Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > કોરોના : કાલે, આજે અને આવતી કાલે

કોરોના : કાલે, આજે અને આવતી કાલે

15 March, 2020 05:11 PM IST | Mumbai Desk
Dinkar Joshi

કોરોના : કાલે, આજે અને આવતી કાલે

કોરોનાવયરસ

કોરોનાવયરસ


વાઇરસ શબ્દ આપણા માટે નવો નથી. ગુજરાતી માધ્યમમાં માધ્યમિક ધોરણમાં ભણનારાઓ આ શબ્દને જીવાણુ, વિષાણુ, કીટાણુ જેવા શબ્દોથી ઓળખે છે. કમ્પ્યુટરયુગનો આરંભ થયા પછી આ શબ્દ આપણા માટે લગભગ ઘરેલુ બની ગયો છે. જેની ઑફિસમાં અથવા ઘરે કમ્પ્યુટર હોય અને દરરોજ કોઈ ને કોઈ કારણસર વાઇરસ શબ્દ ન બોલાય એવું ભાગ્યે જ બને છે. આજકાલ આ વાઇરસ શબ્દ આપણા સૌ માટે ભારે બિહામણો બની ગયો છે.
આનું કારણ કોરોના વાઇરસ છે. કોરોના શબ્દ કાને પડતાંવેંત આપણે ચોંકી ઊઠીએ છીએ. આ વાઇરસ આપણને એવા રોગ તરફ દોરી જાય છે જે રોગ વિશે આપણે ખાસ કશું જાણતા નથી. એની સારવાર કે દવાની વાત તો દૂર રહી, એ શા માટે થાય છે એનું ભરોસાપાત્ર કારણ પણ આપણને હજી સુધી મળ્યું નથી. રોગચાળો પ્રસરવો એ વાત કંઈ માનવજાત માટે નવી નથી. વીસમી સદીના આરંભે કાળિયો તાવ, ઇન્ફલુએન્ઝા, કોલેરા, પ્લેગ જેને આપણે મરકી કહેતા અને શીતળા, આ બધાએ વારાફરતી માણસ પર આક્રમણો કર્યાં છે. આ બધા રોગ હવે વધતાઓછા અંશે સાવ નાબૂદ થઈ ગયા છે. મરકીનો રોગ આમાં સૌથી વધુ ભયંકર હતો. આ રોગચાળો જેમણે જોયો હોય એવું કોઈ જીવિત હોવાનું સંભવ છે જ નહીં, પણ જેમણે આ રોગચાળો જોયો હોય અને પોતાના એ બિહામણા અનુભવની વાત તેમણે તેમની પછીની બીજી પેઢીને કરી હોય એવી બીજી પેઢી હજી ક્યાંક-ક્યાંક હયાત છે ખરી! (આ લખનારનો સમાવેશ બીજી પેઢીમાં થાય છે) મારા પિતાજી કહેતા કે ‘તે દિવસોમાં સ્મશાનમાં મૃતદેહોની અગ્નિસંસ્કાર માટે વારો આવે એની લાઇન લાગતી.’ મુંબઈના સોનાપુર સ્મશાનમાં મારા પિતાજીના મોટા ભાઈને લઈ જવાયા ત્યારે તેમનો વારો ૬ કલાકે આવ્યો હતો.
માનવવસ્તી દિવસે-દિવસે વધતી જાય છે. આજે એ આંકડો લગભગ ૭ અબજે પહોંચ્યો છે. એકાદ વરસ પહેલાં આ આંકડો છએક અબજની આસપાસ હતો. હવે બીજા એક અબજના વધારા માટે ૫૦ વરસ નહીં લાગે. ૩૦ કે ૪૦ વરસમાં જ એ કામ પતી જશે. અર્થશાસ્ત્રમાં માલ્થુસિયન થિયરી ઑફ પૉપ્યુલેશન શીખવવામાં આવે છે. તદ્નુસાર વસ્તીવધારો ૧, ૨, ૩, ૪ એમ નથી થતો પણ ૧, ૨, ૪, ૮, ૧૬ એ ક્રમથી થાય છે. આ વસ્તીવધારો કુદરતી આદેશ અનુસાર પણ રોકાય છે. યુદ્ધ કે રમખાણોથી લાખો માણસો મૃત્યુ પામે છે એ જ રીતે ભૂકંપ કે એવી જ કુદરતી આપત્તિઓ પણ વસ્તીવધારો રોકવામાં મદદ કરે છે. અર્થશાસ્ત્રનો એક ઉદારમતવાદી અભિપ્રાય એવું પણ શીખવે છે કે a baby comes with not one mouth only but with two hands also. આનો અર્થ સ્પષ્ટ છે. નવું જન્મ લેનારું બાળક વસ્તીવધારો તો કરે છે, પણ આ બાળકને ઈશ્વરે બે હાથ પણ આપ્યા હોય છે અને આ બે હાથ કામ કરી શકે એટલી જમીન અને સંપત્તિ જગત પર પથરાયેલી જ છે.
ઈશ્વરે પૃથ્વી પર આપણને જેટલી જમીન અને સંપત્તિ આપી છે એ બધાનો આપણે ઉચિત ઉપયોગ કરીએ છીએ ખરા? ૩૦ ટકા જમીન અને ૭૦ ટકા પાણી આ પૃથ્વી પર પથરાયેલાં છે. સાત અબજની વસ્તી વચ્ચે ૩૦ ટકા જમીનનું વિતરણ યોગ્ય માત્રામાં થયું છે એવું કહી શકાય એમ નથી. જમીન પરના પારાવાર હિસ્સા વપરાયા વિનાના છે. ભૂમિગત અને સમુદ્રના જળરાશિ વચ્ચે કરવા જેવાં સંખ્યાબંધ કામ માણસ હજી કરી શક્યો નથી. સમસ્યા સંપત્તિની નથી, સંપત્તિના વિતરણની છે.
કોરોના વાઇરસના હાઉ વચ્ચે ગાંધીજીએ કહેલી એક વાત યાદ આવી જાય છે. ૧૯૦૯માં ગાંધીજીએ તેમનું જીવનદર્શન કહી શકાય એવું એક નાનકડું પુસ્તક ‘હિન્દ સ્વરાજ’ લખ્યું છે. આ પુસ્તકમાં તેમણે હિન્દીસ્તાનમાં ફેલાતા રોગચાળાનું મુખ્ય કારણ રેલવે-વ્યવહારને ગણાવ્યું છે. બિહારમાં ફેલાયેલો એક રોગ ઝડપભેર પ્રવાસીઓની હેરફેર રેલવે-વ્યવહાર મારફત થતી હોવાને કારણે ગુજરાત સુધી ફેલાઈ જાય છે. જો રેલવે-વ્યવહારનો અભાવ હોય અને બધી અવરજવર પગપાળા કે ગાડા જેવા કોઈ વાહન મારફત થતી હોય તો રોગના જંતુઓ મર્યાદિત વિસ્તારમાં જ પ્રસરે. ગાંધીજીનો આ વિચાર જોકે વર્તમાન યુગમાં સ્વીકારી શકાય એવો નથી, પણ આમ છતાં કોરોના જેવો વાઇરસ આજે આપણી નજર સામે જ છે. દુનિયાના એક છેડાથી બીજા છેડા સુધી આ વાઇરસ ઝડપી વાહનવ્યવહારને કારણે જ પ્રસરી ચૂક્યો છે એનો ઇનકાર થઈ શકે એમ નથી.
માણસને પૃથ્વી પર રહેવું છે અને પૃથ્વીને પોતાની અનુકૂળતા પ્રમાણે સુખદાયી બનાવવી છે. પૃથ્વી જેવી છે એવા સ્વરૂપે એને સુખ ભોગવવું નથી. સુખની વ્યાખ્યા તે પોતે જ નક્કી કરે છે અને એ વ્યાખ્યાનો વિસ્તાર પણ મામકા અને પાંડવા જેવો કરે છે. સુખ અહીં અટકી જાય છે. આ અટકેલા સુખને જોઈને સુખી હોવા છતાં માણસ દુખી થઈ જાય છે. કોરોના જેવા વાઇરસ તેનામાં મૃત્યુનો ડર ઉમેરે છે. માણસ જેને સુખ માને છે એ સુખનો મૃત્યુ સાથે જ અંત આવે છે. દુઃખનું કારણ વધી જાય છે. એક રીતે જોઈએ તો દુઃખનું આ કારણ તેણે પોતે જ વધાર્યું છે. પ્રાકૃતિક નિયમ પ્રમાણે મૃત્યુ પ્રત્યેક જાતકને સાંપડેલી એક અવસ્થા છે. માણસ જન્મે છે ત્યારે શિશુ અથવા બાલ્યાવસ્થામાં હોય છે. એ અવસ્થા થોડા સમય પછી આપોઆપ સમાપ્ત થાય છે અને કિશોરાવસ્થાનો આરંભ થાય છે. આ કિશોરાવસ્થા પણ પૂરી થાય છે અને એ તરુણાવસ્થામાં દાખલ થાય છે. તરુણાવસ્થાની સમાપ્તિ સાથે જ યૌવનાવસ્થા અને પછી પ્રૌઢાવસ્થા આવીને ઊભી રહે છે. પ્રૌઢાવસ્થા પછી જે રીતે વૃદ્ધાવસ્થા અને છેલ્લે જીર્ણાવસ્થા આવે છે એ જ રીતે જીર્ણાવસ્થાને અંતે મૃત્યુ એક અવસ્થા તરીકે શરીર પર હાવી થઈ જાય છે. આમ આ બધું કાળક્રમે સ્વાભાવિક છે. સમય અને નિમિત્ત ક્યારે અને કેમ આવશે એ આપણે જાણતા નથી.
પૃથ્વી પરના આપણે વ્યાખ્યાબદ્ધ કરેલાં સુખોને વધુ લાંબો સમય સુધી માણવા માટે આપણી આયુમર્યાદા બને ત્યાં સુધી લંબાવીએ છીએ. ગયા સૈકામાં માણસજાતની જે આયુમર્યાદા હતી એમાં આપણે ખાસ્સો વધારો કર્યો છે. ૬૦ વર્ષનો માણસ હવે આપણને વૃદ્ધ નથી લાગતો. આપણા દાદા અથવા દાદી ૬૦ વર્ષની વયે કેવાં વૃદ્ધ થઈ ગયાં હતાં એ યાદ કરીએ ત્યારે સમજાય છે કે આપણે હજી કેટલા બધા જુવાન છીએ. આધુનિક વિજ્ઞાને આ શક્ય બનાવ્યું છે. શરીર સ્વાસ્થ્ય વિશેની સભાનતા વધી છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારી છે. આમ શરીર માટેની સ્વાભાવિક અવસ્થા મૃત્યુને આપણે પાછળ ઠેલીએ છીએ.
લાંબું જીવવું એનાથી જ કાંઈ આ સુખ માટેનાં વલખાં પૂરાં નથી થતાં. આપણે લાંબું જીવીએ એનાથી સુખની જે માત્રા પૃથ્વી પર આપણે પેદા કરીએ એનું પ્રમાણ ઘટતું જાય એવો એક કલ્પિત ભય પણ માણસને ઘેરી વળે છે. આ ભયનો પ્રતિકાર કરવા કોઈ નવું આગંતુક અંદર આવીને પોતે માની લીધેલા સુખમાં ભાગ ન પડાવે એ માટે વસ્તીનિયંત્રણ એ નામનું મોહક સૂત્ર પ્રજામાં પ્રચલિત કરે છે. ભીડના સમયે ગાડીના ડબ્બામાં દાખલ થતા નવા મુસાફરોને જોઈને અંદર બેઠેલા મુસાફરો જે ભાવ અનુભવે છે એવી જ કોઈક વિભાવના અહીં દેખાય છે.
મરવું કોઈને ગમતું નથી, કહેવાતું જીવન કહેવાતાં દુખોથી છલોછલ ભર્યું હોય તો પણ. પછી એનું કારણ કોરોનાને સાંપડે કે બીજા કોઈને. વાસ્તવમાં આપણા અપ્રાકૃતિક જીવનને કારણે જ કદાચ કોરોના અને એની માસિયાઈ બહેનોનો જન્મ થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2020 05:11 PM IST | Mumbai Desk | Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK