બધી ગેમ્સ પૂરી થાય પછી ચીફ ગેસ્ટ આવવાના હતા. એ કારણે ખેલાડીઓમાં હળવી નારાજગી જોવા મળી હતી
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
તાજેતરમાં મધ્ય પ્રદેશના છતરપુરમાં એક રસપ્રદ ઘટના બની હતી. ચંદલા જિલ્લામાં ‘સાંસદ ખેલ મહોત્સવ’માં પહોંચેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય વી. ડી. શર્મા પર એક વિદ્યાર્થિનીએ પોતાનો ગુસ્સો ઠાલવી દીધો હતો. એટલું જ નહીં, આ આખી ઘટના કૅમેરામાં કેદ થઈ જતાં એનો વિડિયો ખૂબ વાઇરલ થયો હતો.
સ્થાનિક રિપોર્ટ્સમાં એવું જણાવાયું હતું કે આ મહોત્સવમાં ભાગ લેનારા ખેલાડીઓ-વિદ્યાર્થીઓને સવારે ૯-૧૦ વાગ્યે મેદાનમાં બોલાવી લેવાયા હતા, જ્યારે કાર્યક્રમ બપોરે ૩ વાગ્યાની આસપાસ શરૂ થયો હતો. એ કારણે ભૂખ્યા વિદ્યાર્થીઓની ધીરજ ખૂટી ગઈ હતી. બપોરે મેદાનમાં પહોંચેલા વી. ડી. શર્મા જ્યારે લાઇનમાં ઊભેલા ખેલાડીઓ સાથે વાત કરવા ‘નમસ્તે’ કહીને આગળ આવ્યા ત્યારે એક વિદ્યાર્થિનીએ કંટાળેલા સ્વરે કહ્યું હતું કે ‘નમસ્તે તો ઠીક છે? પણ અમે ક્યારના અહીં તમારી રાહ જોઈ રહ્યા છીએ. અમારી પાસે શું ફાલતુ ટાઇમ છે?’
ADVERTISEMENT
આ સાંભળીને વી. ડી. શર્મા પોતે પણ હસી પડ્યા હતા અને પછી પ્રેમથી તે વિદ્યાર્થિની સાથે વાત કરી હતી. પછીથી તેમણે જણાવ્યું હતું કે ‘આ સમગ્ર ઘટના ગેરસમજને કારણે બની હતી. કાર્યક્રમના આયોજકોએ બપોરે બે વાગ્યે ચીફ ગેસ્ટ તરીકે મને આમંત્રણ આપ્યું હતું. હું સમય પર પહોંચી ગયો હતો, પણ રમતવીરો સવારે ૧૦ વાગ્યાથી આવેલા હતા. બધી ગેમ્સ પૂરી થાય પછી ચીફ ગેસ્ટ આવવાના હતા. એ કારણે ખેલાડીઓમાં હળવી નારાજગી જોવા મળી હતી.’


