સોશ્યલ મીડિયા પર એક યુઝરે રેસ્ટોરાંના બિલમાં લખેલા ભાવ અને એ જ ઑર્ડર માટે ઝોમાટોએ દર્શાવેલા ભાવ વચ્ચે રહેલા ભારેખમ તફાવત વિશે એક પોસ્ટ મૂકીને ઑનલાઇન ઊહાપોહ જગાવ્યો છે.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
સોશ્યલ મીડિયા પર એક યુઝરે રેસ્ટોરાંના બિલમાં લખેલા ભાવ અને એ જ ઑર્ડર માટે ઝોમાટોએ દર્શાવેલા ભાવ વચ્ચે રહેલા ભારેખમ તફાવત વિશે એક પોસ્ટ મૂકીને ઑનલાઇન ઊહાપોહ જગાવ્યો છે. આ પોસ્ટમાં ચાઇનીઝ ભેલ અને વેજ મન્ચુરિયન માટે રેસ્ટોરાંના બિલના ફોટો સાથે મોબાઇલ સ્ક્રીનમાં ઝોમાટો ઍપમાં એ જ બે ડિશના ભાવ બતાવ્યા છે. યુઝરે ઝોમાટોને ટૅગ કરીને લખ્યું હતું કે ‘મારા ઑર્ડરની રિયલ પ્રાઇસ ૩૨૦ રૂપિયા છે, પણ ઝોમાટો પર એ ૬૫૫ રૂપિયા દેખાડે છે. ડિસ્કાઉન્ટ પછી પણ ૫૫૦ રૂપિયાનું બિલ છે. આ તો ભયંકર કહેવાય. કસ્ટમર્સ પાસેથી ખૂબ વધુ પડતો ચાર્જ લેવામાં આવી રહ્યો છે.’
જોકે ઑનલાઇન લોકોએ આ પોસ્ટને બન્ને તરફના પ્રતિભાવો આપ્યા હતા. કેટલાક લોકોએ આ યુઝરની માનસિકતાને એમ કહીને વખોડી હતી કે ‘તમારે ઘેરબેઠાં સર્વિસ જોઈતી હોય તો એની કિંમત ચૂકવવી પડે. આ બિઝનેસ મૉડલ છે. ઝોમાટો કંપની છે, ચૅરિટી નથી.’
ADVERTISEMENT
બીજી તરફ લોકોએ યુઝરની વાતને સપોર્ટ પણ કરી હતી અને કહ્યું હતું કે ડિલિવરી પ્લૅટફૉર્મને કારણે હવે મોટા ભાગની રેસ્ટોરાંએ એમની પોતાની ઇન-હાઉસ ડિલિવરી સર્વિસ બંધ કરી દીધી છે અને એની કિંમત લોકોએ ચૂકવવી પડે છે, આ સર્વિસથી જાણીજોઈને લોકો વધારે કિંમતો પણ ચૂકવી રહ્યા છે.
મહત્ત્વની વાત છે કે આ જ સવાલ પર થોડા સમય પહેલાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ભારતના ૩૫૯ જિલ્લાઓમાં ડિલિવરી ઍગ્રીગેટર સર્વિસ વાપરીને ફૂડ ઑર્ડર કરતા ૭૯,૦૦૦થી વધુ કસ્ટમર્સે એમનો પ્રતિભાવ આપ્યો હતો. આ સર્વેમાં પંચાવન ટકા કસ્ટમરે એ વાત સ્વીકારી હતી કે ઍપ્સ પર જે પ્રાઇસ લિસ્ટ કરવામાં આવી હોય છે એ રેસ્ટોરાં દ્વારા જે પ્રાઇસ લેવામાં આવે એના કરતાં ઘણી વધારે હોય છે.


