પચીસ વર્ષ બાદ ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત અને ન્યુ ઝીલૅન્ડની ટક્કર : જોકે ICC ઇવેન્ટ્સની નૉકઆઉટ મૅચોમાં કિવીઓ સામે માત્ર એક મૅચ જીતી છે ટીમ ઇન્ડિયા, સામે દુબઈમાં ન્યુ ઝીલૅન્ડ એક પણ વન-ડે મૅચ નથી જીત્યું
પ્રૅક્ટિસ દરમ્યાન કૅપ્ટન રોહિત શર્મા, હેડ કોચ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી લાંબી ચર્ચા કરતા જોવા મળ્યા હતા, જ્યારે ટીમ ઇન્ડિયાના બન્ને મજબૂત ગુજરાતી ઑલરાઉન્ડર અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા હળવા મૂડમાં જોવા મળ્યા હતા.
ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે આજે બપોરે ૨.૩૦ વાગ્યાથી ચૅમ્પિયન્સ ટ્રોફીની નવમી સીઝનની ફાઇનલ મૅચનો જંગ જામશે. ફાઇનલ સુધીની સફરમાં રોહિત ઍન્ડ કંપની અજેય રહી છે, જ્યારે મિચલ સૅન્ટનરની ટીમ ભારત સામેની ગ્રુપ-સ્ટેજ મૅચમાં એકમાત્ર હારનો સામનો કરીને અહીં સુધી પહોંચી છે. જોકે કિવીઓએ સેમી-ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે આ ટુર્નામેન્ટનો હાઇએસ્ટ ૩૬૨ રનનો સ્કોર કરીને દુનિયાને સ્પષ્ટ મેસેજ આપી દીધો છે કે ફાઇનલ એકતરફી તો નહીં જ રહેશે. ન્યુ ઝીલૅન્ડ ૨૦૦૯ બાદ પહેલી વાર અને ભારત સળંગ ત્રીજી વાર આ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ રમશે.
૨૦૦૦માં કેન્યાના નૈરોબીમાં ન્યુ ઝીલૅન્ડ ભારતને ચાર વિકેટે હરાવીને પહેલી વાર ચૅમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ જીત્યું હતું. પચીસ વર્ષ બાદ ફરી તેઓ ભારતને હરાવીને આ ટ્રોફી જીતવાનો પ્રયાસ કરશે. બન્ને ટીમ વચ્ચે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં બે મૅચ રમાઈ છે અને બન્નેએ એક-એક મૅચ જીતી છે. ઓવરઑલ ICC વન-ડે ઇવેન્ટ્સમાં બન્ને ટીમ વચ્ચે ૧૩ મૅચ રમાઈ છે જેમાં જીતનો રેકૉર્ડ ૬-૬ રહ્યો છે, જ્યારે એક મૅચ નો-રિઝલ્ટ રહી છે. બન્ને ટીમ વચ્ચેની ICC ઇવેન્ટ્સની નૉકઆઉટ મૅચના આંકડા ભારતીય ફૅન્સને ચિંતામાં મૂકી શકે છે, કારણ કે નૉકઆઉટ મૅચોમાં કિવી ટીમ ભારત સામે ચારમાંથી ત્રણ મૅચ જીતી છે અને ભારત એકમાત્ર ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં કિવી ટીમને હરાવવામાં સફળ રહ્યું હતું.
ADVERTISEMENT
કૅપ્ટન મિચલ સૅન્ટનર સાથે ન્યુ ઝીલૅન્ડના પ્લેયર.
દુબઈમાં રેકૉર્ડ
દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં વન-ડે ક્રિકેટ રમતી વખતે ભારત અપરાજિત (૧૦ મૅચમાંથી નવમાં વિજય, એક ટાઇ) રહ્યું છે, જ્યારે ન્યુ ઝીલૅન્ડ એક પણ મૅચ જીત્યું નથી (ત્રણમાંથી બે હાર, એક નો-રિઝલ્ટ). દુબઈમાં બીજી માર્ચે થયેલી એકમાત્ર વન-ડે ટક્કરમાં કિવીઓએ ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
નેટ્સમાં પ્રૅક્ટિસ દરમ્યાન રચિન રવીન્દ્ર.
વન-ડે હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૧૧૯ |
ભારતની જીત |
૬૧ |
ન્યુ ઝીલૅન્ડની જીત |
૫૦ |
નો-રિઝલ્ટ |
૭ |
ટાઇ |
૧ |
જો કોઈ ભારત જેવા મજબૂત દાવેદારને હરાવી શકે તો એ છે ન્યુ ઝીલૅન્ડ: રવિ શાસ્ત્રી
ભારતના ભૂતપૂર્વ હેડ કોચ શાસ્ત્રીએ ધ ICC રિવ્યુ શોમાં કહ્યું છે, ‘જો કોઈ ટીમ ભારત જેવા મજબૂત દાવેદારને હરાવી શકે તો એ ન્યુ ઝીલૅન્ડ છે. વિરાટ કોહલી, કેન વિલિયમસન અને અમુદ હદ સુધી રચિન રવીન્દ્ર લાંબા સમય સુધી રમી શકે છે. મિચલ સૅન્ટનર ખૂબ જ બુદ્ધિશાળી છે અને તેને કૅપ્ટન્સીનો આનંદ આવી રહ્યો છે. આનાથી તેને બૅટ્સમૅન, બોલર અને ક્રિકેટર તરીકે ફાયદો થઈ રહ્યો છે. ફાઇનલમાં પ્લેયર ઑફ ધ મૅચ કોઈ ઑલરાઉન્ડર હશે. તે ભારત તરફથી અક્ષર પટેલ અથવા રવીન્દ્ર જાડેજા અને ન્યુ ઝીલૅન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સ હોઈ શકે છે.’
બન્ને ટીમના હાઇએસ્ટ ઍક્ટિવ વિકેટટેકર
મોહમ્મદ શમી : ૧૫ મૅચમાં ૩૭ વિકેટ
કુલદીપ યાદવ : ૧૨ મૅચમાં બાવીસ વિકેટ
મૅટ હેન્રી : ૧૧ મૅચમાં ૨૧ વિકેટ
હાર્દિક પંડ્યા : ૧૫ મૅચમાં ૧૬ વિકેટ
મિચલ સૅન્ટનર : ૨૪ મૅચમાં ૧૫ વિકેટ
બન્ને ટીમના હાઇએસ્ટ ઍક્ટિવ રન-સ્કોરર
વિરાટ કોહલી : ૩૨ મૅચમાં ૧૬૫૬ રન
કેન વિલિયમસન : ૩૦ મૅચમાં ૧૨૨૮ રન
રોહિત શર્મા : ૩૦ મૅચમાં ૯૯૭ રન
ટૉમ લૅધમ : ૨૬ મૅચમાં ૮૯૦ રન
શુભમન ગિલ : ૧૧ મૅચમાં ૫૯૨ રન
ICC નૉકઆઉટ મૅચોમાં બન્ને ટીમની ટક્કર
૨૦૦૦ ચૅમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ : કિવીઓની ૪ વિકેટે જીત
૨૦૧૯ વન-ડે વર્લ્ડ કપ સેમી-ફાઇનલ : કિવીઓની ૧૮ રને જીત
૨૦૨૧ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ : કિવીઓની ૮ વિકેટે જીત
૨૦૨૩ વન-ડે વર્લ્ડ કપ સેમી-ફાઇનલ : ભારતની ૭૦ રને જીત

