Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રસ્તા પરના ખાડા અને સ્પીડ-બ્રેકર વિશે રજૂઆત કરી હતી, પણ ઍક્શન ન લેવાઈ

રસ્તા પરના ખાડા અને સ્પીડ-બ્રેકર વિશે રજૂઆત કરી હતી, પણ ઍક્શન ન લેવાઈ

Published : 24 August, 2026 07:43 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સમન્વય સમિતિના એક સભ્યનું કહેવું છે કે BMCને ફરિયાદ કરવા છતાં તેમણે ઉદાસીનતા બતાવી

દુર્ઘટના બાદ રાજ્યના કલ્ચરલ મિનિસ્ટર આશિષ શેલાર અને મુંબઈ સિટીના ગાર્ડિયન મિનિસ્ટર મંગલપ્રભાત લોઢાએ પરિવારજનોને મળી સાંત્વન આપ્યું હતું. તસવીર : આશિષ રાજે

દુર્ઘટના બાદ રાજ્યના કલ્ચરલ મિનિસ્ટર આશિષ શેલાર અને મુંબઈ સિટીના ગાર્ડિયન મિનિસ્ટર મંગલપ્રભાત લોઢાએ પરિવારજનોને મળી સાંત્વન આપ્યું હતું. તસવીર : આશિષ રાજે


સમન્વય સમિતિના એક સભ્યે કહ્યું હતું કે ‘આગમનના આગલા દિવસે શુક્રવારે મેં વ્યક્તિગત રીતે મૂર્તિ જે રૂટ પર મુસાફરી કરવાની હતી એ સમગ્ર માર્ગની સમીક્ષા કરી હતી. મેં વિવિધ ખાડા અને સ્પીડ-બ્રેકર જોયાં હતાં. મેં સંબંધિત અધિકારીઓ સાથે વાત કરીને સ્થિતિ પર પ્રકાશ પાડ્યો હતો અને તેમને સ્પીડ-બ્રેકરો દૂર કરવા કહ્યું હતું. શનિવારે બપોરે અમે બકરી અડ્ડા પર મૂર્તિ લેવા ગયા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે સ્પીડ-બ્રેકર દૂર કરવામાં આવ્યાં નથી. આવી ઉદાસીનતા શા માટે?’

અમે નિરીક્ષણ કરીશું : ફાયરબ્રિગેડ



મુંબઈ ફાયરબ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘મૂર્તિ સંપૂર્ણપણે સુકાઈ નહોતી. એને વર્કશૉપથી પંડાલમાં લઈ જવી એ મંડળનો નિર્ણય હતો. પોલીસતપાસમાં જાણવા મળશે કે મૂર્તિને પંડાલમાં લઈ જવા માટે ઉપયોગમાં લેવાતા સેટઅપ (પ્લેટ, વાહન વગેરે)માં કોઈ ટેક્નિકલ કે યાંત્રિક ખામી હતી કે નહીં.’


અધિકારીઓ અને ગણેશ મંડળો દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ પૂરતી છે?

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ તપાસ કરવી જ જોઈએ. જ્યાં સુધી અમને બરાબર ખબર ન પડે કે શું થયું છે ત્યાં સુધી કોઈએ કંઈ પણ માનવું જોઈએ નહીં અથવા કોઈ વ્યક્તિ અથવા સત્તા પર કોઈ દોષ ન મૂકવો જોઈએ એમ જણાવતાં નરેશ દહિબાવકરે કહ્યું હતું કે ‘BMCની સમિતિ સાથે સંકલન બેઠકો આ વર્ષે સામાન્ય કરતાં મોડી શરૂ થઈ હતી. હું કોઈ પર આરોપ લગાવી રહ્યો નથી, પરંતુ આનાથી તૈયારીઓના સમયપત્રકમાં વિલંબ થયો. અધિકારીઓ પાસે મોટી અથવા ભારે મૂર્તિઓ ધરાવતાં મંડળોના માર્ગો પરના બધા ખાડાઓ સુધારવા અને બધાં સ્પીડ-બ્રેકર તોડી પાડવા માટે પૂરતો સમય નહોતો. જોકે BMCએ હવે તપાસ કરવી જોઈએ અને શોધવું જોઈએ કે આવું કેમ થયું?’


મૂર્તિઓનું સરળ આગમન સુનિશ્ચિત કરવા માટે સમિતિ કોની સાથે સંકલન કરી રહી હતી એવા સવાલનો જવાબ આપતાં નરેશ દહિબાવકરે કહ્યું હતું કે ‘અમે મેયર, ટ્રાફિક-કમિશનર, જૉઇન્ટ કમિશનરો, D વૉર્ડના અધિકારી અને અમારા ગાર્ડિયન મિનિસ્ટરને પણ મળ્યા. અમે રિક્વાયરમેન્ટ જણાવી છે એટલે હવે તપાસ કરવાનું તેમનું કામ છે. મૂર્તિ બનાવનારને દોષ ન આપો.’

જ્યાં સુધી અધિકારીઓ દ્વારા સંપૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી કોઈએ કોઈ નિષ્કર્ષ પર પહોંચવાનું ટાળવું જોઈએ : નરેશ દહિબાવકર
ભુલેશ્વરચા રાજાની દુર્ઘટના પછી શું મૂર્તિઓની ઊંચાઈ ઘટાડવાની જરૂર છે? એવો સવાલ બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમિતિના પ્રેસિડન્ટ નરેશ દહિબાવકરને કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘શનિવારની દુર્ઘટના એવી બાબત છે જેની આપણે તપાસ કરવી જોઈએ અને ચર્ચા કરવી જોઈએ અને પછી જ નિર્ણય લઈ શકાય. મેં ૪૦ વર્ષથી વધુ સમયથી આ પદ પર કામ કર્યું છે. આવી ઘટના પહેલી વાર બની છે. જ્યાં સુધી અધિકારીઓ દ્વારા સંપૂર્ણ તપાસ ન થાય અને આપણે બરાબર શું થયું એ નક્કી ન કરી શકીએ ત્યાં સુધી મૂર્તિકાર, મૂર્તિની ઊંચાઈ અથવા કોઈની બેદરકારીને દોષ ન આપીએ.’

ટાઇમલાઇન 
બપોરે લગભગ બે વાગ્યાની આસપાસ બાવીસ ફુટ ઊંચી મૂર્તિ ભાયખલા-વેસ્ટના બકરી અડ્ડાની વર્કશૉપથી ભુલેશ્વર મંડપ જવા રવાના થઈ.
બે કલાકનો વિલંબ : બકરી અડ્ડાથી નીકળતાંની સાથે જ એ સ્પીડ-બ્રેકર સાથે અથડાઈ ગઈ અને મૂર્તિને પ્લેટો સાથે જોડવાનું વેલ્ડિંગકામ ખોરવાઈ ગયું. ભુલેશ્વરચા રાજા સમિતિના સભ્યો દ્વારા બકરી અડ્ડા ખાતે શોભાયાત્રાને અટકાવવામાં આવી. મૂર્તિકારે મૂર્તિને ખસેડી, સમારકામ કર્યું અને મૂર્તિને પ્લેટો પર પાછી ફિટ કરી. એ સાત રસ્તા, મુંબઈ સેન્ટ્રલ, ઠાકુરદ્વાર અને ભુલેશ્વર તરફ આગળ વધી.
રાત્રે ૯.૩૦થી ૯.૫૦ વાગ્યાની વચ્ચે : મૂર્તિ ભુલેશ્વર રોડ પર આગળ પડી.
રાત્રે ૯.૫૧ વાગ્યે : સ્થાનિક લોકોએ પોલીસ કન્ટ્રોલ-રૂમના નંબર ૧૦૦ પર ફોન કર્યો.
રાત્રે ૯.૫૫ વાગ્યે : પોલીસ પહોંચી. લગભગ ૧૫૦ રહેવાસીઓએ મૂર્તિને ખસેડવાનો પ્રયાસ કર્યો. તેમણે મુંબઈ પોલીસની મદદથી અને દેખરેખ હેઠળ લોખંડના સળિયા નીચેથી સરકાવી દીધા અને તૂટી પડેલી મૂર્તિ નીચે ફસાયેલા કેટલાક લોકોને બચાવ્યા.
૧૦.૧૫ વાગ્યે : ​​ભુલેશ્વરચા રાજા સમિતિ (અખિલ ભુલેશ્વર સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળ)ના વડા સંકેત નેવશેને મૂર્તિ નીચેથી બહાર કાઢવામાં આવ્યો એમ પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું.
રાત્રે ૧૧ વાગ્યા પછી : મૂર્તિને ખસેડવા ભુલેશ્વર ક્રેન આવી. ફસાયેલા અન્ય લોકોને બહાર કાઢવામાં આવ્યા અને તેમને જે. જે. હૉસ્પિટલમાં, એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલમાં અને જી. ટી. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
૧૨.૩૦ વાગ્યે : ​​નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રિલાયન્સ હૉસ્પિટલની મુલાકાત લીધી.
એક વાગ્યે : એ વિસ્તારમાંથી કાટમાળ દૂર કરવામાં આવ્યો.

આશિષ શેલારે પરિવારોને આર્થિક મદદની જાહેરાત કરી 
રાજ્યના કલ્ચરલ મિનિસ્ટર આશિષ શેલારે કહ્યું હતું કે ‘જે પ્રકારની આ દુર્ઘટના બની છે એ બહુ જ દુઃખદાયક છે. પોલીસ આ ઘટનાની ઇન્ક્વાયરી કરી રહી છે. ઘણીબધી વાતો સામે આવી રહી છે. ઇન્ક્વાયરીના રિપોર્ટમાં બધી ચીજો સામે આવશે. ગણેશમૂર્તિને લઈ જતી ટ્રૉલીમાં પણ સુધારા થવા જોઈએ એમ પોલીસનું કહેવું છે એટલે એને ગંભીરતાથી લેવામાં આવે. આ ઘટનામાં જે કોઈ દોષી હશે તેના પર કાર્યવાહી થશે.’ આશિષ શેલાર વ્યક્તિગત રીતે આ દુર્ઘટનામાં જીવ ગુનાવનાર સંકેત નેવશે અને બ્રિજેશ જોશીના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયા અને ઘાયલોના પરિવારોને એક-એક લાખ રૂપિયાની આર્થિક મદદ કરશે. 

રવિવારે ગણેશમૂર્તિ લાવવાનું મોકૂફ રાખ્યું
ભુલેશ્વરની ઘટના બાદ ગઈ કાલે ગિરગામનાં અન્ય ગણેશ મંડળોના સાર્વજનિક ગણપતિની મૂર્તિઓ મંડપમાં લાવવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું. બીજી બાજુ બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિએ ઉપરોક્ત ઘટનાને કમનસીબ અને દુઃખદાયક ગણાવી હતી. સમિતિ દ્વારા અન્ય ગણેશમંડળો જેમણે હજી તેમની ગણેશમૂર્તિઓની પધરામણી નથી કરી તેમને આ ઘટનાની સંવેદનાને સમજીને તેમની ગણેશમૂર્તિ પધરાવતી વખતે કોઈ પણ જલ્લોષ ન કરવાની કે ઢોલનગારાં ન વગાડતાં શાંતિથી મૂર્તિ લાવવા જણાવવામાં આવ્યું છે. સાથે જ અન્ય કોઈ આવી ઘટના ફરી ન બને એ માટે કાળજી લેવાનો અને સુરક્ષાનાં અને સાવચેતીનાં પગલાં લેવામાં આવે એ માટે અનુરોધ કર્યો હતો. એની સાથે જ ભુલેશ્વરની ઘટનામાં માર્યા ગયેલા બન્ને યુવાનોના પરિવારને અને ઘાયલોને સરકાર આર્થિક મદદ કરે એ માટે પણ રજૂઆત કરવામાં આવી છે.     

- ઇશાનપ્રિયા એમ એસ

Whatsapp-channel Whatsapp-channel

24 August, 2026 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK