચૂકી જવા માટે બુમરાહને દોષી ઠરાવી ન શકો. આપણે યાદ રાખવું જોઈએ કે બુમરાહની પીઠની સર્જરી થઈ છે. તેની પીઠ નબળી છે અને આપણે તેની સાથે સાવધ રહેવું જોઈએ. તમે દેશ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પર સવાલ ઉઠાવી ન શકો. જ્યારે પણ તે ભારત માટે રમ્યો છે ત્યારે તેણે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. મને આશા છે કે તે પૂરતો આરામ કર્યા પછી અને સંપૂર્ણપણે ફિટ થયા પછી ટીમ ઇન્ડિયા માટે પાછો ફરશે.’
જો હું ભારતીય ટીમનો ચીફ સિલેક્ટર હોત તો મેં વિરાટ કોહલીને ઇંગ્લૅન્ડ ટૂર પછી ટેસ્ટ-ક્રિકેટને અલવિદા કહેવા માટે સમજાવ્યો હોત. આપણને આ સિરીઝમાં તેના ક્લાસ અને અનુભવની જરૂર હતી. - ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન દિલીપ વેન્ગસરકર
IPL 2025 અને ઇંગ્લૅન્ડની ટૂરમાં જસપ્રીત બુમરાહનું પ્રદર્શન
ગયા વર્ષની ઑસ્ટ્રેલિયા ટૂરમાં બૉર્ડર-ગાવસકર ટ્રોફી ટેસ્ટ-સિરીઝમાં જસપ્રીત બુમરાહે સૌથી વધુ ૩૨ વિકેટ લીધી હતી. પીઠની ઇન્જરીને લીધે તે ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 નહોતો રમી શક્યો. IPL 2025 દરમ્યાન તેણે ૬.૬૭ની ઇકૉનૉમીથી રન આપીને ૧૨ મૅચમાં ૧૮ વિકેટ લીધી હતી અને ઇંગ્લૅન્ડની ટૂરમાં ત્રણ ટેસ્ટ-મૅચમાં તેણે ૧૪ વિકેટ લીધી હતી. ત્યાં તેણે ૩.૦૪ની ઇકૉનૉમી રેટથી રન આપ્યા હતા.


