દેવા રે દેવા : મુંબઈ ભુલેશ્વરચા રાજાની હૃદયદ્રાવક કરુણાંતિકાથી ગમગીન
સંકેત નેવશે અને બ્રિજેશ જોશી તેમ જ વચ્ચે ભૂલેશ્વરચા રાજાની મૂર્તિ
મૂર્તિ તૂટી પડી એ પહેલાં જ અંદાજ આવી ગયો હતો કે કદાચ એ પડશે, અને એવું જ થયું : જીવ ગુમાવનારો સંકેત નેવશે મંડળનો પ્રેસિડન્ટ હતો, ગુજરાતી બ્રિજેશ જોશીનું બાપ્પા ઑલમોસ્ટ પહોંચી જ ગયા હતા ત્યારે પોતાના ઘરની સામે જ મૃત્યુ થયું
ભુલેશ્વરચા રાજાની મૂર્તિ વેલ્ડિંગનો સપોર્ટ તૂટવાથી તૂટી પડી : બેનાં મોત, પાંચ ઘાયલ: વિઘ્નહર્તાના આગમનની શોભાયાત્રામાં જ વિઘ્ન
ADVERTISEMENT
મુંબઈમાં ‘ભુલેશ્વરચા રાજા’ની બાવીસ ફુટ ઊંચી ગણેશમૂર્તિ આગમન વખતની શોભાયાત્રા દરમ્યાન પડી જવાથી બે લોકોનાં મોત અને પાંચ લોકો ઘાયલ થવાની દર્દનાક ઘટના શનિવારે રાતે ૧૦ વાગ્યાની આસપાસ બની હતી. આ બાબતે પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં મૂર્તિનો વેલ્ડિંગનો સપોર્ટ તૂટવાથી એ તૂટી પડી હોવાનું સૂચવવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે ‘આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારામાં ‘ભુલેશ્વરચા રાજા’ની પધરામણી કરતા અખિલ ભુલેશ્વર સાર્વજનિક ગણેશોત્સવ મંડળ ટ્રસ્ટના ૩૩ વર્ષના પ્રમુખ સંકેત નેવશે અને મંડળના ૩૦ વર્ષના પદાધિકારી બ્રિજેશ જોશીનો સમાવેશ થાય છે. સંકેતનું મૃત્યુ સારવાર દરમ્યાન થયું હતું, જ્યારે બ્રિજેશને છાતીમાં જોરદાર માર લાગતાં તેનું ઑન ધ સ્પૉટ મૃત્યુ થયું હતું. પોલીસે ઍક્સિડેન્ટલ ડેથ રિપાર્ટ નોંધીને વધુ કાર્યવાહી કરી હતી. આ ઘટના શનિવારે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ દક્ષિણ મુંબઈમાં ભુલેશ્વરના જય અંબે ચોક ખાતે કબૂતરખાના નજીક બલરામ મર્ચન્ટ રોડ પર બની હતી. મંડળના યુવકો ભાયખલાથી મૂર્તિ લાવી રહ્યા હતા. મંડપ પચાસથી ૬૦ મીટર જ દૂર હતો ત્યારે મૂર્તિની પાછળનો વેલ્ડિંગનો સપોર્ટ તૂટી ગયો હતો જેને કારણે એ આગળની બાજુ પડી ગઈ હતી અને દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં ૩૮ વર્ષનો વૈભવ ઘેનંદ, પચીસ વર્ષનો પવન ચૌરસિયા, પાંચ વર્ષની લાવણ્યા ગણેર, ૭ વર્ષની દિવ્યા ગણેર અને ૨૬ વર્ષનો કુણાલ કાશિદ ઘાયલ થયાં હતાં. તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સંકતે નેવશેને રિલાયન્સ ફાઉન્ડેશનની હરકિસનદાસ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. બ્રિજેશ જોશી, વૈભવ ઘેનંદ અને પવન ચૌરસિયાને ગોકુળદાસ તેજપાલ (GT) હૉસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં ડૉક્ટરોએ બ્રિજેશને દાખલ કરતાં પહેલાં તપાસીને મૃત જાહેર કર્યો હતો. ઘાયલ થયેલાં લાવણ્યા ગણેર, દિવ્યા ગણેર અને કુણાલ કાશિદને જે. જે. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં.
ઘટના બાદ ફાયરબ્રિગેડના કર્મચારીઓ, પોલીસ, ઍમ્બ્યુલન્સ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના વૉર્ડ-ઑફિસરો સ્પૉટ પર પહોંચી ગયા હતા. મૂર્તિના ટુકડા થઈ ગયા બાદ પોલીસ અને BMCના અધિકારીઓએ એનું ગિરગામ ચોપાટી પાસેના દરિયામાં વિસર્જન કર્યું હતું.
આગમનની તારીખમાં ફેરફાર
ભુલેશ્વરચા રાજાનું આ વર્ષે ૬૩મું વર્ષ હતું. મૂળમાં મંડળનો પ્લાન ૨૯ ઑગસ્ટે ગણેશમૂર્તિ મંડપમાં લાવવાનો હતો. જોકે પછી એ ડેટમાં ફેરફાર કરીને એક અઠવાડિયા પહેલાં એટલે કે બાવીસમી ઑગસ્ટે એને મંડપમાં પધરાવવાનું નક્કી થયું હતું. મૂર્તિકાર અનિકેત દેસાઈએ આ ભવ્ય મૂર્તિ બનાવી હતી. ફીંડલું મારીને બેસેલા શેષનાગ પર અષ્ટભુજા ધરાવતા ગણપતિ બિરાજમાન થયા હતા અને ગણપતિ પર અને જમણી અને ડાબી તરફ થાઇલૅન્ડના ડ્રૅગન પૅટર્નના નાગની ૩ ફેણ અલગ-અલગ દર્શાવાઈ હતી. મૂર્તિના પાછળના સપોર્ટનું વેલ્ડિંગ તૂટી પડતાં નટ-બોલ્ટ છૂટી ગયા હોવાથી મૂર્તિ આગળની તરફ પટકાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવવામાં આવ્યું છે.
