તે આગામી બાવીસમી મેએ ઝિમ્બાબ્વે સામેની એકમાત્ર ટેસ્ટ-મૅચથી ક્રિકેટના મેદાન પર વાપસી કરશે.
ઇંગ્લૅન્ડનો ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટોક્સ
ગયા વર્ષે ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટ અને ન્યુ ઝીલૅન્ડ ટેસ્ટ-ટૂર દરમ્યાન હૅમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે ઇંગ્લૅન્ડનો ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટોક્સ ક્રિકેટના મેદાન પર વાપસી કરી શક્યો નથી. તેણે આ ઇન્જરીની સારવાર દરમ્યાન આલ્કોહોલ છોડી દીધો છે. ડિસેમ્બર ૨૦૨૪થી બેન સ્ટોક્સ ક્રિકેટ રમ્યો નથી. તે આગામી બાવીસમી મેએ ઝિમ્બાબ્વે સામેની એકમાત્ર ટેસ્ટ-મૅચથી ક્રિકેટના મેદાન પર વાપસી કરશે.
૩૩ વર્ષના આ ઑલરાઉન્ડરે એક પૉડકાસ્ટમાં ખુલાસો કર્યો કે ‘મને મારી પહેલી મોટી ઈજાનો આઘાત યાદ છે અને હું વિચારી રહ્યો હતો કે આ કેવી રીતે થયું? મેં વિચાર્યું કે ચાર-પાંચ રાત થોડું (આલ્કોહોલ) ડ્રિન્ક લીધું હતું, શું એની કોઈ અસર થઈ હશે? પછી મેં વિચાર્યું કે હું જે કરું છું એમાં ફેરફાર કરવો પડશે. મને નથી લાગતું કે હું ક્યારેય એનાથી સંપૂર્ણપણે છુટકારો મેળવી શકીશ, પરંતુ મેં બીજી જાન્યુઆરીથી આલ્કોહોલનું સેવન કર્યું નથી. મેં મારી જાતને કહ્યું કે જ્યાં સુધી હું મારી ઇન્જરીની સારવાર પૂર્ણ ન કરું અને મેદાન પર પાછો ન આવી જાઉં ત્યાં સુધી આલ્કોહોલને ના કહીશ.’


