૧૯૬ રનના ટાર્ગેટને માત્ર એક વિકેટે ૧૭મી ઓવરમાં જ ચેઝ કરી લીધો એબી ડિવિલિયર્સની ટીમે, પાકિસ્તાન સળંગ બીજી વાર ફાઇનલ મૅચ હારી ગયું
સાઉથ આફ્રિકા ચૅમ્પિયન્સના પ્લેયર્સે ટ્રોફી જીત્યા બાદ ટ્રેન્ડિંગ ઓરા ફાર્મિંગ ડાન્સ કર્યો હતો.
ઇંગ્લૅન્ડમાં આયોજિત વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (WCL)ની બીજી સીઝનમાં એબી ડિવિલિયર્સના નેતૃત્વવાળી સાઉથ આફ્રિકા ચૅમ્પિયન્સ ટીમ વિજેતા બની છે. પહેલી સીઝનમાં ઇન્ડિયા ચૅમ્પિયન્સ સામે હાર્યા બાદ પાકિસ્તાનને બીજી સીઝનની ફાઇનલમાં આફ્રિકન ટીમ સામે નવ વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઇનલ પહેલાં પાકિસ્તાન એક પણ મૅચ હાર્યું નહોતું, જ્યારે સાઉથ આફ્રિકાને માત્ર પાકિસ્તાન સામે એક હાર મળી હતી.
એજબૅસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાકિસ્તાને ઓપનર શરજીલ ખાન (૪૪ બૉલમાં ૭૬ રન)ની મોટી ઇનિંગ્સના આધારે પાંચ વિકેટ ગુમાવીને ૧૯૫ રન કર્યા હતા. સાઉથ આફ્રિકાએ કૅપ્ટન એબી ડિવિલિયર્સ (૬૦ બૉલમાં ૧૨૦ રન) અને જેપી ડુમિની (૨૮ બૉલમાં ૫૦ રન)ની અણનમ ઇનિંગ્સના આધારે ૧૬.૫ ઓવરમાં ૧૯૭ રન કરીને ૧૯૬ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. મોહમ્મદ હાફિઝના નેતૃત્વ હેઠળની ભૂતપૂર્વ પાકિસ્તાન પ્લેયર્સની ટીમે સાત બોલર્સનો ઉપયોગ કર્યો હોવા છતાં એક જ સફળતા મળી હતી.
ADVERTISEMENT
ફાઇનલ મૅચમાં ૧૨ ફોર અને સાત સિક્સર ફટકારનાર એબી ડિવિલિયર્સ ૪૧ વર્ષની ઉંમરે એક ઍક્ટિવ ઇન્ટરનૅશનલ પ્લેયર્સની જેમ રહ્યો હતો. તેની પહેલી જ સીઝનમાં ડિવિલિયર્સે ૧૦ દિવસમાં ત્રણ સદી અને એક ફિફ્ટી ફટકારીને ૬ મૅચમાં ૪૨૯ રન કર્યા હતા. તે ફાઇનલમાં પ્લેયર ઑફ ધ મૅચની સાથે પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ પણ જીત્યો હતો.
અમે પણ પાકિસ્તાનીઓને હરાવ્યા હોત, પરંતુ અમે અમારા દેશને પ્રાથમિકતા આપી : સુરેશ રૈના
વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (WCL) 2025ની ફાઇનલમાં પાકિસ્તાન ચૅમ્પિયન્સને કારમી હાર આપવા બદલ ભૂતપૂર્વ ભારતીય પ્લેયર્સે સાઉથ આફ્રિકા ચૅમ્પિયન્સને સોશ્યલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવી હતી. ઇન્ડિયા ચૅમ્પિયન્સના પ્લેયર સુરેશ રૈનાએ સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘ફાઇનલમાં એબી ડિવિલિયર્સે ગજબની ઇનિંગ્સ રમી. જો અમે રમ્યા હોત તો અમે પણ તેમને (પાકિસ્તાની ટીમ) હરાવ્યા હોત, પરંતુ અમે અમારા દેશને પ્રથમ સ્થાન આપ્યું હતું.’
પહલગામ આંતકી હુમલા બાદ દેશમાં પાકિસ્તાન સામે ભારે રોષ હતો. દેશવાસીઓની લાગણીને માન આપીને યુવરાજ સિંહના નેતૃત્ત્વ હેઠળની ઇન્ડિયા ચૅમ્પિયન્સ ટીમે પાકિસ્તાન સામેની ગ્રુપ સ્ટેજ અને સેમી ફાઇનલ મૅચમાં રમવાનો ઇનકાર કરી દીધો હતો.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે WCLની ભાવિ સીઝનમાં પોતાના ક્રિકેટર્સના ભાગ લેવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો
વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (WCL)ની ભાવિ સીઝનમાં હવે પાકિસ્તાનના પ્લેયર્સ રમતા નહીં જોવા મળે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ઇન્ડિયા ચૅમ્પિયન્સ દ્વારા પાકિસ્તાન ચૅમ્પિયન્સ સામેની સતત બે મૅચ રમવાનો ઇનકાર કર્યા બાદ મોટો નિર્ણય લીધો છે. બોર્ડ ઑફ ગવર્નર્સની બેઠકમાં પાકિસ્તાન બોર્ડે મૅચ રદ કરવાના નિર્ણય બદલ ટુર્નામેન્ટના આયોજકો પર પક્ષપાતી અને રમતગમતની પ્રામાણિકતાનો અભાવ હોવાનો આરોપ લગાવ્યો છે.
બોર્ડ મીટિંગમાં કહેવામાં આવ્યું કે ‘આપણા પ્લેયર્સને એવી ઇવેન્ટ્સમાં ભાગ લેવાની મંજૂરી આપી ન શકાય જ્યાં પક્ષપાતી રાજકારણ દ્વારા રમતગમતની ભાવનાને ઢાંકી દેવામાં આવી રહી હોય. સંપૂર્ણ પ્રતિબંધ લાદવા સિવાય કોઈ વિકલ્પ નથી.’
અહેવાલમાં જણાવ્યા અનુસાર બૉલીવુડ અભિનેતા અજય દેવગનની સહમાલિકી ધરાવતી WCLના ભારતીય પ્રમોટર્સ પહેલાંથી જ ટુર્નામેન્ટની ભાવિ આવૃત્તિઓમાંથી પાકિસ્તાનની ટીમને બહાર પાડવાનું વિચારી રહ્યા હતા.


