રાજસ્થાનના ૬૨ વર્ષના દરજીને સુરતની ડાયમન્ડ કંપનીના નામે આશરે ૯૭૫ કરોડ રૂપિયાની ટૅક્સ નોટિસ મળતાં પરિવાર ચોંકી ગયો. આધાર અને PANનો દુરુપયોગ કરીને તેમને શેલ કંપનીના ડિરેક્ટર બનાવવાનો આરોપ છે.
દર મહિને માંડ ૧૫,૦૦૦ રૂપિયા કમાતા દરજીને ઇન્કમ ટૅક્સ વિભાગે ફટકારી ૯૭૫ કરોડની નોટિસ
રાજસ્થાનના અજમેર જિલ્લાના ગોવિંદગઢમાં રહેતા ૬૨ વર્ષના રેખરાજ ઠાડા નામના વડીલ દરજીકામ કરીને દર મહિને માંડ ૧૫,૦૦૦ રૂપિયા કમાય છે. જોકે તાજેતરમાં સુરતના ઇન્કમ ટૅક્સ વિભાગ તરફથી તેમના ઘરે એક નોટિસ પહોંચી ત્યારે આખા પરિવારના હોશ ઊડી ગયા હતા. આ નોટિસ કોઈ નાની-મોટી રકમની નહીં પણ ૯,૭૪,૯૭,૨૫,૪૫૭ રૂપિયા (આશરે ૯૭૫ કરોડ રૂપિયા)નો ટૅક્સ ચૂકવવા માટેની હતી. નોટિસમાં રેખરાજજીને સુરતની ‘રૂપ રજત ડાયમન્ડ પ્રાઇવેટ લિમિટેડ’ નામની કંપનીના ડિરેક્ટર તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ગભરાયેલા પરિવારે જ્યારે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મારફત તપાસ કરાવી તો ખબર પડી કે તેમના નામનો ઉપયોગ કરીને સુરતની જ બીજી ‘જય બાબેરી ડાયમન્ડ પ્રાઇવેટ લિમિટેડ’ નામની શેલ કંપનીમાં તેમને ડિરેક્ટર બનાવી દેવાયા છે! નવાઈની વાત એ છે કે રાજસ્થાનમાં રહેતા રેખરાજ ક્યારેય ગુજરાત ગયા જ નથી. કોઈ ઠગ મંડળીએ તેમના આધાર અને PAN કાર્ડનો દુરુપયોગ કરીને કાગળ પર ડાયમન્ડ કંપનીઓ ઊભી કરીને કરોડોનાં કાળાં નાણાંની હેરફેર કરી નાખી છે. કંપનીના સરનામે તપાસ કરવામાં આવી ત્યારે ત્યાં કોઈ ડાયમન્ડ કંપનીને બદલે ૧૯૯૭થી ચાલતી એક મેકૅનિકલ વર્કશૉપ
નીકળી હતી. આટલા મોટા ફ્રૉડ સામે હવે દરજી પરિવારે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
