બે એજન્ટોને ૪૫ લાખ રૂપિયા ચૂકવીને, ત્રણ વર્ષ પરાણે ફ્રાન્સમાં રહીને, કુલ ૭ દેશ ફરીને આખરે મેક્સિકોથી અમેરિકા પહોંચેલો પંજાબનો યુવાન પહોંચતાં જ કેમ પકડાઈ ગયો?
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પાસપોર્ટના પાના પર ગુંદરના નિશાનને કારણે પંજાબના ૨૭ વર્ષના એક યુવાન પૃથ્વીપાલ સિંહને અમેરિકન અધિકારીઓએ નકલી વીઝાના આધારે અમેરિકામાં પ્રવેશ કરતાં ઝડપી લીધો હતો અને જેલમાં પૂરી દીધો હતો. તેને પછી મે મહિનાની શરૂઆતમાં ભારત ડિપૉર્ટ કરવામાં આવ્યો હતો.
જાલંધરના ગુટ્ટારન ગામના રહેવાસી પૃથ્વીપાલ સિંહે અમેરિકામાં નવા જીવનનું સપનું જોયું હતું અને અમેરિકા પહોંચવા માટે એજન્ટ અજિત પાલ સિંહને ૩૦ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આ એજન્ટે તેને અમેરિકા મોકલવાનું વચન આપ્યું હતું, પણ તે ફ્રાન્સમાં ત્રણ વર્ષ ફસાયો હતો. પછી બીજા એજન્ટને તેણે ૧૫ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આમ કુલ ૭ દેશોમાં ફરીને ૪૫ લાખ રૂપિયાના ખર્ચે પૃથ્વીપાલ સિંહ અમેરિકા પહોંચ્યો હતો, પણ પાસપોર્ટના પાના પર ગુંદર ચીટકેલો જોઈને અધિકારીઓએ તેને પકડી પાડ્યો હતો અને જેલમાં પૂરી દીધો હતો. ત્યાર બાદ તેનું ડિપૉર્ટેશન થયું હતું.
ADVERTISEMENT
નાનપણથી જ અમેરિકા જવાનું સપનું જોતા પૃથ્વીપાલ સિંહ પાસેથી અજિત પાલે ૩૦ લાખ રૂપિયા લીધા હતા અને તેને દુબઈ મોકલ્યો હતો. દુબઈમાં એક મહિનો રહ્યા પછી તેને સર્બિયા અને રોમાનિયા લઈ જઈને છેવટે ફ્રાન્સ મોકલવામાં આવ્યો હતો. ફ્રાન્સમાં પૃથ્વીપાલ અને અજિત પાલ વચ્ચે પૈસાનો વિવાદ થયો, જેના કારણે અજિત પાલ પૃથ્વીપાલને છોડીને જતો રહ્યો. લગભગ બેથી ૩ વર્ષ સુધી ફ્રાન્સમાં ફસાયેલા પૃથ્વીપાલને બીજો એજન્ટ હરપ્રીત સિંહ મળ્યો જેણે ૧૫ લાખ રૂપિયાની માગણી કરી અને તેને અમેરિકા પહોંચાડવાની ખાતરી આપી હતી. આટલાં નાણાં ચૂકવવામાં આવ્યા બાદ હરપ્રીત અને તેના સાથીઓએ પૃથ્વીપાલને નેધરલૅન્ડ્સ, પનામા, નિકારાગુઆ અને ગ્વાટેમાલા થઈને મેક્સિકો પહોંચાડ્યો હતો. મેક્સિકોમાં પૃથ્વીપાલના પાસપોર્ટ પર નકલી વીઝા લગાવવામાં આવ્યા હતા, જેના કારણે તે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરી શક્યો હતો. અમેરિકા પહોંચ્યા પછી પૃથ્વીપાલે નકલી વીઝા કાઢી નાખ્યા હતા, પરંતુ તેના પાસપોર્ટ પેજ પર ગુંદરનાં નિશાન રહી ગયાં જેના કારણે અમેરિકન સુરક્ષા એજન્સીઓએ તેની ધરપકડ કરી હતી. ભારત પાછા મોકલવામાં આવતાં પહેલાં તેને ૪ મહિના જેલમાં રાખવામાં આવ્યો હતો.


