મારપીટે એટલું હિંસક સ્વરૂપ ધારણ કર્યું કે દુલ્હો અને તેના પિતા ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. જાનૈયાઓ વચ્ચે પડીને બન્ને ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલ લઈને ભાગ્યા
લગ્નમાં DJ પર ડાન્સ કરવા બાબતે દુલ્હનના ગામવાળાએ દુલ્હાની પિટાઈ કરીને મારી નાખ્યો
ઉત્તર પ્રદેશના ગાઝીપુર પાસેના જગદીશપુર ગામમાં હચમચાવી નાખતી એક ઘટના બની છે. મૂળ ત્રિલોકપુર ગામના રાકેશનાં લગ્ન જગદીશપુર ગામની રાજકુમારી સાથે થવાનાં હતા. ગુરુવારે રાતે રાકેશની જાન જગદીશપુર પહોંચી હતી અને વરમાળાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે જ DJ પર ડાન્સ કરવાને લઈને છોકરાઓમાં કોઈ વિવાદ થયો હતો. વાત વણસે નહીં એ માટે દુલ્હાના પિતા છોકરાઓને સમજાવવા ગયા તો સામેવાળાઓએ તેમના પર હુમલો કરી દીધો. એ જોઈને દુલ્હો ત્યાં દોડી ગયો અને પપ્પાને બચાવીને લોકોને શાંત કરવા લાગ્યો. જોકે સ્થાનિક ગ્રામજનોએ લાકડી અને તમંચાથી હુમલો કરી દીધો હતો. આ મારપીટે એટલું હિંસક સ્વરૂપ ધારણ કર્યું કે દુલ્હો અને તેના પિતા ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. જાનૈયાઓ વચ્ચે પડીને બન્ને ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલ લઈને ભાગ્યા. બન્નેને વારાણસીની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં રાતે સારવાર દરમ્યાન દુલ્હાનું મૃત્યુ થયું હતું. પરિવાર ગયો હતો દીકરા માટે વહુ લેવા, પરંતુ દીકરો ખોઈને પાછા આવ્યા હતા.

