રોજના પચીસ ટન કચરાને ડમ્પિંગ ગ્રાઉન્ડ સુધી પહોંચાડવાનો ખર્ચ ઘટાડવા લેવાયો નિર્ણય : ફૂલોના કચરાને ખાતર અને અગરબત્તીમાં રૂપાંતરિત કરી શકાય છે, જ્યારે શાકભાજીના કચરાને ખાતર અને બાયોગૅસમાં રૂપાંતરિત કરી શકાય છે.
પ્રતીકાત્મક તસવીર
દાદરમાં આવેલી માસાહેબ મીનાતાઈ ઠાકરે ફ્લાવર માર્કેટની આસપાસ વેપારીઓ દ્વારા ફેંકવામાં આવતા ફૂલોના કચરાના યોગ્ય નિકાલ માટે એક વિશેષ પ્રોજેક્ટ હાથ ધરવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નાં ઍડિશનલ કમિશનર પ્રાજક્તા વર્માએ સૂચના આપી છે. આ ઉપરાંત દાદર સ્ટેશન-વેસ્ટ નજીક આવેલી ક્રાન્તિસિંહ નાના પાટીલ મ્યુનિસિપલ વેજિટેબલ માર્કેટની આસપાસ એકઠા થતા કચરાનો પણ સ્થળ પર જ નિકાલ કરવા માટે અસરકારક પગલાં લેવાનો અધિકારીઓને નિર્દેશ અપાયો છે.
દાદરની આ ફ્લાવર માર્કેટમાંથી દરરોજ આશરે ૧૦ ટન જેટલાં નકામાં ફૂલોનો કચરો નીકળે છે તેમ જ શાકમાર્કેટમાંથી રોજનો ૧૫ ટન કચરો નીકળે છે. પ્રાજક્તા વર્માએ જણાવ્યું હતું કે ફેંકી દેવાયેલા આ ફૂલોના કચરાના યોગ્ય અને ઝડપી નિકાલ માટે આધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવો જોઈએ, જેથી દરરોજ આટલા મોટા પ્રમાણમાં કચરાને ડમ્પિંગ ગ્રાઉન્ડ સુધી વહન કરવાનો વાહનવ્યવહારનો બોજ અને ખર્ચ ઘટાડી શકાય.
