ઉત્તર પ્રદેશના હરદોઈમાં સાપ કરડ્યા બાદ ૨૧ વર્ષનો અરુણ ગંભીર હાલતમાં હતો. ડૉક્ટરની સલાહ બાદ તેના ભાઈ આકાશે તેને જાગતો રાખવા માટે એક કલાકમાં ૧૫૦થી વધુ થપ્પડ મારી હતી. ૧૫ એન્ટિ-વેનમ ઇન્જેક્શન બાદ અરુણનો જીવ બચ્યો હતો.
ઝેરી સાપ કરડ્યા પછી જીવ બચાવવા યુવકને ૧૫૦ થપ્પડ મારી
ઉત્તર પ્રદેશના હરદોઈમાં ૨૧ વર્ષનો અરુણ નામનો યુવક ૧૫ ઑગસ્ટે તેના મોટા ભાઈ આકાશ સાથે ખેતરમાં પાણી વાળવા માટે ગયો હતો. એ વખતે ઘાસની બોરી ઉઠાવવા જતી વખતે એક ઝેરી સાપ તેને કરડ્યો હતો. તેનો મોટો ભાઈ આકાશ તરત જ અરુણને ઊંચકીને મેડિકલ કૉલેજ લઈ ગયો હતો. ત્યાં ડૉક્ટરોએ સારવાર દરમ્યાન આકાશને કહ્યું હતું કે અરુણને જીવતો રાખવો હોય તો દવાની અસર થાય ત્યાં સુધી તેને સૂવા નથી દેવાનો. આકાશે ભાઈને સતત જાગતો રાખવા માટે તેના ચહેરા પર સતત થપ્પડો માર્યા કરી. એક કલાકમાં ૧૫૦થી વધુ થપ્પડો મારી અને એક કરતાં વધુ ઍન્ટિ-વેનમ ઇન્જેક્શન્સ લગાવ્યા પછી અરુણ ભાનમાં આવ્યો હતો. તેના શરીરમાં ઝેર ખૂબ ફેલાઈ ચૂક્યું હતું એટલે કુલ ૧૫ ઍન્ટિ-વેનમ ઇન્જેક્શન પછી તેના જીવ પરથી ખતરો ટળ્યો હતો.
