એ સમયે જે કૉન્ડોમ બનતાં એ મોટા ભાગે લિનન અને પ્રાણીઓની ત્વચામાંથી બનતાં હતાં. એ યૌનસંબંધી ચેપો અટકાવવામાં ઘણાં મદદરૂપ હતાં.
ઘેટાના ઍપેન્ડિક્સમાંથી બનેલું ૨૦૦ વર્ષ જૂનું કૉન્ડોમ મ્યુઝિયમમાં મુકાયું
નેધરલૅન્ડ્સના રીજ મ્યુઝિયમમાં યોજાયેલા એક પ્રદર્શનમાં ૨૦૦ વર્ષ જૂનું કૉન્ડોમ લોકોને જોવા માટે મુકાયું છે. આ કૉન્ડોમ ઘેટાના ઍપેન્ડિક્સમાંથી બનાવેલું છે અને એના પર કામુક ચિત્રકારી કરેલી છે. નેધરલૅન્ડ્સના નૅશનલ મ્યુઝિયમ રીજમાં તાજેતરમાં એક અનોખી અને ઐતિહાસિક ચીજને પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. એ ચીજ ઍમ્સ્ટરડૅમના રેડ લાઇટ ડિસ્ટ્રિક્ટ સાથે અનોખું કનેક્શન ધરાવે છે. આ કૉન્ડોમ ૨૦૦ વર્ષ જૂનું છે જે લગભગ ૧૮૩૦ની સાલમાં બન્યું હોવાનું અનુમાન છે. એની લંબાઈ લગભગ ૨૦ સેન્ટિમીટર જેટલી છે અને અલ્ટ્રાવાયલેટ કિરણોના માધ્યમથી તપાસમાં એ કદી વપરાયું હોય એવું લાગતું નથી. ૨૦૨૨માં આ કૉન્ડોમ હાર્લેમમાં યોજાયેલા ઑક્શનમાં ૧૦૦૦ યુરો એટલે કે ૯૮,૦૦૦ રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું. એને રીજ મ્યુઝિયમમાં યોજાયેલા ૧૯મી સદીના સેક્સવર્કરોના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલાં પેઇન્ટિંગ્સ અને ચીજવસ્તુઓની પ્રદર્શનીમાં રાખવામાં આવ્યું છે. આ પ્રદર્શની એક મહિનો ચાલશે. એ સમયે કૉન્ડોમ વેશ્યાલયો કે વાળ કાપનારા નાઈની દુકાનોમાં વેચાતાં હતાં. એ સમયે જે કૉન્ડોમ બનતાં એ મોટા ભાગે લિનન અને પ્રાણીઓની ત્વચામાંથી બનતાં હતાં. એ યૌનસંબંધી ચેપો અટકાવવામાં ઘણાં મદદરૂપ હતાં.

